પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
નાગપુર ઝંડા સત્યાગ્રહ


આસપાસના પગરસ્તાઓ ઉપર પોલીસ બેસાડવામાં આવી હતી. અમદાવાદથી સુરેન્દ્રજીની સરદારી નીચે સાત જણની એક ટુકડી પગરસ્તે પ્રયાણ કરતી નીકળી પડી. ડૉ. ધિયાની સરદારી નીચે સમસ્ત ગુજરાતની એક ૪૮ જણની ટુકડી તા. ૩૧મીએ નાગપુર પહોંચી અને પકડાઈ ગઈ. એક વખત તો ફક્ત એક જ માણસ વાવટો લઈને જતો હતો તેને પણ પોલીસે પકડ્યો. મેજિસ્ટ્રેટને વિચાર થઈ પડ્યો કે આને શી રીતે સજા કરવી ? પછી સરઘસની વ્યાખ્યા કરવામાં આવી કે બે માણસ સાથે સાથે અથવા એકની પાછળ બીજો જતો હોય અને બેમાંથી એકના હાથમાં પણ વાવટો હોય તો એ સરઘસ કહેવાય.

હવે જરા જેલમાં ડોકિયું કરીએ. ’૩૦-’૩રમાં અને ’૪રમાં જેઓ જેલ ભોગવી આવ્યા છે તેમને નાગપુર જેલનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. જેલમાં કેદીઓના વર્ગ પાડી નાખવામાં આવતા. કેદી વધારે કામ આપે એવો હોય તે પહેલા વર્ગમાં અને એથી ઓછું કામ આપે એમ હોય તે બીજા વર્ગમાં અને એથીયે ઓછું કામ આપી શકે એવાને ત્રીજા વર્ગમાં રાખતા. રવિશંકર મહારાજ તો પહેલા વર્ગમાં હોય જ. એમને પાકું પચીસ શેર એટલે આપણું સવા મણ દળવાનું આપવામાં આવતું. બીજા વર્ગવાળાને પાકું પંદર શેર એટલે આપણું પોણો મણ દળવાનું હતું. નડિયાદવાળા ગોકળદાસ તલાટી જેવા બીજા વર્ગમાં હતા. ત્રીજા વર્ગવાળાને શણ કૂટવાનું અને એવાં હળવાં ગણાતાં કામ આપવામાં આવતાં. બીજું મુખ્ય કામ પથરા ફોડવાનું હતું. તેના પણ વર્ગ પ્રમાણે જુદાં જુદાં માપ નક્કી કર્યા હતાં. ખાવામાં એક વાર જુવારના રોટલા અને દાળ અને એક વાર જુવારના રોટલા અને ભાજી. દાળમાં દાળ શોધવા ડૂબકી મારવી પડે અને દાળને બદલે ઈયળ જડે. અને ભાજી એટલે છેક ઘરડાં થઈ ગયેલાં કોઈ પણ પાંદડાં. રોટલામાં કાંકરીનો શુમાર નહીં અને કાચા હોય તે જુદું. મોટી તકલીફ પાયખાનાની હતી. હારબંધ પાયખાનાં અને એને બારણાં ન મળે. નિયમ પાંચ મિનિટમાં પતાવી નાખવાનો પણ ત્રણ મિનિટ થાય ત્યારથી વૉર્ડર ઊઠો ઊઠોની બૂમ મારવા માંડે. આ તો ત્યાંના નિયમની વાત થઈ. પણ મોટી પજવણી તો કેદીઓ પાસે માફી મંગાવવા માટે થતા વૉર્ડરના નિષ્ઠુર પ્રયત્નોની હતી. કોઈ કેદી જરાક ઢીલોપોચો જોવામાં આવે કે વૉર્ડરો તેને વળગતા : ‘અબે, માફી શું કામ નથી માગી લેતો ? કાલે મરી જઈશ.’ એમ શરૂ કરીને બિવડાવવાની, પજવવાની, ત્રાસ આપવાની બધી યુક્તિઓ વૉર્ડરો વાપરતા. એમને એવી સૂચનાઓ જ અપાઈ હશે ને ? માફી મંગાવવાના પ્રયત્નમાં તો જેલના દાક્તર પણ સારો ભાગ ભજવતા. એમનામાં દયાનો છાંટો ન હતો. ગમે તે બીમારી હોય પણ એક જ શીશીમાંથી તે દવા પાતા. અને કોઈ પોતાની બીમારીની વાત કરવા