પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૧૮

નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત

નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓએ પણ સરકારના કેળવણી ખાતા સાથે અસહકારની લડત આ વખતે ચલાવી હતી. તેની સઘળી વિગતોમાં નહીં (કારણ તે વસ્તુ સ્વાભાવિક રીતે જ સ્થાનિક કાર્યકર્તાઓના હાથમાં રહે) પણ મુખ્ય મુદ્દાની બાબતમાં સરદારનું માર્ગદર્શન હતું. એટલે એ બંને મ્યુનિસિપાલિટીઓની લડતનો હેવાલ અહીં ટૂંકમાં આપવો ઉચિત ગણાશે.

નડિયાદ મ્યુનિસિપાલિટીએ તો અમદાવાદ કરતાં પણ વહેલી લડત શરૂ કરી હતી. ૧૯૨૦ના ઑગસ્ટમાં અમદાવાદમાં મળેલી ગુજરાત રાજકીય પરિષદ અને સપ્ટેમ્બરમાં કલકત્તામાં મળેલી કૉંગ્રેસની ખાસ બેઠકે સરકાર સાથે અસહકાર કરવાના ઠરાવ પાસ કર્યા પછી તરત જ નડિયાદમાં શ્રી ગોકળદાસ દ્વારકાદાસ તલાટી તથા ફૂલચંદ બાપુજી શાહે નડિયાદ મ્યુનિસિપાલિટીની સઘળી શાળાઓને અસહકારી કરી નાખવા માટે લોકમત તૈયાર કરવા જુદા જુદા લત્તામાં સભાઓ કરવા માંડી. છેવટે તા. ૧–૧૦–’ર૦ના રોજ નડિયાદ મ્યુનિસિપાલિટીના કર ભરનારાઓની જાહેર સભામાં ઠરાવ કરવામાં આવ્યો કે :

“કેળવણીની બાબતમાં અસહકાર કરવા માટે મ્યુનિસિપાલિટીને મળતી કેળવણીની ગ્રાંટ છોડી દેવા આ સભા મ્યુનિસિપાલિટીમાંના પોતાના પ્રતિનિધિઓને આગ્રહપૂર્વક વિનંતી કરે છે.”

મ્યુનિસિપાલિટીના સભ્યો એ ઠરાવ ઉપર વિચાર કરવા સંતરામ મહારાજના મંદિરમાં ભેગા થયા. તેમાં મ્યુનિસિપલ સભ્યો ઉપરાંત બીજા કાર્યકર્તાઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતમાં દોરવણી આપવા સરદારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરદારે મ્યુનિસિપલ કાયદાની બરાબર છણાવટ કરી અસહકારનો ઠરાવ કરવામાં સભ્યોએ કેટલી જવાબદારી ઉઠાવવાની છે તેનો અને સરકાર સાથેનો અસહકાર, લોકોનો કેટલો સહકાર મળે તો સફળ થાય તેનો ખ્યાલ આપ્યો અને સલાહ આપી કે, સભ્યો મક્કમ હોય અને લોકોના સાથની ખાતરી હોય તો આ પગલું ભરવું. પછી તા. ૮–૧૦–’૨૦ની મ્યુનિસિપલ બોર્ડની સભામાં શ્રી ફૂલચંદભાઈએ નીચેનો ઠરાવ રજૂ કર્યો :

“કલકત્તાની હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસે અસહકારનો ઠરાવ પસાર કરેલો હોવાથી આ બોર્ડ ઠરાવ કરે છે કે સરકારને જણાવી દેવું જોઈએ કે અમે
૨૦૦