પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સરદાર વલ્લભભાઈ

એમ માની એટલેથી છોડી દઈ સવિનય ભંગને માટે ઉતાવળ કરવી તે કેસરિયાં નહીં પણ આંધળિયાં કરવા જેવું છે. હું જોઉં છું કે રચનાત્મક કામ કરનારાઓએ પણ સ્વયંસેવકોનાં પ્રતિજ્ઞાપત્ર ભર્યા છે. એમને જેલ જવાની ઉતાવળો આવી લાગે છે. પણ રચનાત્મક કામમાં રોકાયેલા એક પણ કાર્યવાહકને જેલમાં જવા દેવા હું ખુશી નથી. જેલ તો મારા જેવા રખડતા ભટકતા માટે અથવા તે જેને રચનાત્મક કામમાં શ્રદ્ધા નથી તેને માટે છે. એવાઓએ પણ જ્યાં સુધી પ્રાંતિક સમિતિએ પરવાનગી નથી આપી ત્યાં સુધી જેલમાં જવાનો પ્રયાસ કરવાના નથી.”

સરદારના આ લેખથી મહાદેવભાઈ, શ્રી મેહનલાલ પંડ્યા વગેરે કાર્યકર્તાઓના મનનું સમાધાન ન થયું, ઊલટો તેમનો અસંતોષ વધ્યો. તેમને રૂબરૂમાં સમજાવવાનો સરદારે પ્રયત્ન કર્યો જ. તે ઉપરાંત ‘શાંત વિચારની જરૂર’ એ લેખ લખીને જણાવ્યું કે :

“આપણું રચનાત્મક કામ ચાલુ રહે અને આપણામાંના કેટલાકના જેલ જવાથી એ કાર્યનો વેગ વધે તે જ સવિનય ભંગનો ઉપયોગ છે. બહાર આપણાથી કંઈ નથી થઈ શકતું માટે જેલમાં જઈ બેસવું એવું જો કોઈનું માનવું હોય તે એ માન્યતા ભૂલભરેલી છે.”

ખરી હકીકત તો એ હતી કે પ્રજાને સવિનય ભંગ દ્વારા ઘડવી હોય, પ્રજાને હિંમતવાન અને નીડર બનાવવી હોય તો સરદારને એમ લાગતું હતું કે આક્રમણકારી વ્યક્તિગત સવિનય ભંગ કરવાને બદલે લડતને કોઈ ચોક્કસ મુદ્દા પૂરતી જ પરિમિત રાખીને સામુદાયિક સવિનય ભંગ કરવાથી પ્રજાને વધારે કેળવી શકાશે. તે માટે જબલપુર અને નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ શરૂ થયા હતા તે તરફ તેમનું ધ્યાન ખેંચાયું હતું. તેમાં જરૂર પડતાં પહેલી તકે આપણે ગુજરાતમાંથી ટુકડીઓ મોકલી આપીશું એમ કહીને તથા એ પ્રમાણે પ્રાંતિક સમિતિ પાસે ઠરાવ કરાવીને થનગની રહેલા કાર્યવાહકોને શાંત પાડ્યા.

જમનાલાલજી એ લડતના આગેવાન હતા. તેમની ગિરફતારી પછી એ લડતનું સંચાલન કરવાનું કૉંગ્રેસ કારોબારીએ સરદારને માથે નાખ્યું. નાગપુર ઝંડા સત્યાગ્રહની એ લડતનું વર્ણન જુદા પ્રકરણમાં આપીશું.