પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
નાગપુર ઝંડા સત્યાગ્રહ

એ લોકો અહિંસા, આઝાદી અને સ્વરાજને નામે કરે છે. આવાં કારસ્તાનો અંગ્રેજી રાજ્યમાં શરૂઆતથી જ ગેરવાજબી ગણાયાં છે અને તેની મના છે. તેથી જ સરકારે એ કામને સિવિલ લાઈન્સમાં થવા દેવાની મના કરી છે. એ લોકો સિવિલ લાઈન્સ છોડીને બીજી કોઈ પણ જગ્યાએ વાવટા લઈ જઈ શકે છે. આ હુકમ થયો એટલે જે કમબખ્તો પોતાને નેતા કહેવડાવે છે અને જે બીજા લોકોને લડાવવામાં અને તોફાન મચાવવામાં જ મશગૂલ રહે છે, તેઓ કોણ જાણે કેવી દગાબાજીથી લોકોને બહેકાવીને એ હુકમ તોડવા માટે નાગપુર મોકલવા લાગ્યા છે.

“એ લોકો પોતાના ભલાભોળા ભાઈઓને ફસાવીને પોતે છેટા રહે છે અને બીજાઓની મદદ લઈને સરકારને સતાવે છે. એ સીધાસાદા લોકોને બિચારાઓને જેલની સજા અને દંડ થાય છે. સૌ ભલા માણસો અફસોસ કરે છે કે આ ગરીબ લોકોને પેલાઓએ શા સારુ ફસાવ્યા ? નરસિંગપુર જિલ્લામાંથી પચીસત્રીસ ગામડિયાઓને આ બદમાશોએ નાગપુર મોકલ્યા. ત્યાં એમને જેલ અને દંડની સજા થઈ અને એમની માલમિલક્ત લિલામ થવાનો વારો આવ્યો. એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હજી બીજા કેટલાક ગામડિયાઓને નાગપુર મોકલવાના છે. હવે સરકાર બહાદુરના હુકમથી ૧૪૩, ૧૧૭, ૧૮૮ અને ૧૨૦ બ કલમ મુજબ પોલીસ તપાસ કરી રહી છે, અને જેમ જેમ એ તપાસમાં માલુમ પડતું જશે તેમ તેમ એ કલમો પ્રમાણે લોકો ગિરફતાર થતા જશે. આયંદા કોઈ પણ શખ્સ ગુનો કરવાના ઇરાદાથી નાગપુર જવાનો હશે અથવા કોઈને પણ નાગપુર મોકલવાની કોશિશ કરતો હશે તેને તુરત જ ગિરફતાર કરવામાં આવશે. પણ સૌએ વિશ્વાસ રાખવો કે સરકારના હુકમોનો અમલ કરતાં અમે આવી રીતે ઠગાયેલા કમભાગીઓ ઉપર પહેલાંની માફક રહેમ રાખીશું અને દયા કરીશું.
“અમને સારી રીતે માલૂમ છે કે નરસિંગપુર જિલ્લામાં આવી બદમાસીથી ફસાનારા આદમી બહુ થોડા છે. પણ અમે જાણીએ છીએ કે ભલાભોળા, નાદાન ગામડિયા લોકો આ બાજીમાં ફસાય છે. એટલે અમે આ જાહેરનામાથી ખરી વાત લોકોને રોશન કરીએ છીએ.
“આયંદા જે લોકો કાનૂનભંગ કરશે તેના ઉપર કાયદેસર કામ ચાલશે પણ જેઓ કાનૂનની અંદર રહીને ચાલશે તેઓ પહેલાની માફક આઝાદ અને બેફિકર રહી શકશે જ. એટલે ભાઈઓ, દંગો અને તોફાનમસ્તી છોડી દો, આફતમાં ન પડો. આપણી સરકાર બહુ મજબૂત છે અને પોતાની પ્રજા ઉપર બહુ મહેર રાખનારી છે. તે હંમેશાં રૈયતના ભલાંને અને આઝાદીનો બંદોબસ્ત કરતી રહી છે. એ સરકારની સાથે લડવું ફોગટ છે. પણ જે કમબખ્ત લોકો ખેાટી રીતે લડશે તેમને નુકસાન પહોંચશે. તેઓ આફતમાં આવી પડશે. માટે સરકારની સાથે હળીમળીને રહો અને આઝાદીની સાથે બેફિકર, ખુશ અને મજામાં રહો.”