પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
નાગપુર ઝંડા સત્યાગ્રહ


સરકારની જ છે. સરદારનો આ કડક જવાબ અને ‘ટાઈમ્સ’નો લેખ જોઈ ગવર્નર અને ગૃહમંત્રી ઠંડાગાર થઈ ગયા અને કેદીઓને તાકીદે છોડવા માટે હિંદી સરકાર ઉપર તેમણે દબાણ કરવા માંડ્યું. બીજી તરફથી સિવિલિયન અમલદારોનું મંડળ ઠેઠ સેક્રેટરી ઑફ સ્ટેટ સુધી પહોંચ્યું. આ તકરારમાં અઠવાડિયું થઈ ગયું. પણ કેદીઓ ન છૂટ્યા એટલે દેશી છાપાંઓ સરદાર ઉપર ઊતરી પડ્યાં કે અસહકારી થઈને તેમણે ગવર્નરની મુલાકાત માગી, તેની સાથે વાટાઘાટો કરી અને જેને માટે આટલા દિવસ લડત ચલાવી, આટલા લોકોએ કષ્ટ વેઠ્યાં તે રાષ્ટ્રધ્વજના સરઘસ માટે છેવટે પોલીસ અધિકારીની પરવાનગી માગી. એમ કરીને તેમણે સિદ્ધાંતની માંડવાળ કરી છે અને કૉંગ્રેસની આબરૂ હલકી પાડી છે. સ્વરાજ પક્ષના મોટા મોટા નેતાઓ પણ લગભગ આવી જ ટીકા કરવા લાગ્યા.

ચોમેરના આ વંટોળમાં સરદાર કેવું સમતોલપણું જાળવી રહ્યા હતા તે તેમના તા. ૧-૯-’૨૩ના રોજ નાગપુરથી મહાદેવભાઈને લખેલા ખાનગી કાગળમાંથી દેખાય છે :

“પ્રિય ભાઈ મહાદેવ,
“હું ભારે લડતમાં રોકાઈ ગયો છું. આપણી જીતની મહત્તા લડતની ભીતરમાં ન હોય તેને સમજાય એવી નથી. હું હમણાં મોં પર તાળું લગાવી બેઠો છું. સરકાર મૂંઝાઈ ગઈ છે. એક અક્ષર બોલતી નથી. ‘પાયોનિયર’ની એક કોપી તમને જોવા મોકલું છું. તમારે ત્યાં ‘ટાઈમ્સ’ના લીડરને રડે છે, પણ એ બધું ખોટું છે. ખરી વાત વખત આવ્યે જ કહેવાય. પણ આપણા લોકોને અધીરાઈ અને અવિશ્વાસ બહુ છે. . . . મેં મારું સ્ટેટમેન્ટ બહાર પાડી આપણી ફતેહ જાહેર કરી, ત્યાર પછી સરકારનો બોલવાનો ધર્મ રહ્યો. પણ તેનાથી બોલાતું નથી. ‘પાયોનિયર’નો રોષ તમે જોઈ લેશો. મને લાગે છે કે વિઠ્ઠલભાઈએ કાચું કાપ્યું. એ મુંબઈમાં જે બોલી પડ્યા તેનાથી સિવિલ સર્વિસમાં ખૂબ તરખાટ થયો છે.
“અહીંના કમિશનરને મેં ખૂબ સકંચામાં લીધો છે. એના તરફ અહીંના ઘણા સિવિલિયનો છે. સિવિલ સર્વિસની એક ક્લબ છે, તે આખી સરકારની વિરુદ્ધ થઈ ગઈ છે. એમને આ કામમાં સરકારની પૂરેપૂરી હાર દેખાઈ ગઈ છે. તેઓ કેદીઓને છોડવાની વિરુદ્ધ પડ્યા હોય એમ જણાય છે. અહીંં તો કાંઈ વિરોધ ચાલ્યો નથી. પણ ઇન્ડિયા સરકારે માથું મારીને મામલો હાથમાં લીધેલ છે. બધો કેસ ત્યાં ગયો છે. બહારની આપણી લડત કરતાં અંદરની એમની આ લડતનો રંગ જોઈને મને ખૂબ રસ આવે છે.
‘કેસરી’ અને ‘મરાઠા’ મારા ઉપર ગાળોનો વરસાદ વરસાવી રહ્યાં છે. છતાં હું મૂંગો બેઠો છું. જ્યાં સુધી આપણા કેદી છૂટે નહીં ત્યાં સુધી બોલવાનો નથી. અહીં કેટલા દિવસ થશે એ કહેવું મુશ્કેલ છે.