પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરદાર વલ્લભભાઈ


એમને રાજભા કહેતું. શા ઉપરથી એમ કહેવાતા હશે તે મને ખબર આપનાર કહી શકતા નથી.

મહાદેવભાઈએ ‘વીર વલ્લભભાઈ’માં નોંધ્યું છે કે, “પિતાશ્રીએ નાનપણમાં ’૫૭ના બળવામાં ઝાંસીની રાણીના પ્રદેશમાં ભાગ લીધેલો. બે ત્રણ વર્ષ સુધી ઘેર એમનો પત્તો જ નહોતો લાગ્યો. મલ્હારરાવ હોલકરે એમને કેદ કર્યા હતા. કેદ કરી પોતાની સામે બાંધી રાખી એક વાર મલ્હારરાવ શેતરંજ રમતા હતા. શેતરંજમાં રાજા ખોટી ચાલ ચાલતા જાય ત્યાં ઝવેરભાઈ કહેતા જાય : ‘રાજા, ફલાણું મહોરું આમ ચલાવો.’ મલ્હારરાવ ચકિત થઈ ગયેલા અને કેદીને છોડી મિત્ર કરેલા.” બોરસદ તથા નડિયાદમાં હું સરદારના કેટલાક સમવયસ્કોને મળેલો. તેમણે મને કહ્યું કે અમને આ વાતનું સ્મરણ નથી. પણ એ અરસામાં તેઓ કરમસદ છોડીને બહારગામ ઘણું કરીને ઈન્દોર તરફ કોઈને કહ્યા વિના ચાલ્યા ગયેલા ખરા. એટલે મહાદેવભાઈની વાત બરાબર હોવાનો સંભવ છે.

સરદારનું મોસાળ નડિયાદમાં દેસાઈ વગામાં છે. તેમનો જન્મ પણ ત્યાં જ થયેલો. એમના આજા — માના બાપ — નું નામ જીજીભાઈ વસ્તાભાઈ દેસાઈ અને મામાનું નામ ડુંગરભાઈ. એમની આર્થિક સ્થિતિ ઝવેરભાઈના પ્રમાણમાં સારી હતી. વિઠ્ઠલભાઈનો અંગ્રેજી વિદ્યાભ્યાસ બધો મેસાળમાં જ થયેલો અને સરદાર પણ હાઈસ્કૂલનાં ત્રણેક વર્ષ નડિયાદ રહેલા. પણ તે મોસાળમાં ન રહેતાં, પોતાના વિદ્યાર્થી મિત્રોની એક અલગ ક્લબ કાઢીને તેમાં રહેલા. માતુશ્રી લાડબાઈ નરમ અને સુશીલ સ્વભાવનાં હતાં. ઘર ચલાવવામાં બહુ કુશળ હતાં. સ્થિતિ ગરીબ હતી છતાં મહેમાન પરોણા સારી રીતે સાચવતાં. કોઈ સાથે તકરારમાં ઊતરવાનું તો એમના સ્વભાવમાં જ નહોતું. સેવાભાવી વૃત્તિનાં હતાં. પાડોશીનું પણ કામ કરી છૂટે. આસપાસનાં સૌનો પ્રેમ સંપાદન કરવાની શક્તિ એમનામાં સહજ હતી. વહુઓને પણ બહુ સારી રીતે રાખતાં. નાના દીકરા કાશીભાઈ વિધુર થયા પછી એમનું ઘર સંભાળતાં, અને છોકરાંને સાચવતાં. લગભગ પંચાશી વર્ષની ઉંમરે સને ૧૯૩૨માં ગુજરી ગયાં ત્યાં સુધી કાશીભાઈ બધું તૈયાર કરી આપે અને એ બેઠાં બેઠાં રાંધી જમાડે, એ પ્રમાણે ઘરનું કામ કર્યું. ગાંધીજીએ રેંટિયો કાઢ્યો ત્યાર પછી તો નવરાશ મળે કે તરત રેંટિયો લઈને બેસતાં. પિતાશ્રી પણ પંચાશી વર્ષની જ ઉંમરે સને ૧૯૧૪માં ગુજરી ગયેલા. આમ માતાપિતા વચ્ચે ઉંમરમાં અઢાર વર્ષનું અંતર હતું. આનું કારણ એ છે કે પિતાશ્રીનું પહેલું લગ્ન સુણાવ ગામમાં થયેલું. પણ પહેલાં પત્ની નિઃસંતાન ગુજરી ગયેલાં. માતુશ્રી લાડબાઈ બીજી વારનાં હતાં.