પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
સરદાર વલ્લભભાઈ


પ્રેક્ષકોને બીજાઓને ન અડવા અને તેમને માટે અલગ રાખેલા સ્થાને બેસવા સૂચનાઓ આપતા હતા. હરિજનો પણ ‘હા બાપુ હા’ કહીને તે સૂચનાનો અમલ કરતા સંકેચાઈને બેસતા હતા. સરદારના જોવામાં આ આવતાં જ તેઓ ઊઠીને હરિજનોની વચ્ચે જઈને બેઠા, દરબાર સાહેબ ગોપાળદાસ અને શ્રીમતી ભક્તિલક્ષ્મી પણ તેમને અનુસર્યા. અને હરિજનોની વચમાં સરદાર પાસે જઈને બેઠાં. પછી તો હરિજનો માટેનું અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સરદારે ત્યાંથી જ ઊભા થઈ પોતાનું ભાષણ કર્યું. આ ઘટના વિષે જરા પણ ઈશારો કર્યા વિના — ઈશારો શું કામ કરે ? એ વિષે તો એમનું મૌન જ વધારે અસરકારક હતું — કહ્યું કે :

“કાઠિયાવાડના જુવાન વર્ગમાં વિશેષ શક્તિ છે. જ્યાં જાય છે ત્યાં પોતાની શક્તિનો પરિચય કરાવ્યા વિના તેઓ રહેતા નથી. તેમનામાં દેશભક્તિનો જુસ્સો છે. તેમના હાથમાં અને વૃદ્ધોના અંકુશમાં આ પરિષદનું ભવિષ્ય ઊજળું છે એમ માનવાને હરક્ત નથી.”

આમ સૌને રીઝવીને, લોકોની મુસીબતની કદર કરીને અને તેમની નબળાઈઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને ગુજરાતને રચનાત્મક કામમાં આગળ ધપાવવાનો સરદાર પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ધારાસભા બહિષ્કારની બાબતમાં નેતાઓના મનમાં શંકાકુશંકાઓ પેદા થવાથી દેશનું વાતાવરણ ડહોળાવા માંડ્યું હતું. જૂન મહિનામાં પંડિત મોતીલાલજી છૂટીને બહાર આવ્યા અને ઑગસ્ટ મહિનામાં દેશબંધુ દાસ બહાર આવ્યા. આ વખતે લખનૌની મહાસમિતિએ નીમેલી સવિનય ભંગ સમિતિ દેશમાં તપાસ અર્થે ભ્રમણ કરી રહી હતી. તેના સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભાપ્રવેશને માટે લોકમત તૈયાર કરી રહ્યા હતા. પંડિત મોતીલાલજીને પણ આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. તેમનો ઝોક પણ ધીમે ધીમે ધારાસભા તરફ વળ્યો. દેશબંધુ દાસનો તો ૧૯૨૦ની કલકત્તા કૉંગ્રેસ વખતથી જ એ વિચાર હતો કે, ધારાસભાનો બહિષ્કાર કરવાને બદલે ધારાસભામાં જઈને તેના સારા નઠારા સધળા જ ઠરાવનો વિરોધ કરી તેનું કામ અશક્ય કરી નાખવું, એ યુક્તિ વધારે સારી છે. નાગપુરની કૉંગ્રેસમાં ગાંધીજીના સમજાવ્યાથી તેમણે પોતાના વિચારો બદલીને અસહકારના ઠરાવને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. પણ ૧૯૨૧ના ડિસેમ્બરમાં લૉર્ડ રીડિંગની રાઉન્ડ ટેબલની સૂચના સ્વીકારી લેવા જેલમાંથી તેમણે ગાંધીજીને સંદેશ મોકલેલો અને ગાંધીજીએ તે સૂચના અસ્વીકાર્ય ગણી. વળી ૧૯૨૨ના ફેબ્રુઆરીમાં લડત મોકૂફ રાખવાના ઠરાવ સામે પણ તેમણે જેલમાંથી જ વિરોધ દર્શાવેલો. છતાં ગાંધીજીએ દિલ્હીની મહાસમિતિ પાસે એ ઠરાવ પસાર કરાવ્યો ત્યારથી ગાંધીજીની કાર્યપદ્ધતિ વિષે તેમના મનમાં અસંતોષ થયો હતો.