પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સરદાર વલ્લભભાઈ


આ દરમ્યાન ત્રણે મ્યુનિસિપાલિટીઓને ચેતવણી આપનાર સરકારનો તા. ૨૩-૯-’૩૧નો હુકમ બહાર પડ્યો હતો. તેને પણ અમદાવાદની માફક જ સુરતે કડક જવાબ આપ્યો હતો. ત્યાર પછી અમદાવાદ અને નડિયાદની માફક બધા પૂર્વવિધિ કરીને તા. ૧૭–૧૨–’૨૧ના રોજ સ્કૂલ બોર્ડનો તથા તમામ શાળાઓનો વહીવટ કેળવણી ખાતાના અધિકારીને સોંપી દેવાનો તથા તેના ખર્ચ માટે રૂા. ૫૦,૦૦૦ મ્યુનિસિપલ સિલકમાંથી તેમને ખાતે જમા કરવાનો કમિશનરે હુકમ કર્યો. તે પહેલાં જ તા. ૧૫–૧૨–’૨૧ના રોજ જનરલ બોર્ડે ઠરાવ કરીને બધી મ્યુનિસિપલ શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય કેળવણી મંડળને સોંપી દીધી તથા તેને ખર્ચ માટે રૂા. ૪૦,૦૦૦ આપવાનો ઠરાવ કર્યો. આ ઠરાવ કમિશનરે તા. ૧૬મીએ રદ કર્યો પણ તે હુકમ મ્યુનિસિપાલિટીના પ્રમુખને પહોંચે તે પહેલાં રૂા. ૪૦,૦૦૦ બે ચેકથી કેળવણી મંડળને આપી દેવામાં આવ્યા અને તેમણે બેંકમાંથી ઉપાડી પણ લીધા.

કલેક્ટરે તા. ૧૭મીએ સાંજે છ વાગ્યે મ્યુનિસિપલ ઑફિસમાં જઈ શાળાઓને લગતા બધા મ્યુનિસિપલ રેકર્ડોનો કબજો લઈ તે પતરાંની પેટીઓમાં ભરી તેના ઉપર પોતાનાં સીલ માર્યાં. તા. ર૦મીએ મ્યુનિસિપાલિટીએ સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી પોતાના તા. ૪–૭–’૨૧ના ઠરાવને વળગી રહી કેળવણીની બાબતમાં સરકારની સત્તા અથવા અંકુશ માન્ય નહીં રાખવાનું પોતે ચાલુ રાખે છે એ ઠરાવ કર્યો. કલેક્ટરે બળજબરીથી સ્કૂલ કમિટીનું દફ્તર કબજે કર્યું હતું તે સામે વિરોધ દર્શાવી તે પાછું સોંપી દેવાની વિનંતી કરી. રૂા. ૫૦,૦૦૦ની કમિશનરની માગણી અન્યાયી અને આપખુદ છે, તેવી માગણી કરવાની કમિશનરને સત્તા નથી અને રૂપિયા લેવા માટે બળજબરી કરવામાં આવશે તો લોકહિતને તેથી ભારે નુકસાન થશે અને મ્યુનિસિપાલિટીને માથે તેની જવાબદારી નહીં રહે એવો પણ ઠરાવ કર્યો. તા. ૧૭મીએ સરકાર ચાલુ શાળાઓનો કબજો ન લઈ શકે તે ખાતર તથા અમદાવાદની કૉંગ્રેસમાં ભાગ લેવા જે શિક્ષકોને જવું હોય તે જઈ શકે તે ખાતર તા. ૧૬મીથી મ્યુનિસિપલ શાળાઓમાં એક મહિનાની રજા પાડવામાં આવી. આવું બધું સરકારથી શી રીતે સહ્યું જાય ? એટલે કેળવણી ખાતાના અમલદારે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, સિટી મેજિસ્ટ્રેટ અને હથિયારબંધ પોલીસની મદદથી નિશાળોનાં મકાનનાં તાળાં તોડી તોડીને મકાન તથા અંદર જે સરસામાન મળી આવ્યો તેનો કબજો લીધો.

બારડોલીમાં સત્યાગ્રહની લડત ઉપાડવાને અંગે સુરતમાં તા. ૩૧–૧–’રરના રોજ કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી હતી. એ બેઠક થઈ ગયા પછી ગાંધીજીએ જાહેર સભામાં ભાષણ આપતાં કહ્યું :