પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
નાગપુર ઝંડા સત્યાગ્રહ

ઉઠાવતું. આપણા દેશમાં પણ રાષ્ટ્રધ્વજનાં સરઘસો બીજા બધાં શહેરમાં વગરબંધીએ ફરતાં. ખુદ નાગપુરમાં પણ રાષ્ટ્રધ્વજ લઈ ને સરઘસ બીજે બધે ફરે તેની સરકારને હરકત નહોતી. પણ ત્યાંની સિવિલ લાઈન્સમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાને પોતાને હક સ્થાપિત કરવાની લડત ચલાવવાને સ્થાનિક કૉંગ્રેસ કમિટીએ ઠરાવ કર્યો તે નાગપુરના ગોરા સિવિલિયનથી ખમાયું નહીં અને ત્યાંના ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટે સરઘસબંધી તથા સભાબંધીનો હુકમ તા. ૧લી. મેએ બહાર પાડ્યો. પ્રાંતિક સરકારે પણ તે જ દિવસે પોતાનાં પગલાંને ખુલાસો કરતી એક યાદી બહાર પાડી.

આ ‘સિવિલ લાઈનસ’ શું હતી ? જેને ‘કૅન્ટોન્મેન્ટ’ કહેવામાં આવે છે એ લશ્કરી છાવણીનો વિસ્તાર એ નહોતો જ. કેટલાક સુધરેલા ગણાતા લોકોનો એ લત્તો હતો. ત્યાં થોડા ગોરા અમલદારો અને પશ્ચિમી ઢબની રહેણીની ઓછાવત્તા પ્રમાણમાં નકલ કરનારા ઘણા હિંદીઓ રહેતા હતા. ગોરાઓની સંખ્યા તો સ્ત્રીઓ અને બાળક ગણતાં બસોથી વધારે નહીં હોય. આ ગોરા ‘દેવ’ લોકોના મિથ્યા ઘમંડ અને તુમાખીને સરકાર પોષવા અને ઉત્તજવા ઇચ્છતી હતી એ સરકારી યાદીમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. એ યાદીમાં લખેલું છે કે :

“સ્વરાજ્યના ધ્વજની સામે સરકારને કશે વાંધો નથી પણ કેટલાક રાજનિષ્ઠ લેાકોથી યુનિયન જૅકનું અપમાન દેખ્યું જતું નથી અને એમની લાગણી બહુ દુભાય છે. તેથી ત્યાં સ્વરાજયના ધ્વજ સાથેના સરઘસની બંધી. કરવી જરૂરી લાગે છે.”

આમાં બે વસ્તુ ખોટી રીતે ગૃહીત કરી લીધેલી દેખાય છે : એક તો એ ‘સિવિલ લાઈન્સ’ એટલે કે ‘સભ્ય વસ્તી’માં જ સઘળા રાજનિષ્ઠ લોકો રહેતા હતા, અને બીજું, સ્વરાજ્યના ધ્વજના સરઘસથી ‘યુનિયન જૅક’નું અપમાન થતું હતું. આ લડતના સંચાલકોના સ્વપ્નામાં પણ યુનિયન જૅકના અપમાનનો ખ્યાલ નહોતો. તેમણે એ બાબત એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો, ન તો જબલપુરમાં, ન તો નાગપુરમાં. જ્યાં પહેલાં સરઘસોને મારઝૂડ કરીને વિખેરી નાખવામાં આવ્યાં હતાં ત્યાં પણ કોઈએ યુનિયન જૅક વિષે અપમાનજનકશબ્દો કે સૂત્રો પોકાર્યાં ન હતાં. અને સ્વરાજ્યના ધ્વજ સાથેના સરઘસથી યુનિયન જૅકનું અપમાન થતું હોય તો આ સભ્ય વસ્તીમાં જ શું કામ અપમાન થાય ? શહેરમાં રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ ફરતાં હતાં અને કેટલાંયે મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતા હતા. તેથી ત્યાં યુનિયન જૅકનું અપમાન કેમ નહોતું થતું ? ત્યાં શું યુનિયન જૅકની હકૂમત નહોતી કે કોઈ રાજનિષ્ઠ લોકો રહેતા નહોતા ? પણ આ તો ન્યાયની દલીલ થઈ. ગેારા અમલદારો પોતાના ગુમાનની