પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
સરદાર વલ્લભભાઈ


પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો આ હુકમ નીકળવાનું કારણ તો પાછળથી માલૂમ પડ્યું. પેલા નાગપુરના કમિશનરની આંખમાં ધૂળ નાખી સમાધાનીની બધી વાત એનાથી છૂપી રાખવાનો ગવર્નર અને ગૃહમંત્રીનો પેચ હતો. કમિશનર, પોતે જેમને બળવાખોરો માનતો હતો તેમની સાથે સમાધાન કરવાનો સખત વિરોધી હતો. સિવિલ લાઈન્સમાંથી સરઘસ પસાર થાય તો તેનો બંગલો રસ્તામાં આવતો જ હતો. અને તે વખતે સરઘસ ઉપર પોતે ગોળી ચલાવશે એવી ખુલ્લી ધમકી તેણે ઘણી વાર આપી હતી. તા. ૧૮મીનું સરઘસ નીકળ્યું ત્યારે કેટલાક અમલદારો એને સિવિલ લાઈન્સને બીજે છેડે જ્યાં ગોરાઓની ક્લબ હતી ત્યાં લઈ ગયા અને સરઘસ સિવિલ લાઈન્સમાંથી પસાર થઈ ગયું ત્યાં સુધી અગાઉથી ગોઠવ્યા પ્રમાણે તેને રમતમાં રોકી રાખ્યો.

નક્કી કર્યા પ્રમાણે બપોરના બાર વાગ્યે સો સ્વયંસેવકો સ્થાનિક નેતા પં○ માખનલાલ ચાતુર્વેદીની સરદારી નીચે રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા. નિયમિત અંતરે અને ગંભીર અવાજે મહાત્મા ગાંધીજી કી જય અને બીજાં રાષ્ટ્રીય સૂત્રો તેઓ પુકારતા ચાલતા હતા.

રેલવે પુલ જેને આ લડતને કારણે ઝંડા પુલ કહેવામાં આવતો અને જ્યાં પહોંચતાં જ સ્વયંસેવકોને પકડવામાં આવતા ત્યાં પોલીસની ટુકડી સજ્જ થઈ ને ઊભી હતી. પણ તેમણે કાંઈ કર્યું નહીં. ઝંડા ચોક જ્યાં અનેક સ્વયંસેવકોનાં બલિ ચઢ્યાં હતાં તે આવ્યો. તેમાં પણ પોલીસની ટુકડી ઊભી હતી. ત્યાંથી પણ સરઘસ પસાર થઈ આગળ ચાલ્યું.

આખે રસ્તે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઘોડેસવાર ટુકડી સાથે સરઘસની સાથે ચાલતો હતો. રસ્તાની બંને બાજુ પોલીસની હારો ગોઠવવામાં આવી હતી. તેમની વચ્ચે થઈને જયજયકારના પુકાર કરતું ઝંડા સરઘસ પત્રિકામાં સૂચવેલે રસ્તે થઈ સદર બજાર પહોંચી ગયું. વચમાં ખ્રિસ્તી દેવળ આવ્યું ત્યાં આગળ સ્વયંસેવકો એ પૂરેપૂરા ગાંભીર્ય સાથે શાંતિ રાખી. સદર બજારમાં સરઘસ વિસર્જન કરવામાં આવ્યું.

રાત્રે ટાઉન હૉલના મેદાનમાં પં○ માખનલાલના પ્રમુખપણા નીચે જાહેરસભા થઈ. તેમાં પોતાની તબિયત ઠીક નહીં હોવાથી બહુ ટૂંકું ભાષણ આપતાં સરદારે જાહેર કર્યુ કે :

“રાષ્ટ્રીય ધ્વજની પ્રતિષ્ઠા આખરે કબૂલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ ઉપરથી શાન્તિપૂર્વક અને વ્યવસ્થિત રીતે રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ લઈ જવાનો આપણો હક્ક આપણને પાછો પ્રાપ્ત થયો છે. આને હું સત્ય, અહિંસા અને તપનો વિજય માનું છું. એટલે ઈશ્વરકૃપાથી હવે હું જાહેર કરી શકું છું કે, નાગપુર સત્યાગ્રહના આજના પુણ્ય દિવસે, મહાત્મા ગાંધીજીના