પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
સરદાર વલ્લભભાઈ

માગણી કરવામાં જ્યાં સભ્ય રાજનીતિ ચાલે છે તેમ ગણાય છે એવા દેશો કરતાં હું કંઈ વધારે માગણી કરતો નથી. જો આ જાહેરપત્ર પ્રગટ થયા પછી સાત દિવસની અંદર મારી માગણીનો સ્વીકાર કરવાનું આપ જાહેર કરશો તો જે કૉંગ્રેસીઓ કેદમાં છે તેઓ છૂટીને આખી વસ્તુસ્થિતિનો નવેસરથી વિચાર કરી શકે ત્યાં સુધી આક્રમણકારી સવિનય ભંગ મોકૂફ રાખવાની સલાહ આપવા હું તૈયાર છું. જો આ પ્રમાણે સરકાર મારી માગણીનો સ્વીકાર કરશે તે હું એમ માનીશ કે લોકમતને માન આપવાનો તેનો શુભ ઇરાદો છે, અને તેથી લોકોને હું એવી સલાહ આપીશ કે તેઓએ કોઈ તરફથી અંકુશ મુકાયા વિના જાહેર મતને વધુ કેળવવામાં રોકાઈ જવું અને એવો વિશ્વાસ રાખવો કે દેશની નિશ્ચિત થયેલી માગણીઓનો સ્વીકાર તે વડે થઈ શકશે. એમ થયા પછી જો કદાચ સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ નીતિનો ત્યાગ કરે અથવા હિંદી પ્રજાના સ્પષ્ટ રીતે જણાઈ આવતા એવા બહુમતને માન ન આપે તો જ આક્રમણકારી સવિનયભંગ શરૂ કરવામાં આવે.”

સરકારે આ કાગળનો જવાબ વાળ્યો તેમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો અને અસહકારીઓને દોષિત પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. દાખલા તરીકે, સભાબંધી અને વાણીબંધીની નોટિસો બાબત સરકારે જણાવ્યું કે અસહકારીઓની બદમાશીને લીધે જ એવી બંધી કરવી પડી છે. બીજા આક્ષેપોની બાબતમાં સરકારે આંખ આડા કાન કર્યા. ગાંધીજીએ સરકારના આ જવાબનો જવાબ આપ્યો, જેમાં સરકાર તરફથી કરવામાં આવેલી લૂંટના, મારપીટના, ખાદી બાળવાના, કૉંગ્રેસનાં કાર્યાલયો ઉપર રાતને વખતે ધાડ પાડવાના, વગેરે દાખલા ટાંકી બતાવ્યા. બીજી તરફથી બારડોલી તાલુકાના લોકો પ્રત્યે દરરોજ પત્રિકાઓ કાઢી તેમને તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. એટલામાં યુક્ત પ્રાંતમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચોરા નામના ગામના લોકો તરફથી થયેલ હત્યાકાંડના ચોંકાવનારા ખબર આવ્યા. એ ગામમાં એક સરઘસ નીકળેલું. એ સરઘસની પાછળ રહેલા લોકોની પોલીસે સતામણી કરી અને ગાળો દીધી. લોકોએ બૂમો પાડી એટલે આગળ નીકળી ગયેલું ટોળું પાછું ફર્યું. પોલીસે એના ઉપર ગોળી ચલાવી. પણ થોડી વારમાં તેમની પાસેની કારતૂસો ખૂટી એટલે પોતાની સલામતીને ખાતર પોલીસે પોતાના થાણામાં ભરાઈ ગયા. ટોળાએ થાણું સળગાવ્યું. અંદર ભરાયેલા પોલીસ સિપાઈઓ જાન બચાવવા ખાતર બહાર આવ્યા તેવા જ વિકરાળ ટોળાએ તેમને પીંખીને ફાડી નાખ્યા અને તેમની છિન્નભિન્ન લાશોને ભભૂકતી આગમાં હોમી દીધી. કુલ ૨૧ પોલીસ સિપાઈઓ અને ફોજદારનો એક જુવાન છોકરો આમાં માર્યા ગયા. આના બચાવમાં એમ કહેવામાં આવ્યું કે લોકોના ટોળાની પોલીસે તે ઘડીએ પજવણી કરી એટલું જ નહોતું, પણ એ જિલ્લામાં પોલીસનો જુલમ અને ત્રાસ ચાલુ