પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
ગાંધીજીની ગિરફતારી પછી


મહાસમિતિ ન કરી શકે એ કારણે આ ઠરાવ નિયમ બહારનો છે એવો વાંધો લેવામાં આવ્યો. પણ પ્રમુખપદે દાસબાબુ હતા તેમણે ઠરાવ નિયમસરનો ગણ્યો, એમ કહીને કે ગયા કૉંગ્રેસનો ઠરાવ તો કાયમ જ રહે છે, મહાસમિતિના ઠરાવથી એનો પ્રચાર જ બંધ કરવામાં આવે છે. થોડાક વધુ મતે ઠરાવ પસાર થઈ ગયો, એટલે ગયામાં ચૂંટાયેલી કારોબારીના સભ્યો, જેમાં સરદાર વગેરે બધા ચુસ્ત નાફેરવાદીઓ હતા તેમણે રાજીનામાં આપી દીધાં અને તેની જગાએ ચુસ્ત ફેરવાદીઓ પણ નહીં અને ચુસ્ત નાફેરવાદીઓ પણ નહીં પણ સમાધાનવાદીઓની કારોબારી ચૂંટવામાં આવી.

દાસબાબુ મુંબઈથી મદ્રાસના પ્રવાસે ગયા. ત્યાં એક ભાષણમાં લૉર્ડ રીડિંગ સાથેની સમાધાનીની વાતનો ઈશારો કરતાં તેમણે કહ્યું કે :

“એ વેળા સત્યાગ્રહથી સરકાર દબાઈ ગઈ હતી અને એણે નમી જઈ ને સમાધાન કરવા તૈયારી બતાવી હતી. હું જેલમાં હતો ત્યાં મારી પાસે શરતો મોકલવામાં આવી હતી. મેંં એ મુખ્ય મથકે એટલે કે ગાંધીજીને મોકલી આપી. પણ તેમણે બધો છબરડો વાળ્યો અને હવે આપણને રેંટિયો ચલાવવાનું કહે છે.”

એ શરતોમાં કાંઈ માલ ન હતો અને ગાંધીજીએ તે લૉર્ડ રીડિંગની જાળમાં ફસાઈ જતાં એમને બચાવી લીધા હતા એ અગાઉના પ્રકરણમાં કહેવાઈ ચૂક્યું છે. આ આક્ષેપ વાંચી સરદારથી રહેવાયું નહીં. તેમણે દાસબાબુને જવાબ આપી તેમની નીતિ ઉઘાડી પાડી :

“જેલમાંથી છૂટ્યા પછી આજ આઠ મહિને વાઈસરૉય સાહેબે સમાધાનીની જે શરતો રજૂ કરી હતી તે કબૂલ નહીં રાખવામાં ગાંધીજીએ છબરડો વાળ્યો એવું કહેવાનો અર્થ ? શ્રી વિઠ્ઠલભાઈ જેવા દાસબાબુના અનુયાયીને આનો અર્થ સમજવો કઠણ પડે છે એ નવાઈ જેવી વાત છે. અર્થ બહુ સહેલો છે. પ્રજામતને પોતાના વિચાર તરફ ઘસડી જવા માટે પ્રજા ઝીલી શકે તેટલા ફટકા દાસબાબુ બહાર આવ્યા ત્યારથી સામા પક્ષને લગાવતા આવ્યા છે. જેલમાંથી છૂટ્યા પછી થોડો વખત ધારાસભાના પ્રશ્ન વિષે મૌન ધારણ કર્યું; ધાર્મિક અને માર્મિક વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. કેટલાકને વહેમ પડ્યો કે શ્રી અરવિંદ ઘોષની માફક તેઓ કાંઈક એકાંતમાં જઈ બેસશે. પણ વખત આવ્યો કે તરત જ સવિનય ભંગ સમિતિના સભાસદો પૈકી શ્રી વિઠ્ઠલભાઈ અને તેમના સાથીઓએ ગબડાવેલા ગોળાને હાથ દીધા. કલકત્તામાં મળેલી મહાસમિતિમાં જેટલી ખેંચતાણ થઈ શકે તેટલી કરી અદબદ રાખ્યું. ગયાની કૉંગ્રેસમાં પૂરેપૂરું જોર અજમાવ્યું, છતાં પ્રતિનિધિઓએ મચક ન આપી એટલે ઉગ્ર રૂપ ધારણ કરી પ્રમુખસ્થાનેથી કૉંગ્રેસના ઠરાવ ઉપર પ્રહાર કર્યો, પ્રમુખપદનું રાજીનામું આપ્યું અને મહાસમિતિની