પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી

ગાંધીજીએ જે જવાબ આપ્યો તે સત્યાગ્રહી સેનાપતિની વૃત્તિ કેવી હોય તે સુંદર રીતે બતાવે છે :

“હું તો ભૂલ કર્યાં જ કરું છું ને ઈશ્વર સુધાર્યાં કરે છે. હજારો વાર લોકો મને ભૂલથાપ ખવડાવે તોપણ મારાથી અવિશ્વાસ કેમ થાય ? જ્યાં સુધી વિશ્વાસ રાખવાનું જરા પણ કારણ જોઉં ત્યાં સુધી હું તો વિશ્વાસ જ રાખું. અવિશ્વાસનું ચોક્કસ કારણ મળ્યે વિશ્વાસ રાખવો એ મૂર્ખાઈ છે. પણ વહેમથી જ અવિશ્વાસ કરવો એ ઉદ્ધતાઈ અને નાસ્તિકતા છે. વિશ્વાસે તો વહાણ તરે છે.
“મને તો બારડોલીના લોકોએ એટલી નિખાલસપણે વાત કરી છે કે તેમનો અવિશ્વાસ કરવો એ મને પાપ લાગ્યું. હું અવિશ્વાસથી તેઓના પ્રતિનિધિઓ સાથે વાત કરવા બેઠો ને તેઓએ જ મારામાં વિશ્વાસ પેદા કર્યો.
“બારડોલીના માણસો સાદા છે, ભોળા છે. તેઓને કશા માજશોખની દરકાર નથી. તેઓ તવંગર નથી, તેમ ભિખારી પણ નથી. તેઓ તોફાની નથી, તેમ નમાલા પણ નથી. તેઓ કજિયાખોર નથી, પણ પ્રેમાળ છે. તેમનામાં અંદર અંદર કજિયા કંકાસ નથી. તેઓએ અમલદાર વર્ગની સાથે મીઠાશ જાળવી છે. તેઓને સ્થાનિક દુઃખ ન હોઈ, તેમની લડવાની માગણી કેવળ નિઃસ્વાર્થ જ છે. તેઓએ યોગ્ય થવા ખૂબ પ્રયાસ કર્યો છે, પોતાની શક્તિ ચોરી નથી. તેઓ સ્વદેશીમાં સંપૂર્ણ નથી થયા, પણ સંપૂર્ણ થવા ઠીક પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ અસ્પૃશ્યતાને જેટલે દરજ્જે કાઢી છે તેટલી હિંદુસ્તાનના બીજા કોઈ ભાગમાં તે નથી નીકળી. તેથી હું માનું છું કે કોઈ પણ તાલુકો લાયક છે એમ ગણાય તો બારડોલી છે જ.”

પછી તા. ૩૧મીએ સુરતમાં કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી તેમાં મંજૂર કરાવીને ગાંધીજીએ વાઈસરૉયને તા. ૧લી ફેબ્રુઆરીએ એક લાંબો કાગળ લખ્યો. તેના છેલ્લા પેરામાં જણાવ્યું કે:

“પણ બારડોલીમાં સવિનય ભંગનું કાર્ય ચાલુ થાય તે પહેલાં હિંદી સરકારના વડા સૂબા તરીકે આપને હું નમ્રતાપૂર્વક કહું છું કે આપની નીતિ છેવટને સારુ બદલો. જેઓને શાંતિમય પ્રવૃત્તિઓના સંબંધમાં પકડવામાં અથવા કેદ કરવામાં આવેલા છે તે બધા અસહકારી કેદીઓને છોડી દો. મુલકની અંદર જે જે શાંતિમય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની વચ્ચે સરકાર જરા પણ નહીં આવે એવું ચોખ્ખી રીતે જાહેર કરો, પછી ભલે તે પ્રવૃત્તિઓ ખિલાફત, પંજાબ કે સ્વરાજ સંબંધી હોય, અને ભલે તે શાંત પ્રવૃત્તિઓ ફોજદારી ગુનાઓને લગતા અથવા દમનનીતિવાળા કોઈ પણ કાયદાની અંદર આવી જતી હોય. તે જ પ્રમાણે વર્તમાનપત્રો ઉપરનો બિનઅદાલતી બધો અંકુશ નીકળી જવો જોઈએ અને જે દંડ અથવા તો જપ્તીઓ કરવામાં આવેલાં છે તે પાછાં મળવાં જોઈએ. આ પ્રમાણે