પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

ઓછામાં ઓછા ગુના થયા છે. સરદારે બીજી વાત એ કહી કે, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ના લેખો વાંચતાં જ જણાય છે કે ખબર ખાતાના વડાએ એ લેખો મોકલેલા હોવા જોઈએ અને તેને નાગપુરના કમિશનર જેવા જ કોઈ સ્થાનિક અમલદારે તે પૂરા પાડેલા હોવા જોઈએ, અગર તો તેમાંની બધી હકીકતો એવા કોઈ અમલદાર પાસેથી મળેલી હોવી જોઈએ. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના લેખ પ્રગટ થયા પછી તરત જ સજા-પોલીસ મુકવાનો સરકારનો હુકમ બહાર પડ્યા.

સરકારી અમલદારના ઉપલા રિપોર્ટો ઉપરાંત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તમામ ફોજદારો અને જમાદારો ઉપર અલીની બાબતમાં એક ખાનગી સર્ક્યુલર મોકલેલો તે પણ સરદારે પકડ્યોયો. તેમાં એવી સૂચના હતી કે અલી બાબર દેવાને પકડી આપવાનો છે માટે તેની લૂંટો વગેરે બાબતમાં ચસમપોશી રાખવી. પંડ્યાજી અને રવિશંકર મહારાજે પોતાના રિપોર્ટમાં લોકોના કહેવા ઉપરથી આ વાત લખી હતી પણ સરદાર તો ચોક્કસ પુરાવો કબજે કરીને બેઠા હતા, એટલે સરકારને તેઓ બરાબર પડકાર આપી શક્યા.

લડતની વિગતોમાં ઊતરતાં પહેલાં આ ભૂમિમાં બહારવટિયાઓનો પાક કેમ થયાં કરતો હતો એ જોઈએ:

ખેડા જિલ્લામાં મહી નદીના કાંઠા ઉપરનાં ગામોમાં પાટણવાડિયા અને બારૈયા કોમની વસ્તી છે. વધારે બહારવટિયા એ કોમમાંથી પેદા થયા છે. પાટણવાડિયા અને બારૈયા પોતાને ક્ષત્રિય કહેવડાવે છે. એ કોમના આગેવાન માણસ નાનીમોટી ઠકરાતોવાળા હતા, અને બીજા માણસો રાજ રજવાડામાં સિપાહીગીરી કરતા, વગેરે જૂના ઇતિહાસમાં આપણે નહીં ઊતરીએ. છેલ્લાં પોણોસો કે સો વર્ષના ઇતિહાસ પરથી તો એમ લાગે છે કે જેમ જેમ તેમની જમીન અંગ્રેજી રાજ્યમાં કોર્ટ કચેરીના કાયદાની મદદથી બિનખેડૂત શાહુકારો અને ખેડૂત પાટીદારોના હાથમાં જતી ગઈ તેમ તેમ તેઓ ધંધા વિનાના બનવા લાગ્યા. મૂળે આ કોમ ઝનૂની, સાહસી અને લડાયક તો ખરી જ. એટલે સહેજ કારણ મળતાં ચોરી અને લૂંટફાટ તરફ વળી જતાં તેમને વાર લાગતી નહીં. આર્થિક કારણ ઉપરાંત સામાજિક અન્યાયને કારણે પણ ઉશ્કેરાઈ જઈ તેઓ તોફાનને રસ્તે ચઢી જતા. આવાં વિવિધ કારણોસર આ કોમોમાંથી બહારવટિયાઓ કેવી રીતે પેદા થતા તેની વાતોનો ભંડાર રવિશંકર મહારાજ, જેમણે પોતાના પૂર્વજીવનમાં આ કોમના ગોરનું ને ઉત્તર જીવનમાં તેમના ગુરુનું કામ પુષ્કળ કર્યું છે અને હજી કરી રહ્યા છે એમની પાસે પુષ્કળ છે. અનેક વેળા તેમની પાસેથી સાંભળેલી જુદી જુદી વાતોમાંથી થોડા ટુચકા અહીં આપ્યા છે.