પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
સરદાર વલ્લભભાઈ

રાગનું વાજું લાગે છે, ત્યાં નાગપુરનો અવાજ કોણ સાંભળવા દે છે. તમામ અંગ્રેજી છાપાં તો વિરુદ્ધ અગર બેપરવા થઈ બેઠેલાં છે. આગેવાનો પોતપોતાના વિચારના મમતે ચઢેલા છે. સરકારની આ પ્રાંતમાં કડકાઈ ખૂબ છે. સ્થાનિક કાર્યવાહકો બધા જ પકડાઈ ગયા છે. અહીંની પ્રાંતિક સમિતિ તો પ્રથમથી જ અલગ રહેલી છે. આ સંજોગોમાં લડત લડવાની છે. દાસબાબુ વિરુદ્ધ થઈ બેઠેલા છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી તા. ૨૮મીએ રાખેલી તે મુંબઈથી વિઝાગાપટ્ટમ ઘસડી ગયા. તારીખ પણ ફેરવી નાખી. વળી પાછી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી રાખી; બધાને ત્યાં લાવવાનું કર્યું. આટલી બધી મુશ્કેલીઓ છતાં પાછું નાગપુર તરફ સૌનું લક્ષ ખેંચાય તેમ કરવાનું રહ્યું. સરકારને ખબર પડી ગઈ છે કે પાછું સળગ્યું. માણસો ગોઠવણ પ્રમાણે ખૂબ આવવા લાગ્યા છે. ત્રીજી તારીખે સી. પી. સરકારની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ છે, અને છઠ્ઠીએ ધારાસભા છે. ધારાસભામાં આ સવાલ ચર્ચાવાનો તો છે જ, પણ કાંઈ ઉકાળી શકે એમ નથી. માત્ર સરકારને આપણી સામે બખાળા કાઢવાની તક મળશે. છતાં તે વખતે સરકારનો ઈરાદો જાણવાની આપણને પણ તક મળશે. ધારાસભાની બેઠક પહેલાં લડત ખતમ કરવાની જે ઉમેદ રાખતા હતા તેમાં તે ફાવ્યા નથી. આ બધું કાંઈ છાપી મારવાનું નથી. . .

“આવતી અઢારમીને માટે એક સારી ટુકડી તૈયાર કરવાની છે. કેટલા મોકલવા એ પછી લખીશ. સુરતથી ચિનાઈ તો તૈયાર જ છે. એ આગેવાન થઈ શકે છે. સુરતમાં બીજા ૨૦-૨૫ સૈનિકો પણ છે. બીજા મેળવવા તજવીજ કરવાની છે.
“પૈસાને માટે એક બે અંકમાં હજી અપીલ કરવાની છે. સરસ અપીલ છાપીને મૂકજો. સૈનિકોની માગણી કર્યા કરજો.
“મને હજી પકડે એમ લાગતું નથી. પહેલાં તો ખાસ કારણ નહોતું. હવે જાગતું થયું છે, એટલે વિચાર કરશે. પણ ધારાસભા પૂરી થતાં સુધી તો કાંઈ નહી કરે એમ માનું છું. . . .
“દેવદાસને કેવળ છાપખાનામાં પૂરી મૂક્વાનું ન કરશો. થોડો થોડો બહાર ફેરવો. ગુજરાતને હજી એનું એાળખાણ નથી થયું. તક જ મળી નથી. જેલમાં ચંદુભાઈ અને પંડ્યાને મળ્યો. બંનેને સામાન્ય કેદીની માફક જ રાખ્યા છે. તેમની પાસે છાપખાનાનું કામ લે છે. આનંદમાં છે. અમલદારની પ્રીતિ સંપાદન કરી છે. તબિયત મઝામાં છે.
“દેવદાસ અને તમે ઘેર જતા રહેજો. છોકરાંને સૂનું ન લાગે તે જોશો. મણિબહેન કેમ રોઈ એ હું સમજતો નથી. હવે તો રોવાનું હોય જ નહીં. એનામાં તો ખૂબ હિંમત છે. મધ્ય પ્રાંતમાં લોકોને જેલમાં જવાની સલાહ આપી, પછી રોવાય જ કેમ ?