પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
ગાંધીજીની ગિરફતારી પછી

તથા નહીં વેચવાની પ્રતિજ્ઞાઓ કરી. જ્યાં આવી કબૂલાત મળતી હતી ત્યાંથી ચોકીઓ ઉઠાવી લેવામાં આવતી હતી.

વેપારીઓ પરદેશી કાપડ ન મંગાવવાની આવી ટૂંકી ટૂંકી મુદતની પ્રતિજ્ઞા લે તેનો શું અર્થ, એવી ટીકાઓ કૉંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ તેમ જ બીજા લોકો કરવા લાગ્યા. સરદારે આનો ખુલાસો અમદાવાદના માણેકચોકમાં થયેલી એક જાહેર સભામાં આપ્યો :

“ખરું જોતાં પરદેશી કાપડબહિષ્કારને સફળ કરવો એ લોકોનું એટલે કે આપણું કામ છે. આપણે પરદેશી કાપડ ખરીદ જ ન કરીએ તો વેપારીઓ કંઈ પરદેશી કાપડ લાવવાના નથી. . . . એમને અત્યારે તો પોતાનો વેપાર છોડવો એ પ્રાણ નીકળવા જેટલું કઠણ લાગે છે. તેમની ઉપર ગુસ્સો કરવો એ ફોગટ છે. તેમની નબળાઈનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. . . . મારે પોતાને આ કેટલાક દિવસ થયાં તેમનો જે અનુભવ છે તે પરથી તો હું તમને ખાતરી આપું છું કે જેટલી ગાળો આપણે કાપડિયા ભાઈઓને આપીએ છીએ, લુચ્ચા, પ્રપંચી, ચોર, ઠગ, વગેરે જે વિશેષણો તેમને માટે વાપરીએ છીએ, તે બધી ગાળો અને વિશેષણો તેમને માટે વાપરવા કરતાં આપણે પોતાને માટે વાપરીએ એ વધારે યોગ્ય છે. આપણે પોતે ગાંધીજીની ‘જે’ પોકારતા નહોતા ? આપણે કાંઈ લાખોનો વેપાર નહોતો, ઘરમાં સો બસોનાં પરદેશી કપડાં હોય તેટલાં જ બાળવાનાં હતાં. ઘરમાં એક બે છોકરાં હોય તેમને જ સરકારી શાળામાંથી ઉઠાડી લેવાનાં હતાં. આપણાં પોતાનાં જ બાળકો જે રાષ્ટ્રીય શાળામાં ભણે છે તે શાળાઓને નિભાવવાને થોડીક રકમ આપવાની હતી. આપણે એકે વાનું પૂરુંપાધરું કર્યું છે ? આપણે આપણો પોતાનો હિસાબ તપાસતા નથી, અને પારકાના હિસાબ કરવા જઈએ છીએ.
“અત્યારે આપણી ફરજ છે કે વેપારીઓને તેમની શુભ શરૂઆતમાં ઉત્તેજન આપવું, તેઓ નિરાશ થાય એવું કાંઈ ન બોલવું. એટલી વારમાં આપણે સૌ દેશી કાપડ ઉપર ચઢી જઈશું તો તેઓ પરદેશી કાપડ શું કામ લાવશે ?”

હજી રચનાત્મક કામ વિષે લોકો કેટલું ઓછું સમજ્યા હતા તેનો ખ્યાલ આપવા એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ અહીં નોંધવાની લાલચ છોડી શકતો નથી. નવેમ્બર મહિનામાં કાઠિયાવાડ રાજ્ય પરિષદ વઢવાણ મુકામે અબ્બાસ સાહેબના પ્રમુખપણા નીચે ભરાઈ. તેમાં અસ્પૃશ્યતાનિવારણનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. છતાં ગમતની વાત કરતાં એને આપણી શરમની વાત કહેવી જ વધારે યોગ્ય છે કે હરિજન — એમને એ નામ તે વખતે નહોતું મળ્યું, તેઓ અંત્યજો કહેવાતા — તેમને માટે બેસવાની પરિષદમાં એક અલગ અસ્પૃશ્ય જગ્યા રાખવામાં આવી હતી. એક સ્વયંસેવક ભાઈ અંત્યજ પ્રતિનિધિઓ તથા