પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સરદાર વલ્લભભાઈ

૨૪મી તારીખે આવ્યો છું. . . . સરકારી અમલદાર કહે છે કે તમે જે પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ આપી છે તે વગર સમજ્યે આપી છે. પૂરી હકીકત તમારી આગળ રજૂ કર્યા વગર તમને છેતરીને સહીઓ કરાવી લેવામાં આવી છે. લગભગ સાઠ ગામડાંના માણસોને હું મળ્યો છું. તેમને પૂછીને મેં ખાતરી કરી છે કે તાલુકાના લોકોએ ૧૦૦માંથી ૯૯ સહીઓ તો પૂરું સમજ્યા પછી જ કરી છે.. . .”

પોતાની તપાસનું બ્યાન આપતાં તેમણે જણાવ્યું :

“આ તાલુકામાં ૮૭ હજારની વસ્તી છે. તેમાં લગભગ ૩૦ હજાર પાટીદાર, લગભગ ૪૫ હજાર દૂબળા તથા ઢોડિયા વગેરે રાનીપરજ, ત્રણેક હજાર મુસલમાન, ત્રણેક હજાર અનાવિલ બ્રાહ્મણ, બે હજાર વાણિયા અને બેએક હજાર અંત્યજ ભાઈબહેનો છે. . . . વાણિયા, બ્રાહ્મણ લડતની વિરુદ્ધ નથી, તેમ તરફેણમાં પણ નથી. પાટીદાર લોકોનો બાર આની ભાગ લડતમાં એકપગે સામેલ છે અને જેટલો ભોગ આપવો પડે તેટલો આપવા તેઓ તૈયાર છે. દૂબળા વગેરે વર્ગમાં કાર્યકર્તાઓએ હજી સુધી પ્રવેશ નથી કર્યો એ સાચું છે, જોકે પાટીદારો તેમની પાસેથી ગમે તેવું કામ લઈ શકે એવી તેમની સ્થિતિ છે. હિંદુ મુસલમાન અને બીજી કોમોની આપસમાં એકતાની બાબતમાં મને અહીં ન્યૂનતા નથી જણાતી. અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં આ તાલુકાએ કરેલી પ્રગતિ મને સંતોષકારક ભાસી છે. હું જે ગામે ગયો ત્યાં ઊંચ વર્ણના સંખ્યાબંધ ભાઈઓ મારી સાથે અંત્યજવાસમાં આવ્યા હતા. તેમનામાં મેં કશાં સૂગસંકોચ ન જોયાં. રાષ્ટ્રીય શાળાઓમાં અંત્યજ બાળકોને દાખલ કરવાનું કામ હજું ઓછું થયું છે, જોકે સવિનય ભંગને લંબાવવા જેટલું ઓછું તો નહીં કહું. આ નાના તાલુકામાં દારૂનાં પીઠાં તથા તાડીના માંડવા ઘણા કહેવાય — પણ પીનાર વર્ગ મોટે ભાગે દૂબળાનો છે. તેના પર અહીંના પાટીદારો અસર પાડી શકે તો એ બધાં પીઠાં અને માંડવા ખાલી રહે. આ તાલુકામાં શાંતિના ભંગની મને ઓછી બીક છે. તાલુકામાં ગુના ઓછા થાય છે. અહીંના લોકોમાં સરકાર દરબાર ચડવાની ઝાઝી ટેવ નથી. ઘણી તકરારો ઘરમેળે પતાવાય છે.”

પછી તાલુકાના લોકોને ઉદ્દેશીને કહ્યું :

“તમે જે કીર્તિ ખાટી ગયા છો એ કીર્તિની કિંમત તમારી પાસે હિંદુસ્તાન માગી શકે છે. જો તમે એ કીર્તિની કિંમત આપવા નાલાયક હો તો અત્યારથી તેવું કહી દેજો. એમ સ્પષ્ટ કહી દેશો તો તમારો આખા હિંદુસ્તાન પર ઉપકાર થશે. એક વાર રણે ચડ્યા પછી કાયર થઈ પાછી પાની કરવી તે કરતાં પહેલેથી જ નાલાયકી કબૂલ કરવી એમાં શૂરવીરતા છે.
“માટે ફરી ફરીને વિચાર કરજો. મામલતદાર કે આસિસ્ટંટ કલેક્ટર કે કલેક્ટર તમને ભલે કહે કે તમારી બીજી મિલકત, દાગીના કે ઢોરઢાંખર