પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
સરદાર વલ્લભભાઈ

તમારે એટલો ભોગ આપવો જોઈએ. પણ સાચી વાત શી છે એ તમે જાણો. આ વાવટો નથી તમારા દેશનો કે નથી તમારા બાપદાદાનો. એમણે કદી એવા વાવટા હોવાનું સાંભળ્યું નહોતું. બે ત્રણ વર્ષથી કૉંગ્રેસના કેટલાક બાબુઓએ રાજદ્વારી હેતુથી આ વાવટો ઉપજાવી કાઢ્યો છે. એ લોકો તમે જેલ જાઓ એમ ઈચ્છે છે. તેમાં એમનો હેતુ સરકાર જુલમી છે એમ બતાવી પોતાનો સ્વાર્થ સાધવાનો છે. એ નેતાઓ નાગપુરમાં સંતાઈ રહી અભણ ગામડિયાઓને ઘેટાં બકરાંની જેમ હાંકે છે. બિચારા ગામડિયાઓ જ્યારે પકડાય છે ત્યારે નેતાઓ ઘેર જઈ ને ખાઈપીને માજ કરે છે અને નિરાંતે ઊંઘે છે. પણ વાવટો લઈને પકડાવાથી તમારું શું ભલું થવાનું છે ? તમારો દંડ થશે એ નેતાઓ ભરવાના છે ? જેલમાં જવાથી તમારી ખેતી રઝળશે તે એ નેતાઓ સંભાળવા આવવાના છે ? તમે જેલમાં હો એ દરમિયાન તમારા કુટુંબનું એ ભરણપોષણ કરવાના છે ?

“તમારે જાણવું જોઈએ કે ભોળા ખેડૂતોના છોકરાઓને જેલમાં મોકલવામાં આવે છે. પણ વેપારીઓ, વકીલો અને વિદ્વાનોના છોકરાઓ સરઘસમાં સામેલ થતા નથી. તેનું કોઈ કારણ ? કારણ એ જ કે એ લોકો ભણેલા હોઈ સમજે છે કે આ તો બેવકૂફી છે. આમાં તો ગરીબ, બિચારા, અભણ, ભોળા લોકો નેતાઓનાં જૂઠાણાંમાં ફસાયા છે.”

નરસિંગપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનરનું ‘ફરમાને આમ’ તો તોછડાઈ અને હલકટાઈમાં આને ક્યાંય ચડી જાય છે. જુઓ :

શહેનશાહ પંચમ જ્યૉર્જની જય
ફરમાને આમ
“થોડા મહિના ઉપર પોતાને અસહકારી કહેવડાવનારા ગણ્યાગાંઠ્યા આદમીઓએ એક વાવટો કાઢ્યો. તેને તેઓ જબરદસ્તીથી જ રાષ્ટ્રીય વાવટો કહેવડાવવા લાગ્યા. પણ એ વાવટાને માનનારી જ્યારે કેવળ એક નાનકડી ટોળી જ છે ત્યારે સામાન્ય માણસ પણ સમજી શકશે કે તે રાષ્ટ્રીય વાવટો નથી અને તે રાષ્ટ્રીય વાવટો હોઈ શકતો નથી.
“સરકાર બહાદુર મામૂલી ઝંડાબાજીની બિલકુલ પરવા નથી કરતી. કોઈ પણ પ્રકારનો વાવટો લઈને કોઈ ફરે અથવા પોતાના મકાન ઉપર ચઢાવે તેમાં તે કદી આડે આવી નથી. પણ થોડા વખતથી કેટલાક માણસો અહિંસાને નામે આવા વાવટાને સરઘસમાં લઈ બૂમ પાડતા પાડતા નાગપુર ‘સિવિલ લાઈન્સ’ જ્યાં સરકારી અમલદારો રહે છે અને જ્યાં તેમની ક્લબ પણ છે ત્યાં તેમને તકલીફ આપવાને માટે બળજબરીથી જવા લાગ્યા છે. એવી જ રીતે કોઈ કોઈ વાર હિંદુઓ મુસલમાનોની મસ્જિદની સામે તોફાન કરવા માટે વાજાં વગાડે છે. આવાં અટકચાળાંથી ઝઘડા થવાનો સંભવ રહે છે. ભારે આશ્ચર્યની વાત એ છે કે આવા પ્રકારનાં તોફાનો અને અત્યાચારો