પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


આપવાના વિચારના ચૂંટાઈ આવ્યા. આ નવા બોર્ડને પોતાનો અમલ શરૂ થતાં જ માલૂમ પડ્યું કે સરકાર તરફથી ચાલતી શાળાઓમાં વિદ્યાથીઓની સંખ્યા ઘણી જ થોડી હોવા છતાં અને કેટલીક શાળાઓમાં તો બિલકુલ સંખ્યા નહીં હોવા છતાં શિક્ષકોના પગાર તથા મકાનભાડાં વગેરેનો મોટો ખર્ચ નકામો કરવામાં આવે છે. માટે મ્યુનિસિપલ ફંડમાંથી એ ખર્ચ અપાતું બંધ કરવાનો ઠરાવ કરી કેળવણી ખાતાના અમલદારને તથા કમિશનરને તેની લેખી ખબર આપવામાં આવી. કમિશનરે પોતાના આપઅખત્યારથી સબ-ટ્રેઝરીમાંથી નવ હજાર પૈકી બાકી રહેલા ત્રણ હજાર ઉપાડી લઈને કેળવણી ખાતાના અધિકારીને સોંપી દીધા અને શાળાઓનું ખર્ચ ચાલુ રખાવ્યું.

રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ તરફથી ચાલતી રાષ્ટ્રીય શાળાઓમાં લગભગ ૨,૩૦૦ વિદ્યાર્થીઓ હતા અને તેનું ખર્ચ પ્રજા પાસેથી કરવામાં આવતા ઉઘરાણામાંથી ચાલતું, જ્યારે સરકાર તરફથી મ્યુનિસિપાલિટીને ખર્ચે ચાલતી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેળવણી ખાતા તરફથી મ્યુનિસિપાલિટીને જણાવ્યા પ્રમાણે ૩૯૧ની હતી. આમ પ્રજા ઉપર કર નાખી મ્યુનિસિપાલિટીએ ઉઘરાવેલા પૈસાનો દુરુપયોગ પ્રજાની ઈચ્છાની વિરુદ્ધ જઈ સરકાર કરી રહી હતી. નવા બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને રાષ્ટ્રીય શાળાઓ ચલાવવાના ખર્ચ માટે માસિક રૂા. ૯૦૦ આપવાનો ઠરાવ કર્યો. પ્રથમ રૂા. ૨,૫૦૦ આપવાનો ઠરાવ ગયા બોર્ડે કરેલો તે તથા દર માસે રૂા. ૯૦૦ આપવાનો નવા બોર્ડનો ઠરાવ, એ બંનેની વિરુદ્ધ સરકારે દીવાની કોર્ટનો કાચો મનાઈહુકમ મેળવી રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને મદદ આપતાં મ્યુનિસિપાલિટીને અટકાવી. આ ઉપરાંત સને ૧૯૨૧ની ૧પમી ફેબ્રુઆરીથી ૧૯૨૨ની ૫મી જાન્યુઆરી સુધીમાં સરકારી અંકુશ ફગાવી દઈને મ્યુનિસિપલ શાળાઓમાં કરેલા ખર્ચના રૂા. ૧૭,૦૬૭–૭–૦ માટે મ્યુનિસિપલ પ્રમુખ શ્રી ગોકળદાસ તલાટી અને બીજા દસ મળી કુલ અગિયાર સભ્યોને અંગત જવાબદાર ગણી તે રકમ તેમની પાસેથી મેળવવા સરકારે ૧૯૨૨ના એપ્રિલમાં દાવો કર્યો. આ સભાસદોએ પોતાની ફરજ બજાવતાં પ્રજાની ઈચ્છાનુસાર વાજબી ખર્ચ કરેલ હોવા છતાં તેમને કોર્ટમાં ઘસડવામાં આવેલા હોવાથી તેનો બચાવ કરવામાં જે ખર્ચ થાય તે મ્યુનિસિપાલિટીએ આપવું જોઈએ એવી માગણી આ અગિયાર પૈકીના એક સભાસદે કરેલી. તે ઉપરથી મ્યુનિસિપાલિટીએ તેને રૂા. ૫૦૦ સુધીનો ખર્ચ આપવા ઠરાવ કર્યો. પણ એ ઠરાવ મ્યુનિસિપાલિટીના અધિકાર બહારને ગણી કલેક્ટરે રદ કર્યો.

ઉપર કોર્ટના જે કાચા મનાઈહુકમનો ઉલ્લેખ છે તે રદ્દ થયો એટલે બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને વિનયમંદિર તથા મિડલ સ્કૂલના ખર્ચ માટે