પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


ગામોમાં વધારે હતા. તેમનો ત્રાસ ગામડાંમાં ઘણો હતો. રિપોર્ટમાં લખ્યું છે કે, આસોદર ગામમાં અમે પહોંચ્યા ત્યારે જોયું કે સવારથી પાંચ પોલીસ, એક જમાદાર અને બાર ઢેડ સીમમાં નીકળી પડેલા હતા. તેઓ ઘાસના પૂળાની ગંજી દેખે ત્યાંથી પૂળા લેતા હતા. પાટીદારના પાંચ અને બારૈયાના ત્રણ લેવાનો નિયમ કર્યો હતો. પૂળા સારા કડબના લેતા. આમ લગભગ દોઢસો પૂળા ભેગા કર્યા. અમે તેની નોંધ કરી. ગામમાં એક માણસ શાક વેચવા બેસતો, તેની પાસેથી આ લોકો રોજ શાક લેતા, આજે વધારે માગ્યું અને પેલાએ આપવાની ના પાડી એટલે એને દંડો માર્યો. વાધરીઓની વાડીએથી દરરોજ પાંચ શેર જેટલું શાક લાવતા. કોઈ વાર આપવાની ના પાડે તો ગાળો દેતા. કુંભારવાડામાં પણ એમનો ભારે ત્રાસ હતો. દરરોજ દસબાર બેડાં પાણી ભરવાના કુંભાર લોકોના વારા કર્યા હતા.

રિપોર્ટને અંતે જણાવ્યું હતું કે :

“તાલુકાનાં ઘણાં ગામે અમે જાતે ફર્યા અને ખૂબ બારીક તપાસ કરી. આ તપાસને અંતે અમારા હૃદયની ખાતરી થઈ છે કે પ્રજાનો મોટો ભાગ, ઘણો મોટો ભાગ, તદ્દન નિર્દોષ છે. . . બહારવટિયા રાતે લુંટે છે, પોલીસ ધોળે દિવસે લૂંટે છે, અને આ કાયદેસર ગણાતી લૂંટની સાથે પ્રજાને મેશનો ચાંલ્લો કરે છે. સરકાર કહે છે કે પ્રજા બહારવટિયાને સંઘરે છે, તેમને આશરો આપે છે, તેમને ખાવાનું આપે છે. પ્રજા કહે છે કે પોલીસ ફૂટેલી છે, બહારવટિયાઓને બંદૂકો આપે છે, ટોટા પૂરા પાડે છે અને લૂંટના માલમાંથી ભાગ પડાવી ખિસ્સાં તર કરે છે.”

સરદારે આ દંડનો ઇતિહાસ અને દંડની બાબતમાં નીચેથી ઉપર સુધીના અમલદારોના રિપોર્ટો મેળવ્યા હતા. તેનો સાર તાલુકા પરિષદના પોતાના ભાષણમાં કહેલો તે ઉપરથી આખા કેસનો ખ્યાલ આવે છે :

“જ્યારથી બાબર બહારવટે ચડ્યો ત્યારથી એક પોલીસ થાણું સરકારે ગોળેલ ગામે મૂકેલું. ત્યાર પછી પોલીસનો એવો રિપોર્ટ થયો કે ખડાણા અને જોગણ નામના બે ગામના પાટણવાડિયા અને બારૈયા બાબર દેવાની ટોળીને મદદ કરે છે, એટલે એ ગામે થાણાં બેસાડવામાં આવ્યાં. અને તેનું ખર્ચ દંડ તરીકે એ બે ગામ ઉપર લાદ્યું. આ સજા-પોલીસે લોકોનું કેવું રક્ષણ કર્યું તે જુઓ. જોગણા ગામમાં જ બાબર દેવાએ શીભાઈ નામના માણસનું તેના ઉપર બાતમી આપવાનો વહેમ જવાથી ધોળે દિવસે ખૂન કર્યું. છતાં પોલીસનો રિપોર્ટ કાયમ રહ્યો કે, લોકો બહારવટિયાઓની બાતમી આપતા નથી ગોળેલમાં તો બહારવટિયાઓએ એક વાર પોલીસના માણસો ઉપર જ હુમલો કર્યો અને પેાલીસ ડરીને દબાઈ ગઈ. આવી સજા-પોલીસ પ્રજાનું શું રક્ષણ કરી શકે ? ખડાણા અને જોગણના લોકો કલેક્ટર પાસે ગયા અને કહ્યું કે આ વેરો અમારાથી ભરાતો નથી. મામલતદારે પણ રિપોર્ટ