પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
સરદાર વલ્લભભાઈ

રહીને મેં બતાવ્યા અને કહ્યું કે પકડો એમને. એ લોકો સાત આદમી હતા અને પોલીસની સંખ્યા વધારે હતી છતાં પોલીસ ત્યાં ગઈ નહીં એટલું જ નહીં, પણ તેમને ચેતવીને નસાડી મૂકવાની પોલીસે યુક્તિ કરી. ખેતરમાં ઊભેલા એક ગરીબ ઢેડને ફોજદારે મારવા માંડ્યો. ઢેડે બૂમો પાડી કે, પોલીસ મને મારે છે. આ બૂમો સાંભળી બહારવટિયા ચેત્યા અને ત્યાંથી ભાગ્યા. પોલીસ બહારવટિયાઓ સાથે મળી ગઈ હતી એમ કહીએ તો ચાલે. બાતમી આપવા ખાતર પ્રજાનાં કેટલાંયે માણસ મરાયાં, છતાં નવાઈની વાત એ હતી. કે પોલીસમાંથી કોઈ મરાયું નહોતું. મોટા મોટા અમલદારોનું બહારવટિયા આગળ કોઈ ચાલતું નહીં તેનો એક દાખલો તેમણે રિપોર્ટમાં આપ્યો છે. એક ફર્સ્ટકલાસ મૅજિસ્ટ્રેટ વાસદથી બોરસદ જતા હતા ત્યાં વાટમાં બહારવટિયા મળ્યો. મૅજિસ્ટ્રેટ પાસે બંદૂક હતી તે બહારવટિયાએ થપ્પડ મારીને પડાવી લીધી. જાન બચાવવા મૅજિસ્ટ્રેટ સાહેબે કાલાવાલા કર્યા ને કહ્યું કે હું તો કારકુનુ છું.

બાબર દેવા ઉપરાંત અલી નામનો બોરસદ ગામનો એક મુસલમાન બહારવટિયો પણ તે વખતે લૂંટ ચલાવતો હતો. એ પણ પહેલાં તો બહારવટિયો નહોતો. જમીનની કોઈક તકરારમાં તેણે બોરસદ ગામની સીમમાં કેરીઓની તકરારમાં ભરબપોરે એક વકીલનું ખૂન કરેલું ને પછી નાઠેલો, તે બહારવટિયો થયો. ઉત્તરસંડાનો એક માણસ તેનો સાગરીત હતો, તે એની લૂંટનો માલ રાખતો અને તેને આશ્રય આપતો. પોલીસની લાલચથી કહો કે બીકથી આ માણસ ફૂટ્યો અને એણે દગો કરીને અલીને પકડાવી દીધો. પણ પછી એ ગભરાયો એટલે એણે અલીને છોડાવવાની એક યુક્તિ કરી. અલી કાચી જેલમાં હતો ત્યાં એની સાથે સંતલસ કરીને પોલીસને કહ્યું કે, જો અલીને અહીંથી નાસી જવા દઈએ તો એ બાબરિયાને પકડાવી આપવા કબૂલ થાય છે. પોલીસને આ પેચ પસંદ પડ્યો અને અલીને છટકી જવાની ગોઠવણ કરી આપી. બહાર નીકળ્યા પછી અલીએ બાબરને ફસાવવા માટે અમુક જગ્યાએ મળવા બોલાવ્યો, પણ બાબરને કાવતરાની ગંધ આવી ગઈ હતી એટલે એ ત્યાં ગયો જ નહીં. અલીએ પોલીસને કહ્યું કે, બાબર મારા ઉપર વહેમાયો છે, પણ મને લૂંટ ચલાવવા દો એટલે એનો વહેમ નીકળી જશે અને હું એને પકડાવી દઈશ. પોલીસે આ વાત સ્વીકારી એટલે અલીને તો લૂંટો કરવાનો પરવાનો મળ્યો. તેમાંથી પોલીસને પણ સારી રીતે ભાગ મળવા લાગ્યો, એટલે એમણે તો એને બંદૂક અને કારતૂસો પણ પૂરાં પાડવા માંડ્યાં.

હવે સજા-પોલીસ તાલુકામાં શું કરતી હતી તેનો રિપોર્ટ જોઈએ. ઘણાંખરાં ગામે ઓછામાં ઓછા પાંચ પોલીસના માણસ મૂક્યા હતા. મોટાં