પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
સરદાર વલ્લભભાઈ


હતા. તેણે નાણાંનો એ સદુપયોગ કર્યો ! એ શાળાઓ જોકે સરકારે પોતાને ખર્ચે ચલાવી હતી છતાં બીજા વરસની મ્યુનિસિપલ કેળવણી ગ્રાન્ટમાંથી કમિટી ઑફ મૅનેજમેન્ટ પાસેથી સરકારે એ રકમ કાપી લીધી.

પછી નડિયાદની માફક સુરતે પણ સરકાર હસ્તક ગયેલી મ્યુનિસિપાલિટીને કર નહી ભરવાની લડત ઉપાડી, જે ૧૯૨૩ના એપ્રિલમાં બહુ જોરમાં ચાલી. એનું થોડું વર્ણન અગાઉ ટાંકેલા સરદારના લેખમાં આવી ગયું છે. નાકરની લડત એકાદ વરસ ચાલી. દરમિયાન ૧૯૨રના જૂનમાં રાજદ્રોહી ભાષણ કરવ બદલ દયાળજીભાઈને એક વરસની સજા થઈ અને ૧૯૨૩ના જૂનમાં તે છૂટીને આવ્યા તે જ દિવસે કલ્યાણજીભાઈને એ જ આરોપસર બે વરસની સજા થઈ.

પોતાને શાળાઓ સોંપાયા પછી રાષ્ટ્રીય કેળવણી મંડળે ૫૪ પ્રાથમિક શાળાઓ ચલાવી. ૧૯૨૫માં મ્યુનિસિપાલિટી પ્રજાને પાછી સોંપાઈ ત્યાર પછી એ મ્યુનિસિપાલિટીને રાષ્ટ્રીય કેળવણી મંડળે શાળાઓ પાછી સોંપી દીધી. કુલ ૭૪ શિક્ષકો સરકાર સાથે અસહકાર કરીને રાષ્ટ્રીય કેળવણી મંડળમાં રહ્યા હતા. તેમને મ્યુનિસિપાલિટીએ પાછા લીધા અને અસહકારના ત્રણ વર્ષના ગાળાની કપાતે પગારે રજા ગણી તેમની નોકરી જૂની નોકરી સાથે જોડી આપી. આ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણી મંડળે એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય થોડો વખત ચલાવેલું અને એક રાષ્ટ્રીય વિનયમંદિર તો ૧૯ર૭ના એપ્રિલ સુધી ચલાવેલું.

સરકારે મ્યુનિસિપલ પ્રમુખ શ્રી મોહનનાથ કેદારનાથ દીક્ષિત અને બીજા ત્રીસ કાઉન્સિલર ઉપર જે દાવો કરેલો તેનો ફેંસલો સુરતના ડિસ્ટ્રિક્ટ જજે ૧૯૨૪ના જૂનમાં આપ્યો. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરને પરીક્ષા ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું એ ઉપરાંત યોગ્યતાવાળા શિક્ષકો મળી શકતા હોવા છતાં યોગ્યતા વિનાના (અનક્વૉલીફાઈડ) એવા ૧૩૭ શિક્ષકોને નોકરીમાં રાખ્યા, શાળાઓનો વખત અગિયારથી પાંચનો રાખવાને બદલે થોડા દિવસ સવારનો અને બપોરનો એમ બે વખતનો રાખ્યો, દરરોજ પ્રાર્થના પછી ‘સ્વરાજ કીર્તન’માંથી એક એક ગીત ગવડાવ્યું, શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કંતાવરાવ્યું, એવાં બધાં કારણોએ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ નાણાંનો ખોટો ઉપયોગ કર્યો એવી દલીલ સરકારી વકીલે કરી પણ જજે એ નિર્ણય આપ્યો કે સરકારી વકીલ કહે છે એ બધું પોતે સાબિત કરી શક્યા નથી અને સાબિત થયું હોય તો પણ એ વસ્તુઓ એવી નથી કે જેથી મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રાથમિક શિક્ષણ આપવાની પોતાની ફરજમાં ચૂક કરી એમ ગણાય. વળી ઇન્સ્પેક્ટરોને શાળામાં પરીક્ષા તથા નિરીક્ષણ માટે ન આવવા દીધા એ કૃત્ય ગેરકાયદે હતું છતાં