પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
સરદાર વલ્લભભાઈ

આવાં ફરમાનોમાં મધ્ય પ્રાંતના ગોરા સિવિલિયન અમલદારના માનસનું પ્રતિબિંબ પડે છે. આવાં જાહેરનામાં અને વર્તમાનપત્રોમાં આવતા ઉશ્કેરનારા લેખો જોઈ સેક્રેટરિયેટમાં કોઈ ડાહ્યા અમલદાર હશે તેને લાગ્યું કે આવો પ્રચાર કરવામાં તો બેવકૂફી થાય છે, સરકારની આબરૂ હલકી પડે છે અને લોકોને ઊલટું ઉત્તેજન મળે છે. એટલે એણે નાગપુરના કમિશનરને ખાનગી કાગળ લખીને ઠપકો આપ્યો. પણ પેલા સાહેબ એવા ઠપકાને ગાંઠે એવા નહોતા.

હવે સરકારી અમલદારોની પ્રવૃત્તિ છોડીને સ્વયંસેવકોની પ્રવૃત્તિ ઉપર આવું. ગુજરાતની પહેલી ટુકડી તા. ૧૧મી જૂને સુરતથી ઊપડી. જમનાલાલજીએ તા. ૧૮મી જૂને ગાંધીજીના કારાવાસ દિને સરકારને મોટો ભોગ ધરાવવાનો વિચાર રાખ્યો હતો અને તે પવિત્ર દિવસે બધા પ્રાંતો પોતપોતાના સત્યાગ્રહીઓનો ફાળો આપે એ હેતુથી દેશની સઘળી પ્રાંતિક સમિતિઓને આમંત્રણ આપ્યું હતું. તે આમંત્રણને માન આપી કર્ણાટકથી એક ટુકડી ડો. હાર્ડિકરની સરદારી નીચે અને તામિલનાડમાંથી શ્રી વરદાચારીની સરદારી નીચે સોળ સૈનિકોની એક ટુકડી નાગપુર પહોંચી હતી. ગુજરાતની ટુકડીમાંથી શ્રી ગોકુળદાસ તલાટી, રવિશંકર મહારાજ અને બીજાઓ મળી કુલ પંદર જણ તા. ૧પમીએ સત્યાગ્રહ કરીને પકડાયા. તેમને દરેકને છ માસની સખત કેદ અને એક માસની સાદી કેદ થઈ.

શ્રી ભક્તિલક્ષ્મીબહેન ખેડાની ટુકડીને વળાવવા નાગપુર સુધી અને ત્યાં પણ જેલના ઝાંપા સુધી ગયાં હતાં. મૅજિસ્ટ્રેટે સજા ફરમાવી ત્યારે એમણે વિનોદ કર્યો કે, ‘દરેકને છ છ લાડુ ખાંડના મળ્યા અને એક એક લાડુ ગોળનો મળ્યો.’ શ્રી ભક્તિલક્ષ્મીબહેનની સાથે ખેડા જિલ્લાની બીજી પણ ત્રણ બહેનો ગઈ હતી. તેમને સત્યાગ્રહ કરી જેલમાં જવાની બહુ હોંશ હતી. પણ જમનાલાલજીએ તેમને મના કરી અને છાવણીનું રસોડું સંભાળવાનું કામ સોંપ્યું.

નાગપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સિવિલ લાઈન્સમાં સરઘસબંધી અને સભાબંધી ફરમાવતો તા. ૧લી મેનો હુકમ બે મહિના માટેનો હોઈ હજી ચાલુ હતો. પણ નાગપુર શહેરમાં સૈનિકો વાવટા લઈને ફરતા તેમને રોકવા માટે તા. ૧૭મી જૂને પહેલા હુકમને બદલે બીજો હુકમ બે મહિનાને માટે કાઢવામાં આવ્યો, જેની રૂએ સરઘસબંધી અને સભાબંધી સિવિલ લાઈન્સ ઉપરાંત નાગપુર શહેરની આખી મ્યુનિસિપલ હદને લાગુ પાડવામાં આવી. તા ૧૮મી જૂને મોટા કાર્યક્રમનો કશો દેખાવ થતો રોકવાનો આમાં ઉદ્દેશ હોવો જોઈએ. તેથી જ જમનાલાલજી તથા ભગવાનદીનજીને તા. ૧૭મીએ સાંજે પકડી લીધા અને મધરાત પછી છાવણીને ઘેરો ઘાલી તા. ૧૮મીએ પરોઢિયે સાડાત્રણ વાગ્યે છાવણીમાં લગભગ અઢીસો જેટલા સૈનિકો હતા તે બધાને પકડી લીધા.