પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
નાગપુર ઝંડા સત્યાગ્રહ


તા. ૩જી સપ્ટેમ્બરે કૃષ્ણજન્માષ્ટમીને દિવસે તમામ સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. તેઓ રાષ્ટ્રધ્વજ સાથે સિવિલ લાઈન્સના બધા વિસ્તારમાં સરઘસમા ફર્યા. સાંજે નાગપુરમાં મોટી જાહેરસભા થઈ તેમાં સરદારે પોતાનું ભાષણ લેખી નિવેદનના રૂપમાં વાંચી સંભળાવ્યું, તેમાં સત્યાગ્રહના સિદ્ધાંતોનું નિર્મળ નિરૂપણ કર્યું, પોતા ઉપર થતી ટીકાઓના ખુલાસા આપ્યા અને લડતનો માન ભર્યો અંત આણવાની નાગપુર સરકારની ઈચ્છાની પણ કદર કરી. સત્યાગ્રહી લડતનો અભ્યાસ કરવા ઇચ્છનારાઓએ આખું ભાષણ તેમનાં ભાષણોના પુસ્તકમાંથી વાંચી જવા જેવું છે.[૧] અહીં તો તેમાંથી કેટલાક ઉતારા જ આપીશું :

“મનાઈ કરેલા વિરતારમાંથી સરઘસ પસાર થઈ ગયું અને લડતમાં જીત થયાનું જાહેર કરવામાં આવ્યું કે તરત આખો દેશ અને ખાસ કરીને ઍંગ્લો ઇન્ડિયન પત્રો હરેક પ્રકારના જૂઠ, બુદ્ધિભેદ કરનારા અને કપટી હેવાલોથી ઊભરાઈ ચાલ્યાં. દેશી છાપાંઓમાં મધ્ય પ્રાંતના ના○ ગવર્નર સાથેની અમારી મુલાકાત સંબંધી ટીકા પણ કરવામાં આવી છે. આ મુલાકાત શી રીતે થવા પામી તેમાં મને પોતાને ઓછું જ મહત્ત્વ દેખાય છે. અસહકારીઓ બાહ્યાચારને વળગી રહેનારા છે એવી જે સામાન્ય માન્યતા છે તે પાયા વગરની છે. હું પોતે તે શિષ્ટાચારી આમંત્રણની રાહ પણ ન જોઉં, જો પરસ્પર સમજૂતીની સાચી ઇચ્છા સામા પક્ષમાં જોઉં તો. પણ છૂટછાટ મૂક્યાના કે કોલકરાર થયાના જે હેવાલો ને અફવાઓ ફેલાયાં છે તેનો આજે હું આ સ્થાનેથી, ચોક્કસ શબ્દોમાં ઇન્કાર કરું છું. એવા હેવાલમાં બિલકુલ સત્ય નથી. અમે સરકાર સાથે કશી બાંધછોડ નથી કરી, કશો કોલકરાર નથી કર્યો, તેમ કશી બાંધણી પણ આપી નથી. ગવર્નર સાથે મુલાકાત તા. ૧૩મી ઑગસ્ટના રોજ થયેલી. એકબીજાના મુદ્દાઓ એકબીજાને રૂબરૂ કહેવાની એનાથી અમને તક મળી એટલું જ.”

પરવાનગી માગવાના આક્ષેપનો નીચે પ્રમાણે ખુલાસો કર્યો :

“સાધારણ સંજોગોમાં સરઘસ માટે પરવાનગી માંગવામાં બાધ ન હોય. તેમ કરવાની કૉંગ્રેસની બંધી નથી. પણ આટલી હદે લડત ચડ્યા પછી પરવાનગી માગવા જવું મારે માટે અશક્ય હતું. સરકાર તલવારની ધારે આપણી પાસે અરજી કરાવવા મથતી હોય ત્યારે જો હું અરજી કરું તો કૉંગ્રેસનું નાક જાય. . . . ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના હુકમની વિરુદ્ધ ૧૮મી તારીખે મેં કેવી યોજના ઘડી છે તેની મેં એમને ખબર આપી. તેની અંદર એવું કશું જ નથી જેથી એ ખબરને પરવાનગી માગવાની
  1. ✽ ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’, કિં. રૂ. ૫-૦-૦, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.