પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી

સરકાર નથી લેવાની, માત્ર ખેતરોમાં ઊભો કપાસ જ દસ લાખનો છે, તેટલો જ વેપારીઓને આપી દેશે. પણ હું કહું છું કે તમારી જંગમ મિલકત લેવાનો સરકારને અધિકાર છે. એ ન લેવા જેટલી સરકાર દયાળુ હોય તો મારે એ નવી જ વાત શીખવાની રહી છે. સરકાર જમીનો ખાલસા નહીં કરે એ હું માની શકતો જ નથી. રીતે અને ગેરરીતે તમારી સામે આ યુદ્ધમાં હજાર તદબીર રચીને એ લડશે. તમને કેદમાં નાખશે, તમારું નસીબ હો તો તમારી પર ગોળીઓ પણ ચલાવશે. આ બધું જો સહન કરવા તૈયાર હો તો જ લડાઈમાં ઊતરજો. ઈશ્વર સાક્ષી રાખીને મને જે સત્ય લાગે છે તે તમને કહું છું કે, એક તરફથી હિંદુસ્તાનને સ્વતંત્રતા અપાવવાનું કામ તમારે હાથે થશે, બીજી તરફથી તમારી મિલકત, તમારા જાન પાણીથી પણ સસ્તા કરવા પડશે. આખો બારડોલી તાલુકો નકશામાંથી ભૂંસાઈ જવા સંભવ છે, તેવી ગણતરી રાખીને કામ કરજો. કેટલાક કહેશે કે વિઠ્ઠલભાઈ એ બહુ બિવડાવ્યા, પણ ચેતવવા ખાતર બહુ બીક બતાવવી એ સારી.”

ગાંધીજીએ પણ સત્યાગ્રહ કરવાને લાયક થવા માટે કેટકેટલી તૈયારીઓ કરવી જોઈએ અને તેમાં કેટલાં કેટલાં જોખમો ખેડવાનાં છે તે વિગતવાર સ્પષ્ટ ફોડ પાડીને લોકોને સમજાવ્યું. આ બધી ચોખવટ એટલા માટે કરવામાં આવી કે કોઈ અજાણપણમાં ન રહે અને સમજ્યા વિના હાથ ઊંચો ન કરે. ગાંધીજીએ સાફ કહ્યું કે, હાથ ઊંચો કર્યે કંઈ સ્વરાજ નથી મળી જવાનું. જાતે મરીને, માલમિલકત ખુવાર કરીને, વાસણકૂસણ, ઢોરઢાંખર ગુમાવીને, પાયમાલ થઈને જ સ્વરાજ ઘેર આણવાનું છે. ગાંધીજી અને વિઠ્ઠલભાઈ બધું કરતા હતા એટલે સરદારને કાંઈ બોલવાપણું નહોતું. પણ તેમની તીણી નજર ચારે કોર ફરી રહી હતી અને તેમણે પારખી લીધું હતું કે આ તાલુકાના લોકોને બરાબર દોરવામાં આવે અને તેમનો વિશ્વાસ બેસી જાય તો તેમને ત્યાગ અને બલિદાનને રસ્તે બરાબર વાળી શકાય એમ છે. આ પારખનો ઉપયોગ તેમણે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહની લડતમાં બરાબર કર્યો. લોકોએ ૧૯૩૦ તથા ૧૯૩૨ની લડતમાં પણ સારો જવાબ આપ્યો.

ગાંધીજીએ પોતાના ભાષણના અંતમાં જણાવ્યું :

“કોઈ એમ ન માનીને બેસે કે હું અહીં રહેવાનો છું એટલે હું તમને બચાવી લઈશ. હું જ્યાં જાઉં છું ત્યાં તો ઊલટા ઉપદ્રવ જ થાય છે. આપણે બધા વલોવાઈ જઈએ છીએ. હું તમારી અંદર શાંતિ કરવા નથી આવ્યો પણ અશાંતિ ઉપજાવવા આવ્યો છું. અશાંતિ સિવાય શાંતિ નથી. પણ તે અશાંતિ આપણી પોતાની. આપણાં મન જ્યારે વલોવાઈ જશે, આપણે જ્યારે કષ્ટના અગ્નિમાં ખૂબ તપશું, ત્યારે જ ખરી શાંતિ પ્રાપ્ત કરી શકવાના છીએ.”