પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


માર્ચે તેમનો કેસ ચાલ્યો. ‘યંગ ઇન્ડિયા’ ના ત્રણ લેખોને રાજદ્રોહી ગણી તેના લેખક તરીકે ગાંધીજી ઉપર અને છાપનાર તરીકે શંકરલાલ બૅંકર ઉપર, રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા. બંનેએ એ આરોપ કબૂલ કર્યા. ગાંધીજીનો આ અદાલત આગળનો લેખી એકરાર જગતના અમર સાહિત્યમાં ઊંચું સ્થાન પામી ચૂક્યો છે. જ્યારે અદાલતમાં તેમણે પોતાનો એ લેખી એકરાર વાંચ્યો ત્યારે તો એવું દૃશ્ય થયું કે જાણે તેમના ઉપર રાજદ્રોહનો મુકદ્દમો ચાલવાને બદલે બ્રિટિશ સલ્તનત ઉપર પ્રજાદ્રોહનો મુકદ્દમો ચાલતો હોય. જજે પણ તેમને સજા ફરમાવતાં પોતાના હૃદયના ભાવ બહુ સુંદર રીતે વ્યક્ત કર્યા. તેમણે કહ્યું :

“કાયદો માણસના વ્યક્તિત્વને ધ્યાનમાં લેતો નથી. પણ અત્યાર સુધીમાં જેમના કેસ મેં ચલાવ્યા તથા ભવિષ્યમાં જેમના કેસ મારે ચલાવવાના આવશે તેના કરતાં તમે જુદી જ કોટિના પુરુષ છો. તમારા કરોડો દેશવાસીઓ તમને પૂજ્ય ગણે છે ને રાજદ્વારી બાબતમાં તમારાથી ભિન્ન મત ધરાવનારાઓ પણ તમને ઉચ્ચ આદર્શવાળા સંત પુરુષ ગણે છે, તે વસ્તુ હું લક્ષ બહાર રાખી શકતો નથી. પણ અત્યારે મારી ફરજ તો તમારો વિચાર જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એવા એક કાયદાને આધીન મનુષ્ય તરીકે જ કરવાની છે. એટલે બાર વર્ષ અગાઉ આ જ કલમની રૂએ શ્રી બાળ ગંગાધર તિલકને છ વર્ષની આસાન કેદની સજા થયેલી તેમની હારમાં તમને ગણીને એટલી સજા તમને ફરમાવું છું. જોકે સાથે એટલું ઉમેરવા માગું છું કે ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાતાં સરકાર તમને વહેલા છોડી મૂકશે તો મારા જેટલો આનંદ બીજા કોઈ ને નહીં થાય.”

શ્રી શંકરલાલ બૅંકરને એક વરસની કેદ અને એક હજાર રૂપિયા દંડની સજા કરવામાં આવી.

પોતાને લોકમાન્ય તિલક મહારાજની કોટિમાં ગણવા માટે અને પોતાની સાથે અતિશય સભ્ય વર્તન ચલાવવા માટે ગાંધીજીએ કૉર્ટનો આભાર માન્યો.

કૉર્ટમાં હાજર રહેલા બધા ગાંધીજીને પ્રણામ કરીને વિદાય લેવા લાગ્યા એ દૃશ્ય અતિશય ઉત્કટ લાગણીવાળું હતું. કેટલાક તો પોતાની ઉપર કાબૂ ન રાખી શક્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગાંધીજીએ હસતે વદને સૌને તેમને ઘટતું એક એક પ્રેમાળ વાક્ય અથવા શબ્દ કહી પ્રોત્સાહન આપ્યું. વદાયનું કામ પૂરું થતાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીજીને અને શંકરલાલ બૅંકરને સાબરમતી જેલમાં લઈ ગયા.