પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૨૧

નાગપુર ઝંડા સત્યાગ્રહ

આ લડતનું બીજ નંખાયું જબલપુરમાં. સને ૧૯૨૨ના ઑગસ્ટમાં સવિનય ભંગ તપાસ સમિતિ જબલપુર ગઈ તે વખતે ત્યાંની મ્યુનિસિપાલિટીએ એક ઠરાવ પાસ કરીને હકીમ અજમલખાન સાહેબને માનપત્ર આપ્યું અને મ્યુનિસિપલ હૉલ ઉપર રાષ્ટ્રધ્વજ ચઢાવ્યો. કેવળ આટલું જ બન્યું હોત તો તો કોઈનું ધ્યાન તે તરફ ન ખેંચાત. પણ મ્યુનિસિપાલિટી આગળ તે વખતે બીજા બે ઠરાવ રજૂ થયેલા કે મ્યુનિસિપાલિટી ઉપર યુનિયન જેક ચઢાવવો અથવા યુનિયન જેક અને રાષ્ટ્રધ્વજ સાથે સાથે ચઢાવવા. એ બંને ઠરાવ નામંજૂર થયા ને રાષ્ટ્રધ્વજ ચઢાવવામાં આવ્યો. એટલે પાર્લામેન્ટમાં એક સભ્યે સવાલ પૂછ્યો કે આ તો યુનિયન જૅકનું અપમાન છે, એટલે ભારતમંત્રી તે વિષે શાં પગલાં લેવા ધારે છે ? ભારતમંત્રીએ જવાબ આપ્યો કે, ભવિષ્યમાં આવું ન બનવા પામે તેવી સૂચના આપવામાં આવશે અને તે વિષે તકેદારી રાખવામાં આવશે. પછી ૧૯ર૩ના માર્ચમાં કૉંગ્રેસ કારોબારીના પ્રતિનિધિમંડળમાં રાજાજી વગેરે જબલપુર ગયા. મ્યુનિસિપાલિટીમાં પહેલાંના જેવો જ ઠરાવ પાસ થયો પણ જિલ્લા મેજિસ્ટ્રેટે તકેદારી રાખીને તે ઠરાવ રદ કર્યો અને ટાઉનહોલ આગળ મેદાનમાં સભા ન ભરવામાં આવે તથા મ્યુનિસિપાલિટી ઉપર રાષ્ટ્રધ્વજ ન ચઢાવવામાં આવે તે માટે ત્યાં ૧૪૪મી કલમ લાગુ કરી.

તા. ૧૮મી માર્ચે ગાંધીજીની કારાવાસ સંવત્સરીને દિવસે પંડિત સુંદરલાલજીની સરદારી નીચે રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. પં. સુંદરલાલજી તથા બીજા દસ જણને પકડવામાં આવ્યા અને તેમની પાસેથી રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લેવામાં આવ્યો. બીજે દિવસે એ બધાને છોડી મૂક્યા. તેમણે રાષ્ટ્રધ્વજ પાછો માગ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એ તો જપ્ત કરવામાં આવ્યો છે માટે પાછો નહીં મળે. ૫. સુંદરલાલજીએ વાંધો ઉઠાવ્યો કે આ તો રાષ્ટ્રધ્વજનું અપમાન છે અને એની ચિનગારીમાંથી પ્રચંડ આગ ભભૂકી ઊઠશે. પંડિતજીને પકડીને છ માસની સજા કરવામાં આવી.

તા. ૧૩મી એપ્રિલને દિવસે નાગપુરમાં રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેર કરવામાં આવ્યું કે એ સરઘસ ‘સિવિલ લાઈન્સ’માં થઈને સદર બજારમાં જશે અને ત્યાં સભા ભરવામાં આવશે. ડિસ્ટ્રિક કોર્ટ પાસે

૨૬૩