પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
સરદાર વલ્લભભાઈ


જવાથી પ્રજાનાં દુભાયેલાં દિલ અને સ્વરાજની જાગ્રત થયેલી ભાવના, એ એમની મોટામાં મોટી મૂડી છે. ગાંધીજીની અહિંસાવૃત્તિ, એમનો પ્રેમ, એમની મમતા, એમનું સ્વરાજ માટેનું રટણ અને એમનો અથાગ પરિશ્રમ નજર સામે રાખી જો તેઓ દિનરાત શ્રમ કરશે અને ગાંધીજીએ દોરી આપેલો સ્વરાજનો ચતુર્વિધ કાર્યક્રમ પાર ઉતારશે તો તેઓ પોતાની બધી ત્રુટિઓ ઓળંગીને ગાંધીજીના નામને અને પોતાની વફાદારીને દીપાવશે એમાં સંદેહ નથી.”

સરદારની આ વાણીએ સાથીઓને ઉત્સાહિત રાખ્યા અને તેમની દોરવણીએ ગુજરાતને સીધા રાહ પર રાખ્યું. પણ કેટલાક પ્રાંતોમાં તો મૂળથી જ ગાંધીજીના કાર્યક્રમ ઉપર શ્રદ્ધા નહોતી, એટલે થોડી જ વારમાં કૉંગ્રેસની વીણામાંથી બેસૂરા સૂર નીકળવા માંડ્યા. અસહકારની હિલચાલ શરૂ થઈ તે દિવસથી જ તેને વિષે મહારાષ્ટ્રના આગેવાનોમાં કચવાટ હતો. ખાસ કરીને ધારાસભાઓનો બહિષ્કાર તેમને ગમતો નહોતો. નવા સુધારા અમલમાં આવતાં ધારાસભામાં જવાની પોતાની ઘણાં વર્ષોની મુરાદ પૂરી થશે એવી એ નેતાઓએ આશા બાંધેલી. પણ ગાંધીજીનો અસહકાર આડે આવ્યો અને તેમની મુરાદ મનમાં રહી ગઈ. ધારાસભામાં ગયેલા નરમ પક્ષના નેતાઓએ જ્યારે સરકારની દમનનીતિને સીધો કે આડકતરો ટેકો આપવા માંડ્યો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમે ધારાસભામાં ગયા હોત તો આવું થવા દેત નહીં. અમે સામા થાત, વાંધા ઉઠાવત અને તેમાં સફળ ન થાત તો પણ સરકારને દુનિયા આગળ ઉઘાડી તો પાડત જ. એટલે એપ્રિલ મહિનામાં પુણે મુકામે મહારાષ્ટ્રની બીજી રાજકીય પરિષદ મળી તેમાં કૉગ્રેસના કાર્યક્રમમાં કેટલાક સુધારા સૂચવતો ઠરાવ શ્રી કેળકર લાવ્યા. એ ઠરાવ તો જોકે બહુમતીથી ઊડી ગયો કારણ લોકહૃદય ગાંધીજીને છોડી શકે એમ ન હતું. પણ અસહકારનો કાર્યક્રમ ફરી તપાસવાને એક સમિતિ નીમવાનો ઠરાવ તો પસાર કરાવી શક્યા. નાગપુરની પ્રાંતિક સમિતિએ અહિંસામય અસહકારનો ફરી વિચાર કરવા એક પેટા સમિતિ નીમી. તે તો એટલું કહેવાની હદ સુધી ગઈ કે અહિંસા અને આપભોગના સિદ્ધાંત ઉપર જ બધો ભાર મૂકવામાં તેમ જ રાષ્ટ્રકામમાં દખલરૂપ થઈ પડે એટલી હદ સુધી નીતિ અને ધર્મના પાયા ઉપર રાજદ્વારી લડત લડવાની હિમાયત કરવામાં કૉંગ્રેસની આટલા દિવસ ચોખ્ખી દિશાભૂલ જ થઈ છે. જોકે આમજનતાનું કાળજું એટલું સાબૂત હતું કે જે દિવસે પેલી સમિતિનો આ અભિપ્રાય બહાર પડ્યો તે જ દિવસે નાગપુરમાં મોટી જાહેરસભા થઈ અને તેમાં એ અભિપ્રાયને વખોડી કાઢવામાં આવ્યો. બંગાળનું વાતાવરણ પણ કાંઈક ડહોળાવા માંડ્યું હતું. દેશબંધુ દાસનાં પત્ની શ્રીમતી વાસંતીદેવીએ બંગાળની રાજકીય પરિષદમાં પોતાના ભાષણમાં જોકે અસહકારના આખા કાર્યક્રમની જોસભેર હિમાયત કરી છતાં