પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

થયેલ ખર્ચ અને પ્રતિવાદીને જે આપવો પડશે એ બધો ખર્ચ નાણાંનો સદુપયોગ ગણાશે કે દુરુપયોગ {misapplication) ગણાશે ? સરકારી વકીલને આ ઉઘાડો અન્યાયી દાવો ચલાવવા બદલ મોટી ફી મળવાની છે એ પણ નાણાંનો સદુપયોગ ગણાશે કે ? નાણાંનો આવો સદુપયોગ કરનારી શાહુકારી ટોળી, પેાતાના પૈસા પોતાનાં બાળકોની કેળવણીની પાછળ ખર્ચનારને પૈસાનો દુરુપયોગ કરનાર ઠરાવવાનો દાવો કરે એવું પાખંડ તો આ રાજ્યમાં જ ચાલે. જો સ્થાનિક રવરાજ્યનું ખાતું પ્રધાનના હાથમાં ન હોત તો આટલી હિંમત તો ન જ ચાલત.

“અમદાવાદમાં કર ભરનારાઓમાંથી કોઈને પોતાનાં નાણાંનો દુરુપયોગ કે ગેરવહીવટ થતો લાગતો નથી. કર ભરનારાઓનો દાવો કરવાની સત્તા છે પણ કોઈ દાવો કરતું નથી. પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાની સંમતિથી જ ખર્ચ કરેલો અને સરકાર સામે લડત ઉપાડેલી એ વાતની સરકારને ચોક્કસ ખબર હતી. છતાં સરકારને કર ભરનારાઓના હિતની ખાતર આ દાવો કરવાનો ખોટો ઢોંગ કરવાની કેમ જરૂર પડી એ કોઈનાથી સમજાયું નહીંં જ હોય.”

આટઆટલા ડિસ્ટ્રિક્ટ જજના અને લોકોના ઠોક પડ્યા છતાં સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાં એની અપીલ ખર્ચ સાથે કાઢી નાખવામાં આવી.