પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી

અજાણપણે પણ પોતાના ને દેશના દુશ્મન ગણાય. તેઓ સ્વરાજનો અર્થ જ નથી સમજ્યા. સ્વરાજ એટલે સ્વાશ્રય. મારે હાથેથી સ્વરાજ્ય લેવામાં તો કેવળ પરાશ્રય થયો. હું તો લેવાનો રસ્તો બતાવું છું. લેવું તે તો લોકોના જ હાથમાં રહ્યું. હું વૈદ રહ્યો, દવા બતાવું; ખાવાની રીતો, તેનાં અનુપાન, માપ વગેરે કહું; પણ છેવટે પુરુષાર્થ તો દરદીએ જ કરવો રહ્યો.

“મારે વિષેનો સર્વ ભ્રમ હું ટાળવા ઇચ્છું છું. હું અલ્પ પ્રાણી છું એમ લોકોને મનાવવા ઇચ્છું છું. . . મારા બળથી, કાંઈ મળ્યું એમ લોકો માને તેના કરતાં તેઓએ પોતાના બળથી, પોતાની તપશ્ચર્યાથી, પોતાની આત્મશુદ્ધિથી જ જે મળ્યું તે મેળવ્યું એમ તેઓ માને અને એમ હોય એ જ ઇષ્ટ છે.”

પછી અમદાવાદની કૉંગ્રેસ થઈ. તેમાં સરકારની દમનનીતિના જવાબ તરીકે સત્યાગ્રહ શરૂ કરવાનો ઠરાવ થયો અને તે માટે ગાંધીજીને કૉંગ્રેસના સરમુખત્યાર નીમવામાં આવ્યા. તેમણે પોતાની સીધી દેખરેખ નીચે ગુજરાતમાં સામુદાયિક સત્યાગ્રહનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. હવે બારડોલી અને આણંદ એ બેમાંથી કયા તાલુકાની પસંદગી કરવી એ સવાલ સામે આવ્યો. બંને તાલુકાએ ખૂબ હોંશ અને ઉત્સાહપૂર્વક તૈયારી કરી હતી. પણ સરદારની રૂખ બારડોલી પર ઊતરી. તેમનું કહેવું એમ હતું કે ખેડા જિલ્લાના લોકો બાહોશ અને જુસ્સાવાળા ખરા, પણ ત્યાંની વસ્તીમાં એવું તત્ત્વ પણ છે જે વિશેષ ઉશ્કેરણીના પ્રસંગ આવતાં કાબૂમાં ન રહે અને તોફાન પર ચઢી જઈ આપણી બાજી બગાડે. જ્યારે બારડોલીના લોકો એકંદરે સરળ અને શાંત સ્વભાવના ગણાય. ગાંધીજીને પણ ૧૯૧૮માં ખેડા જિલ્લાનો કાંઈક અનુભવ થયેલ હતો, એટલે તેમણે સરદારની સલાહ સ્વીકારી લીધી. અને સ્વાતંત્ર્યના ધર્મયુદ્ધ માટે બારડોલી તાલુકાની આખરી પસંદગી થઈ. ત્યાંના લોકોએ સરકારી કેળવણીનો લગભગ પૂર્ણ બહિષ્કાર કર્યો હતો. તાલુકાનાં નાનાંમોટાં એંશી ગામમાંથી એકાવન ગામે રાષ્ટ્રીય શાળાઓ સ્થપાઈ ચૂકી હતી. લોકોએ ઘેરઘેર રેંટિયા વસાવ્યા હતા અને ખૂબ સૂતર કંતાવા માંડ્યું હતું. આમ તેમણે સુંદર તૈયારી કરી હતી.

પોતાને ત્યાં સત્યાગ્રહનો યજ્ઞ મંડાવાનું નક્કી થયું એટલે જમીનમહેસૂલ નહીં ભરવાની બારડોલીએ તૈયારી કરવા માંડી. આ જોઈ તા. ૧૮–૧–’૨૨ના રોજ બારડોલી મુકામેથી ત્યાંના આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી. શિવદાસાનીએ નીચે પ્રમાણેની સમજૂતી બહાર પાડી :

“હાલમાં સરકારધારો નહીં ભરવા સંબંધી લોકોની સહીઓ લેવામાં આવે છે. જે માણસને એવી સહી કરવી હોય તો મજેથી કરે, તેવી સહી