પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સરદાર વલ્લભભાઈ


એટલા માટે દાદીમા અહીં સુધી મૂકી જતાં.” અંગ્રેજી ચોથી અને પાંચમી પેટલાદમાં પૂરી કરી. પેટલાદના જ વતની તેમના એક સહાધ્યાયી કહે છે કે, શિક્ષકોના ચાળા પાડવામાં અને ટીખળ કરવામાં તથા શિક્ષકોનાં નામ પાડવામાં તે આગળપડતો ભાગ લેતા. તે ઉપરાંત પેટલાદનાં બે વરસમાં કોઈ નોંધવા જેવી હકીકત મળી નથી.

પેટલાદથી છઠ્ઠા ધોરણમાં નડિયાદ ગયા. મૅટ્રિકમાં એક વરસ નપાસ થયેલા એટલે મેટ્રિક થતાં સુધી ત્રણ વરસ થયેલાં. વચમાં મૅટ્રિક ક્લાસમાં હતા ત્યારે બેએક મહિના વડોદરા હાઈસ્કૂલમાં જઈ આવેલા. સને ૧૮૯૭માં લગભગ બાવીસ વરસની ઉંમરે મેટ્રિક પાસ થયા.

નડિયાદમાં મોસાળ હતું છતાં સ્વતંત્ર રહેવાની ખાતર તેમણે એક બોર્ડિંગ કાઢેલી અને તેમાં રહેતા. નડિયાદની હાઈસ્કૂલમાં એમનું અંગ્રેજી સારું ગણાતું. અંગ્રેજી ચોપડીઓ વાંચવાનો અને તેમાંથી ફકરા મોઢે કરવાનો પણ શોખ હતો. અને વિદ્યાર્થીઓની સભાઓ કરી તેમાં અંગ્રેજીમાં ભાષણ કરતા એમ એમના સહાધ્યાયીઓ કહે છે. નડિયાદથી વડોદરા જવાનું મુખ્ય કારણ ત્યાં અંગ્રેજી વધારે સારું શીખવાય છે એમ સાંભળેલું, એ હતું. આમ હાઈસ્કૂલમાં હતા ત્યારે અંગ્રેજીનો શોખ હોય એમ દેખાય છે પણ કામ પૂરતો અંગ્રેજીનો ઉપયોગ કરવા ઉપરાંત તેમણે કોઈ દિવસ પોતાની અંગ્રેજી ભાષા કેળવવા વિશેષ પ્રયત્ન પાછળથી કર્યો નથી.

નડિયાદ અને વડોદરાનાં આ ત્રણ વર્ષો વિદ્યાર્થીને માટે યાદગાર કહેવાય એવી ઘટનાઓથી ભરેલાં છે. એ ઘટનાઓ આપણને ભાવિ વીર યોદ્ધાનાં દર્શન કરાવે છે.

નડિયાદની હાઈસ્કૂલમાં સરદાર વિદ્યાર્થીઓના સેનાપતિ બનેલા. છઠ્ઠા ધોરણમાં એક પારસી માસ્તર બહુ કડક હતા. નેતરની સોટીનો છુટથી ઉપયોગ કરતા. એક દિવસ એક છોકરાને દંડ કર્યો અને એ દંડ ન લાવ્યો એટલે એને વર્ગ બહાર કાઢ્યો. વિદ્યાર્થી વલ્લભભાઈને થયું કે આનો કાંઈ ઇલાજ કરવો જ જોઈએ. પોતાનો વર્ગ તો તેમણે તરત ખાલી કરાવ્યો જ પણ બપોરની રજામાં આખી શાળાના છોકરાઓને એકઠા કરી હડતાલ પડાવી અને કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય એટલા માટે બરાબર ચોકી ગોઠવી. વિદ્યાર્થીઓને બેસવા માટે એક ધર્મશાળામાં ગોઠવણ કરી, ત્યાં પીવાના પાણી વગેરેની વ્યવસ્થા રાખી. હડતાલ ત્રણ દિવસ ચાલી. શાળાના હેડમાસ્તર બહુ કુનેહવાળા હતા. તેમણે સરદારને બેસાડીને સમજાવ્યા અને કોઈ વિદ્યાર્થીને ખાટી રીતે અથવા વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં થાય એમ કહી સમાધાન કરાવ્યું.