પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
સરદાર વલ્લભભાઈ


હસતે હસતે કહ્યું, એવાં તે ઝૂંપડાં કોઈ બંધાવી આપતું હશે ? કહ્યું હશે પણ તુંયે ગાંડો ને તે આટલા દિવસ બેસી રહ્યો ! વાણિયાની નફટાઈ ઉપર પેલા બારૈયાને રોમ રોમ ક્રોધ વ્યાપી ગયો. ઘેર જઈ ધારિયું લઈને બહાર નીકળ્યો. વાણિયો ઘરબહાર નીકળ્યો એટલે લાગ મળતાં જ તેને ટચકાવ્યો. ત્યાંથી નાસીને એણે ચોરી અને લૂંટફાટ કરવા માંડી.

શ્રી મેઘાણીએ સોરઠના બહારવટિયાનાં જે વર્ણનો આપ્યાં છે તે જોતાં કાઠિયાવાડના બહારવટિયાઓ સાથે ખેડા જિલ્લાના બહારવટિયાઓને સરખાવી શકાય કે કેમ એ વિચાર આવે છે. ટેક, ખાનદાની અને શૂરવીરતામાં કદાચ કાઠિયાવાડના બહારવટિયા ચઢે. અલબત્ત, જેઓ કાંઈ ઊંચા ઉદ્દેશથી બહારવટે નીકળ્યા હોય તેઓ જ. બાકી ખેડા જિલ્લાના બહારવટિયાઓ પણ પોતાના વર્તનના અમુક નીતિનિયમો તો રાખતા જ. જે વખતે બહારવટિયાનો ઉપદ્રવ વધારે ચાલેલો છે તે વખતે પણ એમના તરફથી કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થયાનો કેસ બન્યો નથી. કોઈ એકલી સ્ત્રી જતી હોય તેને પણ તેઓ લૂંટતા નહીં. બાબર દેવા તો કોઈ ગામે જાય ત્યાં નિશાળિયાઓને દૂધ પિવડાવતો, બ્રાહ્મણોને જમાડતો અને કોઈ બ્રાહ્મણ ગરીબ હોય તો તેની દીકરી પણ પરણાવી આપતો. આવાં કાર્યોથી પોતાને પુણ્ય પ્રાપ્ત થાય છે એમ આ બહારવટિયા માનતા. તેથી જનતામાં તેઓ લોકપ્રિય થતા, એ લાભ તો તેમને પ્રત્યક્ષ મળતો.

આર્થિક અને સામાજિક અન્યાયને કારણે બહારવટિયા બન્યાના ઉપર દાખલા આપ્યા. પણ એવાં કારણે જેઓ બહારવટિયા બન્યા છે તેમની સંખ્યા બહુ મોટી નથી. બહારવટિયાનો પાક ઊભો કરનારું અને ગુનાની સંખ્યા વધારનારું મોટું કારણ તો બ્રિટિશ સરકારનો ‘ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ’ — ગુનાખોર કોમને લગતો કાયદો હતો. ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. એ કાયદા પ્રમાણે એ કોમનાં તમામ પુખ્ત વયનાં માણસોને, — પુરુષોને તેમ સ્ત્રીઓને — સવારસાંજ હાજરી આપવાની ફરજ પાડવામાં આવતી. વળી કોઈ જગ્યાએ એક ગુનાનો બનાવ બન્યો કે સંખ્યાબંધ માણસો ઉપર જામીનકેસ કરવામાં આવતા. પેલા બિચારા જામીન ક્યાંથી લાવી શકે ? એટલે પછી એમને સજા કરી જેલમાં મોકલવામાં આવતા. માણસ ગુના કરવાની વૃત્તિવાળો ન હોય તો પણ ગુના કરવાની વૃત્તિ લઈને તે જેલમાંથી બહાર આવતો. હાજરીના ત્રાસથી કંટાળીને પણ ઘણા લોકો નાસતા ફરતા અને પછી ગુજરાન ચલાવવા ખાતર ચોરી અને લૂંટફાટનો ધંધો તેઓ લઈ બેસતા. નવા અમલદારો આવે તે કોઈ આમને સુધારવાની કોશિશ કરતા નહીં પણ વધારે સખ્તાઈ કરવા જતા અને તેમાંથી વધારે ગુનેગારો નિપજાવતા.