પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


કમિટીએ તપાસ એ કરવાની હતી કે આ બહારવટિયા કોણ છે ? તેઓ શું કામ બહારવટે નીકળ્યા છે ? તેઓ કેવા ગુના કરે છે ? પોલીસ તેમને કેમ પકડી શકતી નથી ? લોકોનું પોલીસ કેમ રક્ષણ કરતી નથી ? સરકાર બધો દોષ રૈયતને માથે કેમ ઓઢાડે છે ? લોકોને આ સજા-પોલીસ સામે કેટલો વિરેાધ છે ? લોકો દંડ ભરવા રાજી છે કે કેમ ?

લોકોની કેફિયત લઈ આ બધા મુદ્દા ઉપર વિગતોથી ભરપૂર રિપોર્ટ કમિટીએ રજૂ કર્યો. તેનો સાર નીચે મુજબ છે :

બાબર દેવા નામનો પાટણવાડિયો ગોળેલ ગામનો વતની હતો. ગુનાખોર કોમને લગતા કાયદા (ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ) મુજબ તેને સવાર તથા સાંજ બે વખત પોલીસ આગળ હાજરી ભરવાની હતી. તેમાં કોઈ કારણસર એક દિવસ તેનું મીંડું પડ્યું અને તે બદલ છ માસ જેલમાં જવાનો પ્રસંગ ઊભો થયો. એટલે તે છટક્યો અને નાની નાની ચોરી કરતાં તેણે રખડતા ફરવા માંડ્યું. પોલીસે ગામલોકો ઉપર તેને પકડી આપવાનું દબાણ કરવા માંડ્યું. એક માણસ એની માને રોજ કહેવા લાગ્યો કે બાબર પકડાય તો આખા ગામ ઉપરથી ત્રાસ જાય. માએ છોકરાને આ બધી હકીકત કહી એટલે બાબરે જવાબ આપ્યો કે કાલે હું ઘેર રહીશ. પેલો માણસ તે દિવસે પણ આવ્યો એટલે બાબરે એનું નાક કાપી લીધું અને પોતે નાઠો. ત્યારથી એ બહારવટિયો બન્યો અને લૂંટ કરવા માંડી. પછી તો એ ઘોડી, બંદૂક વગેરે રાખતો થયો અને મોટી ટોળી જમાવી. તેણે કુલ પચીસેક ખૂન કરેલાં. લૂંટ કરવા માટે તો એને મારઝૂડ કે ખૂન કરવાના પ્રસંગ ક્વચિત જ આવતા, પણ પોલીસને કોઈ પોતાની બાતમી આપે છે એવી ખબર પડતાં કે એવો વહેમ આવતાં તે એવા માણસને સાફ કરી નાખતો. પોતાની સ્ત્રી અને કેટલાંક સગાં પોતાને પકડાવી દેવાના કાવતરામાં સામેલ છે એ વહેમ આવતાં તેમનાં પણ ખૂન કરેલાં. બાતમી આપનાર અગર પુરાવા આપનાર કેટલાંકનાં તો બહુ ઘાતકી રીતે ખૂન કરેલાં. કોઈને ઝાડ સાથે ખીલા ઠોકી મારી નાખવામાં આવેલ, તો કોઈનું નાક કાપી લેવામાં આવેલ. આથી લોકો થથરી ગયા. પોલીસ તો એટલે સુધી ફૂટી ગઈ હતી કે બાતમીનો ઉપયોગ કરી બહારવટિયાઓને પકડવા જવાને બદલે તેમને અગાઉથી ચેતાવી દેતી અને કેટલીક વાર તો બાતમી આપનારનાં નામ પણ આપી દેતી. એના ઘણા દાખલા તેમણે પોતાના રિપોર્ટમાં આપ્યા. તેમાંનો એક નમૂના દાખલ અહીં આપું છું. એક રજપૂતે બયાન આપેલું કે નોંધણા અને અમલપર ગામની સીમમાં એક ખેતરમાં બાબર દેવા અને બીજા બહારવટિયા બેઠેલા હતા. તેમને બોરસદ તાલુકાના એક જથાના ફોજદારને તથા પોલીસ પાર્ટીને તે જગ્યાએ લઈ જઈ ને પાસેના જ ખેતરમાં