પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


બંને શહેરોમાં એ લડત ખૂબ જોસમાં આવી. તા. ૨૨–૪–’૨૩ના ‘નવજીવન’ માં ‘ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય’ એ નામના એક લેખમાં સરદારે તેનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે :

“ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની લડતનું નવું પ્રકરણ સુરત અને નડિયાદમાં જોરથી ચાલતું થયાના સમાચાર મળ્યા છે. બંને શહેરમાં કર ભરનારાઓએ કર ભરવાનું બંધ કર્યાને એક વર્ષ થવા આવ્યું. સુરતમાં સંખ્યાબંધ પાણીના નળ કાપી નાખ્યા છતાં લોકો નમ્યા નહીં. એટલે સરકારી મહેસૂલ ખાતાના અમલદારોને જપ્તીઓ કરી કર વસૂલ કરવાનું કામ સોંપવામાં આવ્યું. ત્યાં કેટલાક વખતથી જપ્તીનું કામ દરરોજ ચાલે છે. નડિયાદમાં તો મ્યુનિસિપાલિટીના પ્રમુખ જ મામલતદાર હતા. પરંતુ જપ્તીના કામમાં સરકાર રાજી થાય એટલી લોકો ઉપર સખ્તાઈ કરે એવા કઠણ હૃદયના તેઓ નહીં હોવાથી તેમની બદલી કરી નાખવામાં આવી છે. નવા મામલતદારનો અમલ શરૂ થયો છે. તે ઉપરાંત માસિક રૂ. ૩૦૦નું ખર્ચ મંજૂર કરી સરકારી મહેસૂલ ખાતાના ત્રણ અમલદારોને જપ્તીઓ કરવા રોકવામાં આવ્યા છે. કાયદો અને સુવ્યવસ્થાનું રાજ્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે ! જપ્તીઓ કરતી વખતે નથી પંચ રાખતા, કે નથી પંચાતનામાં કરતા, એટલું જ નહીં પણ જપ્તીમાં લીધેલા માલની પાવતી પણ આપવામાં આવતી નથી. શરીર ઉપરથી દાગીના મામલતદાર સાહેબ પોતે ઉતારે છે. ભાઈને ડેપ્યુટી કલેક્ટર થવાની ઉમેદ છે. પોલીસ ગેટો ઉપર હથિયારબંધ પોલીસ ગોઠવી દેવામાં આવી છે. બહારવટિયાઓ ડરથી રાતને વખતે મોં ઉપર બુકાનીઓ બાંધી ઉતાવળથી અને અવ્યવસ્થાથી પોતાનું કામ કરી લે છે. આ તો છચોક ધોળે દિવસે બેપરવાઈથી અને વ્યવસ્થાપૂર્વક કાયદાના નામથી કામ ચાલી રહ્યું છે. જોઈ લો ગુલામીની દશા ! જપ્તી કરનારા આપણા, મામલતદાર આપણા, જપ્તીનો માલ ઉપાડનારા આપણા, મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામાં આપનારાની જગ્યાએ ચડી બેસનારા પણ આપણા, અને જેની જપ્તીઓ થાય છે તે પણ બિચારા આપણા ભાઈઓ ! આ બધા ખેલ ખેલાવનાર ખેલાડીને તો ત્યાં આવવાની જરૂર પણ પડતી નથી. નડિયાદના લોકો મક્કમ છે અને મક્કમ રહેશે તો સ્થાનિક સ્વરાજની લડતનો ફડચો તેમના લાભમાં જ આવશે. કર ભરવાની ના પાડવા ઉપરાંત પોતાની પોળો સાફ કરવાનું અને દીવાબત્તીનું કામ પણ લોકો ઉપાડી લે તો વહેલો ફડચો આવે.”

તા. ૨૯–૪–’૨૩ના ‘નવજીવન’ માં ‘નડિયાદમાં બેકાયદાપણાનો દોર’એ નામના લેખમાં મહાદેવભાઈ લખે છે :

“શ્રી વલ્લભભાઈ એ ગયા અંકમાં નડિયાદ મ્યુનિસિપાલિટીના અમલદારોનાં કેટલાંક કૃત્યો વિષે ઇશારો કર્યો હતો. ત્યાર પછી અમે નડિયાદ જઈ આવ્યા. ત્યાં ચાલતી જપ્તીઓ જાતે જોઈ. શ્રી વલ્લભભાઈ એ ધોળે દિવસે