પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
સરદાર વલ્લભભાઈ


માંદા હતા એટલે આ પ્રશ્નમાં સક્રિય ભાગ ન લઈ શકળ્યા. પણ મૌલાનાએ કોઈ પણ ભોગે સ્વરાજ પક્ષ સાથે સમાધાન કરવાનું નાફેરવાદીઓ ઉપર દબાણ કરવા માંડ્યું. તેમને નાખુશ કરવા એટલે આખી મુસલમાન જનતાને નાખુશ કરવી એવી તે વખતે સ્થિતિ હતી. દેશમાં ઘણી જગાએ હિંદુ મુસલમાન વચ્ચે બખેડા પણ શરૂ થઈ ગયા હતા. એટલે કૉંગ્રેસી મુસલમાનોને નારાજ કરવાનું બિલકુલ ઈષ્ટ નહોતું. રાજાજી ખરાબ તબિયતને લીધે આ ખાસ કૉંગ્રેસમાં આવી શક્યા ન હતા. એટલે સરદાર, રાજેન્દ્રબાબુ, જમનાલાલજી અને ગંગાધરરાવ દેશપાંડે, એમના ઉપર નાફેરવાદીઓએ શું કરવું તેનો નિર્ણય કરવાની જવાબદારી હતી. ચારેના હૃદયમાં ભારે મંથન ચાલી રહ્યું હતું. વળી મૌલાના મહમદઅલીએ સમાધાનીનો ઠરાવ રજૂ કરતાં પોતાના ભાષણમાં એવી વિચિત્ર અને ગૂઢ વાત કરી, જેને લીધે ઘણા પ્રતિનિધિઓ તકવિતર્કમાં પડી ગયા. તેમણે કહ્યું :

“મને અસહકાર કરતાંયે મહાત્મા ગાંધી પર વધારે વિશ્વાસ છે.. મહાત્મા ગાંધીએ કોઈ આધ્યાત્મિક યુક્તિથી યા તો તાર વિનાના સંદેશાથી મને નીચેનું ફરમાન મોકલ્યું કે, ‘તમે મારા કાર્યક્રમને વળગી રહો એવો મારો આગ્રહ નથી. હું તો હજી પણ મારા આખા કાર્યક્રમ વિષે મક્કમ છું. પણ દેશની સ્થિતિ જોતાં જો તમને બહિષ્કારની એકાદ બે વિગતો કાઢી નાખવા જેવી લાગે અથવા ઢીલી કરવા જેવી લાગે અથવા નવી વિગતો દાખલ કરવા જેવી લાગે તો હું દેશના પ્રેમને નામે તમને હુકમ કરું છું કે તમને યોગ્ય લાગે તે વિગતો કાઢી નાખો, યોગ્ય લાગે તેવા ફેરફારો કરો અને યોગ્ય લાગે તો નવી વિગતો દાખલ કરજો.’ ”

પ્રતિનિધિઓ વિચારમાં પડ્યા કે કઈ પણ જાતનો સંદેશ જેલમાંથી મોકલવો એ તો ગાંધીજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને આ શું ? પણ આ સંદેશામાં શું એવું નવું હતું ? હકીકત એમ બની હતી કે ભાઈ દેવદાસ ગાંધીજીને મળવા ગયેલા, તે વખતે મૌલાનાના સંબંધમાં આવી મતલબની વાત થયેલી: “કેદી તરીકે મારાથી તમને કાંઈ સંદેશો ન અપાય. જ્યારે બીજાઓ મને સંદેશા મોકલતા ત્યારે હું તેમને ઠપકો આપતો. પણ મૌલાનાને એટલું કહું કે તમારી વફાદારી ઉપર હું મુગ્ધ છું. છતાં મારા તરફની વફાદારીને લક્ષ્ય ન સમજશો, દેશ તરફની વફાદારીને લક્ષ્ય માનજો. મારા વિચાર હું જતાં જતાં જણાવી ગયો છું, અને તે ઉપર કાયમ છું. પણ તમે જુદો માર્ગ ગ્રહણ કરશો તો તેથી આપણી વચ્ચેના પ્રેમને કશી આંચ આવવાની નથી.”

ભાઈ મહાદેવે તથા દેવદાસે મળીને સરદારને પૂછ્યા વિના આખી પરિસ્થિતિ વર્ણવતો તાર રાજાજીને કર્યો અને તેનો તારથી જવાબ માગ્યો. આ જવાબ