પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
નાગપુર ઝંડા સત્યાગ્રહ


જ પહેલા પકડવામાં આવશે. ધારાસભાની બેઠક પૂરી થયા પછી શ્રી વિઠ્ઠલભાઈને લાગ્યું કે હવે ત્યાં વધુ રોકાવાથી એમની સ્થિતિ કફોડી થશે અને પોતે કાંઈ કરી શકશે નહીં. એટલે ગવર્નરની સાથે મુલાકાત થઈ ગયા પછી તેમણે મુંબઈ પાછા જવાનો નિર્ણય કર્યો.

બીજી બાજુ, ધારાસભામાં જે ભાષણો થયાં હતાં તેમાં સત્યાગ્રહની લડતને ખોટા રૂપમાં વર્ણવવામાં આવી હતી અને લોકોમાં ગેરસમજૂતી થાય એવો પ્રચાર સરકાર તરફથી કરવામાં આવતો હતો. એટલે કૉંગ્રેસની નીતિ સાફ કરવાને ખાતર કારોબારી સાથે મસલત કરીને નવો હુકમ બહાર પડે તે પહેલાં સરદારે નીચે પ્રમાણે નિવેદન તા. ૧૬ મીએ બહાર પાડ્યું :

“સરઘસબંધીનો હુકમ આવતી કાલ, તા. ૧૭મીએ ખલાસ થાય છે. તા. ૧૭મીએ હમેશની માફક ત્રણ જણની ટુકડી નહીં જતાં પાંચ જણાનું સરઘસ સિવિલ લાઈન્સમાંથી થઈને સદર બજાર જવા નીકળશે. રસ્તો, વખત અને બીજી બધી સૂચનાઓ સ્વયંસેવકોને જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં બતાવેલાં છે. સ્વયંસેવકોને જો સત્તાવાળા રોકશે તો લડતનું નવું પાસું શરૂ થવાનું. પ્રજાને મારી વિનંતી છે કે કોઈએ અધીરા ન થવું, શું થાય છે તે જોવું. દરમિયાન, કેટલેક ઠેકાણે — સરકારના મનમાં પણ — કૉંગ્રેસના ધોરણ વિષે જે ખોટા ખ્યાલ અને ગેરસમજો ઊભાં કરવામાં આવ્યાં છે તેનો, કૉંગ્રેસની કારોબારી સમિતિએ મને આપેલી સત્તાની રૂએ હું ખુલાસો કરવા ઇચ્છું છું.
“ખુદ મધ્ય પ્રાંતના ના○ ગવર્નર સાહેબ જેવા માણસે આપણ અસહકારીઓ ઉપર એવું આળ ચઢાવેલું છે કે આપણે ગમે તે જાહેર રાહદારીના રસ્તાઓને કોઈ પણ જાતના અંકુશ વગર આપણાં સરઘસ માટે વાપરવાના, કોઈ પણ સુધરેલા દેશમાં નહી સાંભળેલા એવા, હકનો દાવો કરીએ છીએ. કારોબારી સમિતિએ મને જાહેર કરવાનો હુકમ કર્યો છે કે એવું કશું નથી. રાહદારી અને સરઘસોને માટે કોઈ કાયદાની ખરેખરી જરૂર હોવા વિષે માણસ ઘડી માટે ઇનકાર ન કરી શકે. પણ નાગપુર સત્યાગ્રહની લડત વિષે હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે તે તો ગેરવાજબી બંધીઓ અને કાયદાના વ્યભિચારથી અંતરાતા અમારા જન્મસિદ્ધ હક્કનું રક્ષણ કરવા ખાતર જ શરૂ કરવામાં આવી છે. વિશેષમાં કારોબારી સમિતિએ મને એમ સ્પષ્ટ કરવાનું પણ કહ્યું છે કે સરઘસોના યોજકોનો ઇરાદો પ્રજાના કોઈ પણ વર્ગને તકલીફ આપવાનો છે જ નહી. આ બાબત અનેક જવાબદાર નેતાઓએ પોતાનાં ભાષણો અને લખાણોમાં સ્પષ્ટ કરેલી છે. નાગપુર ઝંડા સત્યાગ્રહ સમિતિએ પણ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો તે અગાઉ એપ્રિલ માસમાં પોતાની પહેલી જ પત્રિકા છપાવીને નાગપુરમાં છૂટથી વહેંચાવેલી તેમાં એ બાબત સ્પષ્ટપણે નમૂદ કરેલી છે. રાષ્ટ્રીય ઝંડાનાં સરઘસો યુનિયન જૅકનું અપમાન કરવાના આશયથી કાઢવામાં આવે છે