પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
સરદાર વલ્લભભાઈ


પાસે સૈનિકો નહોતા તેથી નહીં. મારી પાસે તો છેલ્લે દિવસે પણ ૧૪૮ સૈનિકો હતા. વધારેને આવતા અટકાવવાનો મારે પ્રયત્ન કરવા પડતો, છતાં રોજ ને રાજ માણસો આવતા ને સ્ટેશન પર પકડાતા. મને પકડે તોપણ, પંદર હજાર માણસો આવ્યે જાય એમ હતું તે સરકાર જાણતી હતી. એટલે મારે લડત સંકેલવાનું કોઈ કારણ નહોતું.

“ખ્રિસ્તી લોકોના દેવળ આગળ શાન્તિ જાળવવી અને અંગ્રેજ લોકોના ધર આગળ જઈને રાડો ન પાડવી એવી સૂચના સ્વયંસેવકોને આપવામાં મેં સભ્યતાને અનુસરીને કામ કર્યું છે. આપણે અંગ્રેજોને બતાવવું હતું કે તમારી વાજબી લાગણીઓની આડે આવવા અમે નથી માગતા. સરકારનું અસત્ય હતું તેટલાનો આપણે વિરોધ કર્યો. પણ સરકારી મકાન પર ઝંડો ફરકાવવાનો આપણો ઇરાદો હોય તો હું કહું છું કે આપણે હારી ગયા.
“જેમની લડવાની રીત જુદી છે તેમને આમાં ભૂલ જણાય. હું તો ખેડાની લડતમાં નવ મહિના મહાત્માજીની સાથે હતો. તેઓ કાંઈ પણ પગલું ભરતાં પહેલાં સરકારને ખબર આપતા અને પછી પગલું ભરતા. હું જો પહેલેથી નાગપુરમાં હોત તો જરૂર અરજી કરીને પરવાનગી માગત. પણ સરકાર ના જ પાડત એનો ચોક્કસ પુરાવો મારી પાસે છે. છઠ્ઠી એપ્રિલે જબલપુરમાં સુંદરલાલને સિવિલ લાઈન્સમાં પરવાનગી વિના જતા રોક્યા ત્યારે તેમણે તરત જ અરજી લખી આપેલી. પણ તેમને ના પાડવામાં આવેલી. નાગપુરમાં તો પરવાનગીની વાત પાછળથી આવી. પહેલાં તો એક માણસ — એક બાઈ પણ — વાવટો લઈને ન જઈ શકતું. સરકારનો હુકમ કાયમ રહ્યો તેના છેલ્લા દિવસ અને છેલ્લી મિનિટ સુધી હું એની સામે લડ્યો. પણ જ્યારે મૅજિસ્ટ્રેટ ઘરમાં પેસી ગયા અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આગળ આવ્યા ત્યારે તેમને મેં જણાવ્યું કે તમારી સાથે હવે આ રીતે લડશું. આટલા હજાર સૈનિકોને છોડ્યા પણ એકને પણ એમ કહેવાની હિંમત સરકારની નથી ચાલી કે હવે આવું ન કરશો. સરકાર જાણે છે અને દુનિયા જાણે છે કે આ લોકો ફરી આમ ને આમ જ કરવાના છે.”

સરદારની ઉપરની ચોખવટથી જેઓ સમજવા ઇચ્છતા હતા તેઓ તો આખી પરિસ્થિતિ સમજ્યા અને તેમને સંતોષ થયો; પણ મધ્ય પ્રાંતના ગોરા સિવિલિયનો ખૂબ છંછેડાયા. આમે ગવર્નર અને હોમ મેમ્બરે લીધેલા વલણથી તેઓ ઊકળી રહેલા તો હતા જ. એટલે તેમણે સેક્રેટેરિયેટમાં દબાણ કરીને ચીફ સેક્રેટરી પાસે એક યાદી બહાર પડાવી અને તે યાદી પ્રમાણે પાલિટિકલ ડિપાર્ટમેન્ટના સરકારી ઠરાવ તા. ૮-૯-’૨૩ના રોજ પ્રસિદ્ધ કરાવ્યો. સેક્રેટેરિયેટમાં આ કારસ્તાનો ચાલતાં હતાં એટલે હોમ મેમ્બરે પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરવા શ્રી વિઠ્ઠલભાઈની સાથે મળીને બંનેનું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. એ નિવેદન બરાબર હતું અને સરદારને એની સામે લવલેશ પણ