પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
સરદાર વલ્લભભાઈ

પછી અને અસહકારીઓ ખુલ્લી બડાશો હાંકતા હતા છતાં, કૉંગ્રેસની કારોબારી સમિતિએ લડત ચલાવવા માટે નાગપુર મોકલેલા માણસને તે મળવા માટે બોલાવી જ કેમ શકે ? અને મિ. વિઠ્ઠલભાઈ પટેલ તો એમના સત્યાગ્રહનો વિજય થયો છે અને એક અઠવાડિયામાં કેદીઓ છૂટી જશે એવી મુંબઈમાં વાતો કરે છે. જે ચળવળ ખુલ્લી રીતે ક્રાંતિકારી છે, તેમાં સક્રિય ભાગ લેવાના ગુના બદલ જેમને ફોજદારી અદાલતોમાં સજા થઈ છે તેમને બધાને એક સામટા છોડી મૂકવામાં આવે તો તો પ્રાંતિક સરકાર કફોડી સ્થિતિ ઊભી કરે, અસહકારીઓને એમની ચળવળમાં ઉત્તેજન મળે અને કાયદાને માન આપનારા લોકો નાસીપાસ થાય. સરકાર પોતાનો લખેલો કે બોલેલો શબ્દ પાળે, દેશમાં બરાબર બંદોબસ્ત રાખે અને ઈન્સાફ ટકાવી રાખે એટલી સરકાર પાસે અપેક્ષા રાખવાનો તેમને હક છે.’

આ તરફ લડતનો વિજય જાહેર થયા પછી નાગપુરની જેલમાં જુદા જુદા પ્રાંતના લગભગ બે હજાર સત્યાગ્રહીઓ કેદમાં પડેલા હતા તેમના છૂટવાની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો. નાગપુરના લોકો જેલને દરવાજે આંટા મારવા લાગ્યા હતા. શહેરમાં સત્યાગ્રહીઓના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. ગૃહમંત્રીએ સરદારને કહેલું કે કેદીઓ છૂટતાં બે ત્રણ દિવસ લાગશે, કારણ હિંદી સરકારની મંજૂરી આવતાં એટલો વખત લાગે, એટલે સરદાર એ આશામાં હતા. એટલામાં તો તા. ૨૧મીએ સવારે ગૃહમંત્રી સરદાર પાસે ગવર્નરનો કાગળ લઈને આવ્યા. તેમાં વિઠ્ઠલભાઈએ મુંબઈમાં કરેલા ભાષણથી ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિની જવાબદારી સરદાર ઉપર મૂકવામાં આવી હતી. વિઠ્ઠલભાઈ મુંબઈના ભાષણમાં બોલેલા કે આપણો વિજય થયો છે અને કેદીઓ બે ત્રણ દિવસમાં છૂટી જશે. આ ભાષણથી પેલો કમિશનર ખૂબ છંછોડાયેલો અને એની ઉશ્કેરણીથી સિવિલિયન અમલદારોનું આખું મંડળ મધ્ય પ્રાંતની સરકારની સામે થયેલું અને તેઓએ કેદીઓને છોડવાનો વિરોધ કરેલો. ગવર્નરના કાગળનો સરદારે લાગલો જ જવાબ આપ્યો કે, શ્રી વિઠ્ઠલભાઈને સત્યાગ્રહની લડત સાથે કશો સંબંધ નહોતો. એ તો સ્વરાજ પક્ષના એક નેતા તરીકે ધારાસભાની મારફત પોતાનું કામ કરવા અહીં આવ્યા હતા. એટલે એમના કોઈ ભાષણ, નિવેદન કે કાર્ય માટે અમારી કશી જવાબદારી નથી એ વાત મેં તો પહેલેથી જ સ્પષ્ટ કરી હતી. વળી સરકાર સાથે થયેલી સમજૂતીની વિઠ્ઠલભાઈને જાણ કરવા માટે પણ ગૃહમંત્રી પોતે જ જવાબદાર છે. આ ઉપરાંત સત્યાગ્રહની હાર થયાનો, સત્યાગ્રહીઓ બિનશરતે શરણ થયાનો, પરવાનગી માગી તેમણે છૂપું છૂપું સરઘસ કાઢ્યાનો અને સરકારની દમનનીતિનો વિજય થયાનો એક લાંબો લેખ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રસિદ્ધ થયેલ છે તેની જવાબદારી તો