લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સરદાર વલ્લભભાઈ


માસિક રૂા. ૯૦૦ની ગ્રાન્ટ આપવા ફરી ઠરાવ કર્યો. મ્યુનિસિપાલિટીના દફતર ઉપરથી જણાય છે કે તા. ૨૭–૧૦–’૨૨ સુધીમાં આ ગ્રાન્ટ પેટે કુલ રકમ રૂા. ર,ર૦૦ની આપવામાં આવી હતી. પછી તો બધા પ્રજાકીય સભ્યો મ્યુનિસિપાલિટીમાંથી નીકળી ગયા એટલે આ ગ્રાન્ટ બંધ થઈ ગઈ.

૧૯૨૨ના ઑગસ્ટમાં સરકારે એવો હુકમ કર્યો કે સરકારના વહીવટ નીચે ચાલતી શાળાઓ મ્યુનિસિપાલિટીને સોંપી દેવી. મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ મુજબ પ્રાથમિક કેળવણીની બાબતમાં પોતાની ફરજ અદા કરવાને સરકાર મ્યુનિસિપાલિટીને જવાબદાર ગણે છે, માટે ૧લી સપ્ટેમ્બર, ૧૯૨૨થી એ શાળાઓનો વહીવટ મ્યુનિસિપાલિટીએ કરવો, એવો હુકમ કર્યો. સરકારને બરાબર ખબર હતી કે છેલ્લી ચૂંટણીમાં પ્રજા તરફથી ચૂંટાઈ આવેલા તમામ સભાસદો પ્રજાનો ‘મેન્ડેટ’ (આદેશ) લઈને ચૂંટાયેલા હતા. સરકારના અંકુશથી સ્વતંત્ર રીતે શાળાઓ ચલાવવાની તક તેમને મળે તો જ તેઓ શાળાઓ ચલાવવા ઈચ્છતા હતા. પણ સરકારે તો મ્યુનિસિપાલિટીની તિજોરીમાં નાણાં હતાં ત્યાં સુધી જોહુકમીથી તે ઉપાડી પોતાની મરજીમાં આવે તેમ ખર્ચ કર્યું, શિક્ષકોને વગર કામે પગાર આપ્યા, બાળકોને કેળવણી મળે છે કે નહીં અથવા બાળકો કેળવણી લેવા આવે છે કે નહીં તે જોવાની દરકાર ન કરી અને જ્યારે મ્યુનિસિપલ તજોરીમાં નાણાં ખૂટી ગયાં અને શિક્ષકોના બે માસ ઉપરાંતના પગાર ચઢી ગયા ત્યારે એ બિનજરૂરી શાળાઓનું ખોટું અને નકામું ખર્ચ મ્યુનિસિપાલિટીને માથે નાખી તેને મુશ્કેલીમાં મૂકવાની અને નાલાયક ઠરાવવાનો આ પેંતરો રચ્યો. એટલે મ્યુનિસિપાલિટીએ ઠરાવ કર્યો કે :

“સરકારનાં ઉપર જણાવેલાં પગલાંથી સિદ્ધ થાય છે કે મ્યુનિસિપાલિટી એ સ્થાનિક સ્વરાજની સંસ્થા નથી પરંતુ પ્રજાને વધુ પરતંત્ર બનાવવાની સંસ્થા છે. અનુભવ ઉપરથી અમને લાગે છે કે મ્યુનિસિપાલિટીના સભાસદોને પ્રજાને પરતંત્ર બનાવવાના હથિયાર તરીકે સરકાર વાપરવા ઇચ્છે છે. પણ એવા હથિયાર થવા અમે પ્રજાકીય સભ્યો રાજી નથી. અમે પ્રજા તરફથી ચૂંટાયેલા સભ્યો સત્તાના કે માનના લોભથી મ્યુનિસિપાલિટીમાં આવ્યા નથી. અમારા વખતનો અને શક્તિનો ઉપયોગ બીજી પ્રજાકીય સંસ્થાઓને આપી પ્રજાની સેવા કરવાનો અવકાશ અમને ઘણો મળશે. માટે ચૂંટણી થયા પછી તેનું પહેલું વર્ષ પૂરું થતાં પહેલાં જ અમે દિલગીરીની સાથે મ્યુનિસિપાલિટીમાંથી છૂટા થઈ એ છીએ. અમને ખાતરી છે કે સરકારને થોડા વખતમાં પોતાની ભૂલ સમજાશે.”

ઉપરનો ઠરાવ તા. ૧૭–૮–’૨રની જનરલ બોર્ડની મીટિંગમાં પસાર થયો અને વીસ પ્રજાકીય સભાસદો પૈકી સત્તર સભાસદોએ રાજીનામાં આપી