પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


સરદારે ઉપર જણાવ્યું છે તેમ જબરદસ્તીથી મકાનોનો કબજો લેવામાં સરકારનો હેતુ પાર પડ્યો નહીં અને સરકારી નિશાળો લગભગ ખાલી જેવી જ રહી. કેટલાક માસ વીત્યા બાદ સરકારને કોઈ ડાહ્યા માણસે સલાહ આપી હશે કે તમારું આ કૃત્ય તો તદ્દન કાયદા વિરુદ્ધ છે અને તે માનવાની એને સદ્‌બુદ્ધિ સૂઝી હશે એટલે પોતાની મેળે થઈને સરકારે આ મકાનો મ્યુનિસિપાલિટીને પાછાં સોંપ્યાં અને પોતાની શાળાઓ બીજે લઈ ગઈ.

દરમિયાન સરકારે બીજી ચાલ ચાલવાનો અખતરો કરી જોયો. તા. ૫–૪–’૨૧ના રોજ મુંબઈ સરકારે એક યાદી બહાર પાડી તેમાં નડિયાદ મ્યુનિસિપાલિટીની સઘળી પરિસ્થિતિનું વર્ણન કરી જણાવ્યું કે :

“મ્યુનિસિપાલિટીએ જે પ્રયોગ શરૂ કર્યો છે તેને વાજબી અજમાયશ ન મળે ત્યાં સુધી સરકાર વચ્ચે પડવા ઇચ્છતી નથી. . . જ્યાં સુધી મ્યુનિસિપાલિટી તેના ઉપર કાયદાએ નાખેલી ફરજ બજાવતી રહે ત્યાં સુધી તેનું ખર્ચ એ પોતાના ફંડમાંથી કરે એમાં કશી હરકત નથી. મ્યુનિસિપાલિટીનું આ કાર્ય વધાવી લેવા જેવું છે, કારણ એથી કેળવણી માટે ખર્ચવાની જે રકમ સરકાર પાસે બચશે તે ઓછા સમૃદ્ધ પ્રદેશોમાં વાપરી શકાશે. જોકે મ્યુનિસિપાલિટીએ આપવા ધારી છે તેવી કેળવણી નડિયાદનાં જે માબાપોને પોતાનાં બાળકો માટે નહીં જોઈતી હોય તેમને માટે સરકાર અલગ શાળાઓ ખોલે એ સ્વાભાવિક છે અને સરકાર આશા રાખે છે કે મ્યુનિસિપાલિટી પોતાને જે સ્વતંત્રતા મળી છે તેવી જ સ્વતંત્રતા એ શાળાઓને ભોગવવા દેશે.”

આ યાદીએ મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યોમાં એવી માન્યતા બંધાવા દેવાને કારણ આપ્યું કે સરકારનો વિરોધ આ પ્રયોગ સામે નથી, સરકારને એના તરફ દિલસોજી ન હોય તોપણ અણગમો તો નથી જ. જોકે સરકારના આવા વલણ પાછળ તેની ગણતરી તો એ હતી કે નાણાં અને વ્યવસ્થાની મુશ્કેલીઓને લીધે મ્યુનિસિપાલિટી સરકારની મદદ વિના સ્વતંત્ર રીતે શાળાઓ ઝાઝો વખત ચલાવી શકશે નહીં. પણ સરકારની એ ગણતરી ખોટી પડી. પ્રજામતનું માપ કાઢવામાં સરકાર અને મ્યુનિસિપાલિટી વચ્ચે લગભગ એક વરસ સુધી હરીફાઈ ચાલી. એમાં મ્યુનિસિપાલિટી થાકતી નથી એમ સરકારે જોયું એટલે એણે પોતાની ચાલ બદલી. તા. ૨૩–૯–’૨૧ના રોજ એક ઠરાવ બહાર પાડીને અમદાવાદ, નડિયાદ અને સુરત એ ત્રણે મ્યુનિસિપાલિટીઓને જણાવ્યું કે તમે સરકારી અંકુશ ફગાવી દઈ શાળાઓ પાછળ જે ખર્ચ કરો છો તે મ્યુનિસિપલ ફંડનો ગેરઉપયોગ (misapplication) છે, તેને માટે જે કાઉન્સિલરોએ સરકારી અંકુશ કાઢી નાખવાની તરફેણમાં મત આપ્યો છે તે અંગત રીતે જવાબદાર છે. તેમને પોતાની સ્થિતિનો વિચાર કરવા