પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
સરદાર વલ્લભભાઈ

કરવાને દરેકને છૂટ છે. પણ માત્ર સમજીને જ સહી કરે, એવી મારી લોકોને ભલામણ છે. જે માણસ સહી કરશે તેની પાસેથી કાયદા પ્રમાણે સરકારધારો એકદમ ભરવા સંબંધી તેને કલેક્ટર તરફથી નોટિસ આપવામાં આવશે. તેણે એકદમ પૈસા ભરવા પડશે, કાં તો કિસ્તને વખતે પૈસા ભરાશે એવો જામીન આપવો પડશે. તેમ ન કરશે તો ખાતેદારની બધી જમીન કાયદા પ્રમાણે ખાલસા કરવામાં આવશે. પછી જોકે આખો તાલુકો એવું કરે, જે બનવા જોગ લાગતું નથી, તોપણ સરકારના પૈસા જવાના નથી. આ બારડોલી તાલુકાના ખેતરમાં માત્ર જે કપાસ ઊભેલો છે તેની કિંમત ઓછામાં ઓછી દસ લાખ થશે. સરકાર આ બધો કપાસ જો કોઈ એક મોટા બહારના વેપારીને વેચવા જાય તેાયે સરકારને સાત-આઠ લાખથી ઓછી ઊપજ નહીં થશે. અને એવી પણ (લોકોને) ખાતરી હોવી જોઈ એ કે પછી તે વેપારી ગમે તેવી રીતે પોતાનાં માણસ લાવી કપાસ વીણી લઈ જશે. આ તો ફક્ત કપાસનો પાક જે ખેતરમાં ઊભેલો છે તેની વાત છે. તે ઉપરાંત બધી જમીન સરકારી થઈ જશે. આ આખા તાલુકાનો સરકારધારો ફક્ત પોણાચાર લાખ છે. માટે સરકારને લોકોનાં ઢોરઢાંખર અથવા બીજી કોઈ ખાનગી ચીજને હાથ લગાડવાની જરૂર નહીં પડશે. જે લોકો બધું ખોઈ બેસવા તૈયાર હોય તે ખુશીથી સહી કરે, પણ મારી તપાસમાં એમ લાગે છે કે, લોકોને આ બધું સમજાવવામાં આવતું નથી. ઊલટું લોકોને સહી કરવા બદલ આગ્રહ કરવામાં આવે છે. એમ કરવું ખોટું છે, કારણ લોકો સહી કરીને ફરી જશે, અને મારી જાણમાં છે કે ઘણાખરા ફૂટી જવાના છે. ખરી રીતે તો સહી કરવા માટે આગ્રહ કરતાં પહેલાં લોકોને કહેવું જોઈએ. કે જે લોકો સહીઓ કરે છે તે લોકોએ પોતાના ગણોતિયા પાસેથી ગણોત માગવું ન જોઈએ. અને ગણોત બદલ જે કાંઈ ભાત અગર ઘાસ કે દાણો મળ્યો હોય તે પણ પાછું આપવું જોઈએ. વળી તે લોકો પૂરેપૂરા લાયક અને પ્રામાણિક ત્યારે જ કહી શકાય કે જ્યારે ગણોતિયાને પોતાની સહી કરવાથી જે નુકસાન થયેલું હોય તે ભરી આપે. કારણ સરકારધારો ભરવામાં ખાતેદારે કસૂર કરવાથી બિચારા ગણોતિયાને નુકસાન ભોગવવું પડે એ અયોગ્ય છે. મારી જાણ પ્રમાણે સહી લીધા પહેલાં લોકોને આવું કહેવામાં આવતું નથી.

“આ ધમકી અથવા ચેતવણી નથી; માત્ર સમજૂતી જ છે. એમ નથી કે સરકારને કોઈનો પાક કે જમીન જોઈએ છે. પણ સરકાર બધું ખેડૂતના ફાયદા માટે જ કરે છે. એને લીધે જ સરકારધારો એક માસ પાછળથી લેવાનો છે. આ તાલુકામાં કપાસનો પાક વધારે હોવાથી અને તે મોડેથી પાકવાથી ખેડૂતોને જાનેવારી અને માર્ચમાં સરકારધારો ભરવો એ અગવડભરેલું લાગતું હતું. પણ જ્યારે લોકો સરકારધારો નહીં ભરવાની સહી કરે ત્યારે તો સરકારી અમલદારોને પગલાં લેવાં પડે અને ખાતેદારો પાસેથી બેઉ કિસ્ત એકદમ સાથે નોટિસ આપીને માગવી પડે.”