પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
સરદાર વલ્લભભાઈ


કર્યાં હતાં તે દેશભક્તિ પેદા કરવાને બદલે દ્વેષભાવને પોષણ આપે એવાં હતાં. આવી બધી દલીલ કરીને જજ એ નિર્ણય ઉપર આવ્યા કે મ્યુનિસિપાલિટીએ અભ્યાસક્રમમાં એવા મહત્ત્વના ફેરફાર કર્યા છે કે તેણે આપેલું શિક્ષણ ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટ અનુસારનું પ્રાથમિક શિક્ષણ ન કહી શકાય, તેથી પ્રતિવાદી કાઉન્સિલરોએ મ્યુનિસિપલ ફંડનો ખોટો ઉપયોગ (misapplication) કર્યો છે. આમ તેમને જવાબદાર ગણી તેમની ઉપર રૂા. ૧૨,૨૯૬–ર–૦નું હુકમનામું કર્યું. એની સામે પ્રતિવાદી કાઉન્સિલરોએ હાઈકોર્ટમાં અપીલ કરી પણ અપીલમાં ડિસ્ટ્રિક્ટ જજનો ચુકાદો કાયમ રહ્યો.

તા. ૧૬–૧૨–’૨૧ના રોજ મ્યુનિસિપાલિટીએ પોતાની શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી દીધી ત્યારથી તે ૩૧–૫–’૨પ સુધી એટલે લગભગ સાડાત્રણ વર્ષ સુધી અગિયાર પ્રાથમિક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિએ ચલાવી. લગભગ બે વરસ સુધી તો સરકારી શાળાઓ કરતાં એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે રહી. પણ સ્વરાજ્ય પક્ષ હસ્તીમાં આવ્યા પછી નાફેરવાદી અને ફેરવાદીની ચર્ચાઓને લીધે અસહકારમાં ઓટ આવવા માંડી. એટલે તા. ૧–૬–’૨૫થી આ બધી શાળાઓ મ્યુનિસિપાલિટીને પાછી સોંપી દીધી. કુલ બત્રીસ શિક્ષકો જે અસહકારને માન આપી સરકારી શાળાઓમાં ન જતાં રાષ્ટ્રીય શાળાઓમાં રહ્યા હતા તેમની નોકરી આ ગાળાની કપાતે પગારે રજા ગણી જૂની નોકરી સાથે જોડી આપવામાં આવી. આને અંગે પ્રમોશન તથા પેન્શનના હકની બાબતમાં શિક્ષકોને કેટલુંક નુકસાન વેઠવું પડ્યું. છતાં ઠેઠ સુધી વળગી રહી તેમણે સારું કામ કર્યું એમ કહેવું જોઈએ.

આ પ્રાથમિક શાળાઓ ઉપરાંત નડિયાદની રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ લોકમાન્ય તિલક વિનય મંદિર નામની એક માધ્યમિક શાળા પણ ચલાવતી હતી. એ બધી શાળાઓ ચલાવવામાં થયેલું ખર્ચ તથા દાવામાં હુકમનામું થયું તેના મળીને રાષ્ટ્રીય શિક્ષણ સમિતિએ કુલ પોણાબે લાખના આશરાનું ખર્ચ કર્યું. તે ગામમાં ઉઘરાણાં કરી, વેપારીઓ ઉપર લાગા નાખી તથા બહારગામ વસતા નડિયાદીઓમાં ફાળો કરી તેણે મેળવ્યા. નાણાં ઉઘરાવવામાં શ્રી ગોકળદાસ તલાટી તથા શ્રી ફૂલચંદ બાપુજી શાહ ઉપરાંત દરબાર સાહેબ ગોપાળદાસે તથા અબ્બાસ તૈયબજી સાહેબે સારી મદદ કરેલી.

હવે સુરત ઉપર આવીએ. સુરત મ્યુનિસિપલ બોર્ડનાં ત્રણ વર્ષ ૩૧–૩–’ર૦ના રોજ પૂરાં થતાં હતાં. પણ નવી ચૂંટણી કરવામાં કેટલીક સ્થાનિક મુશ્કેલીઓ હોવાથી જૂના બોર્ડની મુદત બે વખત છ છ મહિના કરીને કુલ એક વર્ષ લંબાવવામાં આવી અને ૧૯૨૧ના માર્ચમાં નવી ચૂંટણી થઈ આ ચૂંટણી નવા દાખલ થયેલા મૉન્ટફર્ડ સુધારા અનુસાર થઈ, એટલે જૂનું