પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સરદાર વલ્લભભાઈ


આપ્યો “બસો પાડા તો લાવ્યો હતો, પણ તેમાંથી એક મારકણો નીકળ્યો તેનાથી ભડકીને બધા દરવાજા આગળથી નાસી ગયા. એટલે એક્કે પાડો ન રહ્યો !” પોતાના વિદ્યાર્થીનો આવો મસ્ત વિનોદ સમજવાને અને સહન કરવાને માટે તો શિક્ષકમાં પણ એવી મસ્તી જોઈએને ! છોટાલાલ માસ્તર એ સાંખી ન શક્યા અને ધમકાવીને તાકીદ આપી. બીજા દિવસે પાછું પૂછવામાં આવ્યું. જરાય ગભરાયા વિના વિદ્યાર્થીએ વિનોદ આગળ ચલાવ્યો : “હા સાહેબ, લખી લાવ્યો છું.” એમ કહીને એક કાગળ બતાવ્યું. તેમાં લખ્યું હતું : “બસેં પાડા.” મહાદેવભાઈ લખે છે કે, “છોટાલાલ માસ્તરની અહિંસાને ધન્ય છે કે તેમણે આ અપમાનનો સ્થળ પ્રહારથી જવાબ ન આપતાં આ ન સુધરી શકે એવા નઠોર છોકરાને મુખ્ય શિક્ષક નરવણે પાસે મોકલ્યો.” સરદારનો આ ધન્યવાદની સામે વાંધો છે. તેઓ કહે છે : “સ્થૂળ પ્રહાર શેનો કરે ? કોઈ પણ શિક્ષક મને મારતાં ડરે એવો હું હતો.” આ મુખ્ય શિક્ષકની આગળ વિદ્યાર્થીએ નિવેદન કર્યું : “આવી તે સજા હોતી હશે? કાંઈ અમારા અભ્યાસમાંથી લખાવતા હોય તો મને ફાયદો પણ થાય. પહેલી ચોપડીના એકાના પાડાથી તો કોઈને ફાયદો ન થાય. ઊલટા એ લખતો જોઈ ને મને સૌ મૂરખ કહે.” મુખ્ય શિક્ષકે મનમાં આ દલીલની કદર કરી અને વિદ્યાર્થીને શાંતિથી સમજાવ્યો.

છોટાલાલ માસ્તર તો પોતાના વિદ્યાર્થીને મહાપુરુષ થયેલો જોવાને ન જીવ્યા. પણ નરવણે માસ્તરને એ સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયેલું. તેઓ ગર્વથી કહેતા : “વલ્લભભાઈ મારા હાથ નીચે શીખેલા.”

આ પ્રસંગ પછી સરદાર વધુ વખત વડોદરા નહીં રહેલા. બીજા એક શિક્ષકની સાથે ઝઘડો કરીને બે જ મહિનામાં ત્યાંથી નડિયાદ આવતા રહેલા. નડિયાદમાં મામાએ પૂછ્યું, “કેમ પાછો આવ્યો ?” તો કહે કે, “ત્યાં કોઈ માસ્તરને ભણાવતાં આવડતું નથી.”

છેવટે મૅટ્રિક નડિયાદ હાઈસ્કૂલમાંથી સને ૧૮૯૭માં થયા. તે વખતે એમની ઉંમર લગભગ બાવીસ વર્ષની હતી.

મૅટ્રિક પાસ થયા પછી શું કરવું એ પ્રશ્ન સામે આવીને ઊભો. ગુજરાતી સાત ચોપડી પાસ થયા પછી જેમ સીનિયર ટ્રેન્ડ માસ્તર થવાની સલાહ મળી હતી, તેમ આ વખતે પણ ઘરની સ્થિતિ સાધારણ છે અને કાંઈ નોકરી ધંધો લાગી જાય તો સારું એમ વિચારી મામા ડુંગરભાઈ જેઓ એલ. સી. ઈ. પાસ થયેલા હોઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુખ્ય ઇજનેર હતા અને મ્યુનિસિપાલિટી તથા શહેરમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા તેમણે કહ્યું કે, અમદાવાદ આવે તો મ્યુનિસિપાલિટીમાં મુકાદમની જગા અપાવું. જેમ કામ શીખીશ તેમ આગળ વધવાની સાથે ચાન્સ મળશે. પણ આવી નોકરીબોકરીથી