પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ. તા. ૧લી ડિસેમ્બરે બોરસદમાં પ્રાંતિક સમિતિની બેઠક થઈ તે પહેલાં સરકારનો કેસ ખોટો અને અન્યાયી પુરવાર કરવા માટે સરદાર પાસે પૂરતો મસાલો એકઠો થઈ ગયો હતો. પંડ્યાજી તથા રવિશંકર મહારાજે પણ ખૂબ મહેનત લઈ લોકો પાસેથી વિગતો મેળવી સુંદર રિપોર્ટ તૈયાર કર્યો હતો. પણ બેઠક શરૂ થતાં પહેલાં સરદારે એમના રિપોર્ટ ઉપર ખૂબ ઝીણવટથી ઊલટતપાસ કરી અને તેમાં બંને જણને એવા ગૂંચવ્યા કે રવિશંકર મહારાજને તો ઘડીભર મનમાં થઈ ગયું કે અમારી મહેનતની કદર કરવાની તો બાજુએ રહી પણ અમે આટલી માહિતી લઈ આવ્યા છીએ તેના ઉપર આ તો અવિશ્વાસની નજરે જુએ છે. તે દિવસ સુધી સરદારનો એમને નિકટનો પરિચય નહીં થયેલો. એટલે મનમાં ગાંઠ વાળી કે આવા કડક માણસ સાથે આપણને કામ કરવું ફાવશે નહીં. પણ પછી પ્રાંતિક સમિતિની બેઠકમાં સરદારે જે ભાષણ કર્યું, રિપોર્ટની જે પ્રશંસા કરી અને જે ઠરાવ રજૂ કર્યો તે જોઈ રવિશંકર મહારાજ સમજ્યા કે આપણને જે સવાલો પૂછેલા તે તો આપણને બરાબર કસીને ખાતરી કરી લેવા માટે જ હતા. ઘડી પહેલાં સરદાર સાથે કામ ન પાડવાની જે મનમાં ગાંઠ વાળતા હતા તે ઘડી પછી સરદારના પરમ ભક્ત બની ગયા. આજે તેઓ સરદારના વધારેમાં વધારે વિશ્વાસુ સાથીઓમાં અગ્રણી પદ ભોગવે છે અને ગુજરાતમાં તેમના હાથપગ બનીને બેઠા છે, અથવા બેઠા છે શાના ? હાથપગ બનીને ફર્યાં કરે છે.

પ્રાન્તિક સમિતિની બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“મુંબઈ સરકારે ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૨૩ના નં. ૩૮૨૮ના ઠરાવથી બોરસદ તાલુકાનાં ૮૮ ગામ અને આણંદ તાલુકાનાં ૧૪ ગામ પર રૂ. ૨,૪૦,૦૭૪ નો દંડ આકારી વધારાની પોલીસ નાખી છે, તે સંબંધમાં આ સમિતિએ નીમેલી કમિટીનો રિપોર્ટ વાંચી તેમ જ તેમની હકીકત સાંભળી આ સમિતિ ઠરાવ કરે છે કે સરકાર પ્રજાનું બહારવટિયાના ત્રાસથી રક્ષણ કરવાને કેવળ અશક્ત નીવડેલી છે. પ્રજાનું રક્ષણ કરવું અને તેને માટે જોઈતો પોલીસનો બંદોબસ્ત કરવો એ સરકારની ફરજ છે. એ ફરજ અદા કરવાને બદલે નિર્દોષ પ્રજા ઉપર જૂઠાં તહોમત મૂકી જે દંડ નાખવામાં આવ્યો છે તે તદ્દન અન્યાયી અને જુલમી છે. તેથી આ સમિતિ આ અન્યાયની સામે લડત ચલાવવાની, પ્રજાને એ દંડ નહી ભરવાની અને તેમ કરતાં વેઠવું પડતું દુઃખ શાંતિથી સહન કરી પોતાનું સ્વમાન જાળવવાની સલાહ આપે છે.”

બીજે દિવસે આખા બોરસદ તાલુકાની પરિષદ થઈ. તે માટે તૈયારી આઠ જ દિવસની હતી. છતાં લોકોની ઠઠ ભારે હતી. આખો મંડપ ખીચોખીચ