પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
સરદાર વલ્લભભાઈ

ગુનો એ કહેવામાં આવ્યો કે તેઓ સરકારને જબરા પડકાર આપતા હતા. વળી પોતાના ‘તરુણ મહારાષ્ટ્ર’ નામના મરાઠી પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘નાગપુરની લડત પૂરી થયા પછી સરકારના બીજા અન્યાય તરફ સત્યાગ્રહીઓ પોતાનું ધ્યાન ફેરવશે, કારણ સત્યાગ્રહનો મૂળ ઉદ્દેશ જ સ્વરાજ મેળવવામાં પડતાં તમામ વિઘ્નો ટાળવાનો છે.’ છેક તાજેતરના ભાષણમાં તેમણે જાહેર કર્યું છે કે, ‘નાગપુર પછી બંગાળમાં અને મદ્રાસમાં આવી જ ચળવળ ઉપાડવાનો તેમનો વિચાર છે.’ એ યાદીમાં આગળ જણાવ્યું છે કે, ‘સ્વરાજના વાવટાને એ લોકો ખોટી ઉશ્કેરણી કરવાના અને બહારવટું ખેલવાના એક સાધન તરીકે વાપરે છે.’ ઉપસંહારમાં યાદી જણાવે છે કે, ‘સત્યાગ્રહનો ખરો અર્થ તો સત્યનો આગ્રહ રાખવો એવો થાય છે. પણ નાગપુરમાં તો અજ્ઞાન અને અવળે માર્ગે ચઢેલા માણસોના હાથમાં ચોખ્ખું બહારવટું ઉશ્કેરવાનું એ એક ભૂંડું હથિયાર થઈ પડ્યો છે. સેંકડો ગરીબ અને અજ્ઞાન લોકોને, કેટલાકને પૈસાની લાલચ આપીને અને કેટલાકને તેઓ આપભોગ આપે છે એવું અંગત અને સૂક્ષ્મ રીતે સમજાવીને આ બહારવટામાં ભરતી કરવામાં આવ્યા છે.’

આ ખુલાસામાં દલીલને બદલે ગાળો જ દેખાય છે. મધ્ય પ્રાંતના તેમ જ બીજા પ્રાંતના સ્વયંસેવકોની નામાવલિ જોતાં જ તેઓ પૈસાની લાલચથી અથવા બીજી સમજાવટથી કેટલા ભરમાય તેવા હતા તે દેખાઈ આવે છે. તા. ૩જી જુલાઈએ ડૉ. ચંદુભાઈ દેસાઈની સરદારી નીચે ભરૂચ જિલ્લાની ૪૫ સૈનિકોની ટુકડી નાગપુર પહોંચી. શેની નાગપુર પહોંચી ? નાગપુર સ્ટેશન બે ત્રણ માઈલ છેટું રહ્યું ત્યાં અંજની નામના નાનકડા સ્ટેશને કે જેની નજીક જ નાગપુર જેલ આવેલી છે ત્યાં ગાડી થોભાવવામાં આવી. રેલના પાટાની બંને બાજુએ પોલીસ હારબંધ ગોઠવાઈ ગયેલી હતી. પોલીસ ટુકડીના વડાએ આવીને ડૉ. ચંદુભાઈને કહ્યું કે તમને અને તમારી ટુકડીને ગિરફ્તાર કરવામાં આવે છે. ૧૦૯ કલમ મુજબસ્તો. ગાડીમાંથી ઊતરી વરસતે વરસાદે એ ટુકડી કદમજોશ કરતી નાગપુર જેલમાં દાખલ થઈ ગઈ. પછી અમદાવાદથી બે ટુકડીઓ એક દયાશંકર ભટ્ટની સરદારી નીચે અને બીજી પરીક્ષિતલાલની સરદારી નીચે ઊપડી. આ બધી ટુકડીઓને નાગપુર સ્ટેશન પર ઊતરતાં જ ગિરફતાર કરવામાં આવી. આ દરમિયાન એક આંધ્રની, પાંચ બિહારની, બે સિંધની, બે મહારાષ્ટ્રની, એક પંજાબની, એક બંગાળની, બે કર્ણાટકની, બે સંયુક્ત પ્રાંતની, એક નિઝામ હૈદરાબાદની એમ ઉપરાઉપરી ટુકડીઓ પહોંચતી હતી અને ગિરફતાર થતી હતી. મધ્ય પ્રાંતમાં તો નાગપુર સત્યાગ્રહ કરવા જનારને સ્ટેશનેથી જ ટિકિટ ન મળે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને તેઓ પગરસ્તે પણ નાગપુર ન પહોંચી શકે માટે નાગપુર શહેરની