પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સરદાર વલ્લભભાઈ


પૂરતું વજન મૂકી ફરી ફરીને વિચાર કરી જોશે અને કોઈ સહેલ સમજીને સત્યાગ્રહ શરૂ નહીં કરી દે. સત્યાગ્રહ આદરનાર જિલ્લા કે તાલુકા માટે જે શરતો મૂકવામાં આવી છે તે દરેકનો પૂરેપૂરો અમલ થવો જ જોઈએ. એ શરતોમાં હિંદુ-મુસલમાન એકતા, અહિંસા, સ્વદેશી અને અસ્પૃશ્યતાનિવારણનો ઉલ્લેખ કરવો પડ્યો છે, એનો અર્થ જ એ છે કે એ વસ્તુઓ આપણા પ્રજાકીય જીવનનું હજી અંગ નથી બની ગઈ. આમ જે વ્યક્તિ અગર સમૂહ હિંદુ-મુસલમાન એકતાને વિષે હજીયે શંકિત છે; પંજાબ, ખિલાફત અને સ્વરાજને સારુ અહિંસાની જરૂરિયાત હજી જેને હૈયે નથી બેઠી; જેણે હજી પૂર્ણ સ્વદેશીનો અંગીકાર નથી કર્યો; તેમનામાંના હિંદુઓ જે હજી અસ્પૃશ્યતા રૂપી પાપને પોતાનામાં નિભાવી રહ્યા છે, તો તે વ્યક્તિ અગર સમૂહ સત્યાગ્રહ આદરવાને અધિકારી નથી. સૌથી સરસ તો એ છે કે અધીરા ન બનતાં સબૂરી પકડી એક ચોક્કસ પ્રદેશમાં અખતરા શરૂ થાય તેને બાકીના બધા દેશે ધ્યાનપૂર્વક નિહાળવા.

“પણ જે વ્યક્તિને એમ લાગી જાય કે પોતાનાં સુખસગવડ કાયમ રાખવા ખાતર ઓછીવત્તી અન્યાયી એવી સરકારને તાબે થવું એ અધર્મ જોડે માંડવાળ કરવા સમાન છે, જેને સરકારની એવી શૈતાનિયત વિષે શંકા નથી રહી, જેને એવા જાલિમની દયા ઉપર પોતાની કહેવાતી સ્વતંત્રતા ઘડીભર પણ નિભાવવી એ માથાનો ઘા થઈ પડે છે, તે તો નીતિનિયમની હદમાં રહેતો છતો પોતાને જેલમાં પૂરવા સરકારને ફરજ પાડવા મથશે.
“એ બળવાખોર સત્યાગ્રહી, રાજ્યની સત્તાને કશી વિસાતમાં ન ગણે. પોતે બહારવટિયા બને અને નીતિનો બાધ ન આવે એવા રાજ્યના પ્રત્યેક કાયદા સામે બહારવટું કરે. દાખલા તરીકે, તે સરકારના કર આપવા ના પાડે; પોતાના રોજના વહેવારની હરકોઈ બાબતમાં તેની આણ માનવાનો ઇનકાર કરે; રજા વગર દાખલ ન થવાને લગતા મનાઈ કાયદાનો તે ભંગ કરે; લશ્કરી સિપાહીઓને અત્યારની પરિસ્થિતિ સમજાવવા સારુ તેમની ડેરા છાવણીઓમાં વગર પરવાનગીએ દાખલ થવાને પોતાને સ્વતંત્ર સમજે; દારૂના પીઠા પરની ચોકીને વિષે નક્કી કરવામાં આવેલી મર્યાદાઓનું તે ઇરાદાપૂર્વક ઉલ્લંધન કરે અને બાંધી આપેલી હદની અંદર પેસી દારૂડિયાઓને સમજાવે અને ન પીવા વીનવે. આ બધું કરવામાં પોતે કદી શરીરબળ ન વાપરે અને પોતાની સામે શરીરબળ વાપરવામાં આવે તો પણ કદી પોતે તેનો પ્રતિકાર ન કરે. હકીકતમાં, એ સત્યાગ્રહી જેલ તેમ જ બીજા શરીરબળના પ્રયોગ પોતાની જાત ઉપર માગી લે.”

ત્યાર પછી તા. ૧૩મી નવેમ્બરે સામુદાયિક સત્યાગ્રહ માટે કયો તાલુકો પસંદ કરવો તે નક્કી કરવા ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક થઈ. ખેડા જિલ્લાનો આણંદ તાલુકો અને સુરત જિલ્લાનો બારડોલી તાલુકો, એ બે ઉમેદવાર હતા અને સામુદાયિક સત્યાગ્રહ માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા