પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
ગાંધીજીની ગિરફતારી પછી


તેની સાથે એ પણ જણાવ્યું કે જરૂર જણાય તો ધારાસભાઓમાં પણ જઈને પ્રજાકીય લડત ધપાવવી જોઈએ. આમ આગળ ઉપર કૉંગ્રેસમાં નાફેરવાદી અને ફેરવાદી એવા બે પક્ષ બંધાવાના હતા તેનાં પગરણ ગાંધીજી જેલમાં ગયા એના બીજા જ મહિનાથી મંડાયાં.

ત્યાર બાદ તા. ૨૫ તથા ૨૬ મેના રોજ આણંદ મુકામે છઠ્ઠી ગુજરાત રાજકીય પરિષદ પૂ. કસ્તૂરબાના પ્રમુખપણા નીચે ભરાઈ. તેમાં રચનાત્મક કામને વેગ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ધારાસભા અંગે દેશમાં ચર્ચા ચાલવા માંડી હતી એટલે તે સંબંધી નીચેનો ઠરાવ પરિષદે સર્વાનુમતે પસાર કર્યો :

“ધારાસભાના બહિષ્કાર વિરુદ્ધ જે ચર્ચા દેશના કેટલાક ભાગમાં ચાલી રહી છે તે ઉપર પૂરતું વજન આપી તથા સંપૂર્ણ વિચાર કરી આ પરિષદ એવો ઠરાવ કરે છે કે ધારાસભામાં દાખલ થઈ રાજ્યવહીવટમાં ભાગ લેવો એ અસહકારના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે અને છેલ્લા અઢાર માસનો અનુભવ પણ બહિષ્કારના ઠરાવને વળગી રહેવામાં જ પ્રજાનું હિત છે એમ સ્પષ્ટ દેખાડી આપે છે.”

પૂ. બાએ પોતાના ઉપસંહારના ભાષણમાં આ વિષે કહ્યું :

“કેટલાક ધારે છે કે ધારાસભામાં જવાથી ફતેહ મળશે. તો શું આજ સુધી તમે ધારાસભામાં નહોતા ગયા ? ત્યાં જઈને કાંઈ ઠરાવો કરવાનું તો તમારા હાથમાં નથી, તો ત્યાં જઈ ને શું કરશો ? કાયદાનો ભંગ કરવાની કેટલાક વાતો કરે છે, પણ આપણામાં એટલી તૈયારી છે ? જો આપણામાં તૈયારી હોત તો આપણા આટલા બધા ભાઈઓ જેલમાં છે તે જ વખતે વરઘોડા ન કાઢત, વિદેશી કપડાં પહેરીને લગ્ન ન કરત. અમદાવાદમાં તો બહુ વરધોડા નીકળ્યા. જોકે અમદાવાદના લોકોએ તો ઘણું કર્યું છે. રેંટિયો એક પણ નહતો, ત્યાં ધણા રેંટિયા દાખલ કર્યા, ખાદી બનાવી અને બીજું ઘણું કામ કર્યું. પણ તે સાથે પરદેશી કપડાં પહેરીને કાઢેલા વરઘોડા પણ સરકારને બતાવ્યા. એના ફોટા વિલાયત ગયા, ગાંધી શું કહે છે અને એના ભાઈઓ અને બહેનો શું કરી રહ્યાં છે, તે જુઓ !”

એટલામાં સુરતના સિંહ ગણાતા શ્રી દયાળભાઈ પાસે રાજદ્રોહી ભાષણ કરવા માટે એક હજાર રૂપિયાના જામીન માગવામાં આવ્યા. તેમણે સ્વાભાવિક રીતે જ જામીન ન આપ્યા એટલે તેમને એક વરસની સજા થઈ. ગાંધીજીના જેલ ગયા પછી ‘યંગ ઈન્ડિયા’ના તંત્રી શ્રી સ્વેબ કુરેશી થયા હતા. તેમના ઉપર રાજદ્રોહી લેખ લખવા બદલ કેસ કરવામાં આવ્યો અને તેમની સાથે તેના પ્રકાશક તરીકે શ્રી વાલજીભાઈ દેસાઈને, મુદ્રક તરીકે શ્રી ભણસાળીને અને છાપખાનાના વહીવટદાર તરીકે સ્વામી આનંદને પકડવામાં આવ્યા અને ચારેને એક એક વરસની સજા થઈ.