પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
ગાંધીજીની ગિરફતારી પછી


ચર્ચા કરવાની બહુ ટેવ જ નહોતી. એકબીજા વિષે જે કાંઈ કહેવું હોય તે ત્રીજા માણસને કહેતા. શ્રી વિઠ્ઠલભાઈ સરદારને વિષે હંમેશાં ‘તમારા સૂબા’ કે ‘ગુજરાતના સૂબા’ કહીને વાત કરતા અને સરદાર એમને વિષે ‘નામદાર પટેલ’ અથવા ‘પટેલ સાહેબ’ કહીને વાત કરતા. શ્રી વિઠ્ઠલભાઈને અંગ્રેજીમાં જેને ‘પ્રેકિટકલ જોક’ કહે છે તેવી અમલી મશ્કરી કરવાની બહુ ટેવ હતી. તેના ઘણા માણસો ભોગ બનતા અને કેટલીક વાર તેમની મશ્કરી એટલી હદ સુધી જતી કે તેનો ભોગ બનનાર એમનો દુશ્મન બની જતો. એવા કેટલાક દાખલા જાણીતા છે પણ આપણા વિષયને તે અપ્રસ્તુત છે. એક દિવસ અમદાવાદ આવેલા ત્યારે એવો એક નાનો પ્રયોગ સરદાર ઉપર કર્યો. ભદ્રમાં સરદાર જે મકાનમાં રહેતા ત્યાં સરદારના દીવાનખાનાના ઓરડાની બાજુના છજામાં પાયખાનું હતું. શ્રી વિઠ્ઠલભાઈ આવેલા એટલે કેટલાક મિત્રો મળવા આવ્યા હતા. વાતો ચાલતી હતી તે દરમિયાન સરદાર પાયખાને ગયા. થોડી વાર થઈ એટલે વિઠ્ઠલભાઈએ ઊઠીને બહારથી સાંકળ દઈ દીધી. પછી ઠાવકું મોં રાખીને અમને કહે, ‘આ તમારા સુબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવું છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !’ પછી અર્ધાએક કલાક પછી વિઠ્ઠલભાઈ સાંકળ ખોલી આવ્યા અને સરદાર જાણે કશું બન્યું જ ન હોય તેમ બહાર આવીને પોતાના કામમાં વળગ્યા.

મુંબઈની મહાસમિતિમાં જે ઠરાવ થયો તે કહેવાયો સમાધાનીનો ઠરાવ પણ એને લીધે તો બે પક્ષ વચ્ચે તીખાશ ઊલટી વધી. નાફેરવાદીઓ એમ કહેતા કે મહાસમિતિ કૉંગ્રેસની પેટા સંસ્થા હોઈ કૉંગ્રેસના મૂળ ઠરાવને ઉથાપી શકે નહીં, એટલે અમે તો કૉંગ્રેસના ઠરાવને જ વળગી રહીશું. એટલે સ્વરાજ પક્ષવાળાએ તજવીજ કરીને જુલાઈ મહિનામાં નાગપુરમાં મહાસમિતિની બેઠક બોલાવી અને મુંબઈ મહાસમિતિના ઠરાવને માન નહીં આપનારી પ્રાંતિક સમિતિઓ સામે શિસ્તનાં પગલાં લેવાનો ઠરાવ લાવ્યા. એમાં ખાસ હુમલો તામિલનાડુ અને ગુજરાત ઉપર એટલે રાજાજી અને સરદાર ઉપર હતો. બંને પક્ષના કાયદાબાજોએ કાયદાના મુદ્દાની તકરારો કરી અને છેવટે શિસ્તનાં પગલાં લેવાનો ઠરાવ ૬૩ વિ○ ૬પ મતે ઊડી ગયો. નવેમ્બર માસમાં ધારાસભાની ચૂંટણીઓ થવાની હતી એટલે કૉંગ્રેસની ખાસ બેઠક બોલાવી તેમાં જે તે ચોક્કસ નિર્ણય થઈ જવો જોઈએ એમ હવે સ્વરાજ પક્ષને લાગ્યું. તા. ૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીમાં કૉંગ્રેસ ભરવાનું નક્કી થયું. તે વખતે મૌલાના મહમદઅલી તથા લાલાજી જેલમાંથી છૂટીને બહાર આવ્યા. નાફેરવાદીઓને લાગ્યું કે આપણા પક્ષને એમનો મજબૂત ટેકો મળશે. પણ બંને સમાધાનવાદી નીકળ્યા. લાલાજી