પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત

નીકળી ગયો એટલે ધમકાવીને ચાલ્યા ગયા.’ એક બહેને હકીકત રજૂ કરી છે: ‘ચીફ ઑફિસર, ઉમેદભાઈ અને રાજુમિયાં જપ્તી કરવા આવ્યા, અને મને ખસી જવાની ખબર આપ્યા વિના અને મારી સાસુને પણ કહ્યા વિના રોટલા મૂકવાની પિત્તળની કથરોટ ઉપાડી લીધી અને તરત જ ઉમેદભાઈ જપ્તી કારકુને મારી કેડમાં નાની છોકરી હતી છતાં પણ મને ધક્કો મારી નિસરણી સરસી ધકેલી મૂકી.’ આનો ખુલાસો અબ્બાસ તૈયબજી સાહેબે મામલતદાર પાસે માગ્યો. તેનો મામલતદારે જવાબ આપ્યો : ‘જાઓ, જાઓ, તમારા લોકો તો ગામનાં ગપ્પાં ઉપર આધાર રાખે છે.’ કોઈ ઠેકાણે લીધેલી મિલકતમાથી અર્ધીની પહોંચ અપાય અને અર્ધી એમ ને એમ લઈ જવાય. કોઈ ઠેકાણે આવી રીતે લઈ જવામાં આવલી વસ્તુ મામલતદાર કહે છે કે પાછી મોકલવામાં આવી છે, પણ તેનો કશો પત્તો ન મળે.

“આમ સરકારની પ્રતિષ્ઠાનો સરસ ખ્યાલ તેના અમલદારો આપી રહ્યા છે. નડિયાદના લોકોને શાંતિની આવી સરસ તાલીમ મળી રહી છે એ માટે એમને ધન્યવાદ આપવો ઘટે છે. શાંતિની તાલીમમાં સરકારનો એકે કર ભવિષ્યમાં ન આપવાની તૈયારી રહેલી છે.”

મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની આ લડત એક વરસ ચાલી.

સરકારે ૧૯૨૨ના એપ્રિલમાં મ્યુનિસિપાલિટીના અગિયાર સભ્યો ઉપર જે દાવો માંડેલો તેનો ફેંસલો ૧૯રપના જાન્યુઆરીમાં આવ્યો. કેસ ચાલતી વખતે સરકારી વકીલે પુરસીસ આપીને દાવાની રકમ રૂા. ૧૭,૦૬૭–૭–૦ હતી તે ઘટાડીને રૂા. ૧૨,૯૬૦–૧૫–૭ કરી. આ કેસનો ફેંસલો અપાયો તે વખતે અમદાવાદના મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપર માંડેલા કેસમાં હાઈકોર્ટમાં સરકારે અપીલ કરેલી તેનો ચુકાદો આવી ગયો હતો, પણ ડિસ્ટ્રિક્ટ જજે નડિયાદના કેસની હકીકતને અમદાવાદના કેસની હકીકતથી જુદા પ્રકારની ગણી. અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં અપાયેલા શિક્ષણના સ્વરૂપમાં કશો ફેરફાર કરવામાં આવ્યો હતો એવી સરકારની તકરાર ન હતી. એટલે જોકે કેળવણીખાતાને પરીક્ષાઓ ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું છતાં મ્યુનિસિપાલિટીએ પ્રાથમિક શાળાઓ ચલાવીને પ્રાથમિક શિક્ષણ આપવાની પોતાની ફરજ તો અદા કરી જ હતી. જ્યારે નડિયાદના કેસમાં જજનો એવો અભિપ્રાય થયો કે મ્યુનિસિપાલિટીએ અભ્યાસક્રમમાં મહત્ત્વના ફેરફાર કરીને ખાસ કરીને ઉપલાં ત્રણ ધોરણમાં અંગ્રેજી, હિંદી અને ઉદ્યોગ દાખલ કરીને અને એ વિષયો દાખલ કરવા માટે અંકગણિત, ભૂમિતિ તથા ઇતિહાસભૂગોળના અભ્યાસક્રમમાં ભારે કાપ મૂકીને શિક્ષણનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. નીચલાં ધોરણમાં પણ વિષયોમાં ઘણા ફેરફાર કર્યા હતા. તેમાં રાજદ્વારી બાબતો દાખલ કરી હતી. વળી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ પેદા કરવા માટે અભ્યાસક્રમમાં જે રાષ્ટ્રગીતો દાખલ