પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
સરદાર વલ્લભભાઈ


તેમણે પરદેશી કાપડના વેપારીઓને પણ અપીલ કરી કે:

“ગુજરાતના કાર્યવાહકો ગુજરાતની અન્ય સેવાનું કામ છોડી તમારી દુકાનો ઉપર પહેરો ભરે એ શું તમે પસંદ કરશો ?
“મહાત્માજી જેલમાં છે ત્યાં સુધી પરદેશી કાપડનો વેપાર બંધ કરવા જેટલી હિંમત હજી પણ તમે નહીં કરો ? જો તમે પહેલ કરશો તો સંભવ છે કે આખો દેશ તમારું અનુકરણ કરશે અને મહાત્માજી જેલમાંથી વહેલા છૂટશે.”

ચોકીનું કામ ખૂબ જ શાંતિ અને વિનયપૂર્વક કરવામાં આવે તે માટે સ્વદેશી સેનાના નિયમોની પત્રિકા પોતાની સહીથી છપાવીને બહાર પાડી. તેમાં કાપડ ખરીદવા આવતા ઘરાકોને વિનયથી અને આજીજીથી સમજાવવા, કાપડની દુકાન નજીક ઉપદેશ કરવાને બદલે રસ્તાને નાકે ઊભા રહી અથવા પાસેના ઘરવાળાની સહાનુભૂતિ મેળવી તેના ઓટલા ઉપર બેસી લોકોને સમજાવવા અને જાહેર રસ્તા ઉપર ભીડ ન થાય તેની કાળજી રાખવી એવી સૂચનાઓ હતી. વળી પોલીસ નામ પૂછે તો કશી ચર્ચા કર્યા વિના નામઠામ આપવું અને પકડવા ઈચ્છે તે પકડાઈ જવું એ પણ જણાવ્યું હતું. સૌથી મહત્ત્વની સૂચના તો એ હતી કે બીજાઓ તરફથી ગમે તેટલું તોફાન થાય તો પણ સ્વયંસેવકે શાંતિ જાળવવી અને કદાચ તેને મારપીટ થાય તો પણ તે શાંતિથી સહન કરવી. ગમે તેટલા ચીડવવામાં કે ઉશ્કેરવામાં આવે તો પણ કોઈ સ્વયંસેવકે ગુસ્સો કરવો નહીં કે મારપીટ કરવી નહીં.

તા. ૧લી ડિસેમ્બરે અમદાવાદમાંથી ચોકીની મંગળ શરૂઆત કરી. સવારે નગરકીર્તન રાખવામાં આવ્યું અને ત્યાર પછી તરત ખાદીવેચાણ કરવામાં આવ્યું. બપોરે ત્રણ વાગ્યે સરદાર, અબ્બાસ સાહેબ તથા ડૉ. કાનુગા હાથમાં ચોકીનાં પાટિયાં લઈને બજારમાં આવ્યા. તેમની પાછળ સ્વયંસેવકોની લાંબી હાર હતી. શ્રીમતી વિજયાલક્ષ્મી કાનુગાની સરદારી નીચે શહેરની અને આશ્રમની બહેનોએ રતનપોળના ખાસ સ્ત્રીઓના કાપડ બજારને ઘેરો ઘાલ્યો. કેટલાક કાપડિયા ખૂબ શરમાયા. ઘરાકો ઉપર પણ અસર થઈ. પછી તો આખા ગુજરાતમાં ગામેગામ ચોકી મંડાઈ ગઈ. કેટલાંક ગામોએ તો સ્વયંસેવકોની ભરતી ચાલતી હતી ત્યારથી જ પરદેશી કાપડ નહી મંગાવવાની સહીઓ કરી આપી. અમદાવાદનાં કાપડ મહાજનોમાંથી કોઈએ છ માસ સુધી, કોઈએ આઠ માસ સુધી અને કોઈ એ નવ માસ સુધી, પરદેશી કાપડ નહીં મંગાવવાની કબૂલાત આપી. સુરત અને નડિયાદનાં મહાજનોએ એક વરસ સુધી પરદેશી કાપડ નહીં મંગાવવાની સહી કરી આપી. સુરત અને ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાગામના કાપડિયાઓએ એક વરસ સુધી અથવા કૉંગ્રેસના કાર્યક્રમમાં ફેરફાર ન થાય ત્યાં સુધી પરદેશી કાપડ ન ખરીદવાની